May 27, 2018

અક્ષુભાઈ ર. વ. દેસાઈની ખોટ સાલે છે

By Raju Solanki  || 21 April 2018 


આ સોળમી એપ્રિલે એક ઉમદા ગુજરાતી અને એટલા જ ઉમદા સમાજશાસ્ત્રી અક્ષયકુમાર રમણલાલ દેસાઈની જન્મજયંતી ગઈ. ગુજરાતના એક પણ અખબાર કે સામિયકને ‘ગ્રામલક્ષ્મી’ જેવી સુંદર નવલકથાઓના સર્જક ર. વ. દેસાઈના પુત્ર અક્ષયકુમારે સમાજશાસ્ત્રમાં આપેલા અનન્ય પ્રદાનની નોંધ લેવા જેવી લાગી નહીં. ગુજરાતના કોઈ સમાજશાસ્ત્રીએ પણ અક્ષયકુમાર ર. દેસાઈને સાંભર્યા નહીં. લાગે છે કે ગુજરાતમાં સમાજશાસ્ત્ર વિષય કોલેજોમાં તગડા પગારો ખાવાની ફાલતુ જણસ માત્ર બની ગયો છે.

છેલ્લા સો વર્ષની ભારતીય સમાજશાસ્ત્રની પરંપરામાં લખનૌ સ્કુલે રાધાકમલ મુખરજી, ધૂર્જટિપ્રસાદ મુખરજી અને ડી. એન. મજમુદાર આપ્યા; કોલકત્તા સ્કુલે અક્ષયકુમાર દત્તા અને બિનોયકુમાર સરકાર પેદા કર્યા તો બોમ્બે સ્કુલે એ. એસ. ઘૂર્યે અને એ. આર. દેસાઈ જેવા વિદ્વાન સમાજશાસ્ત્રીઓ નિપજાવ્યા. એમાં અક્ષયકુમારે માર્કસવાદી અભિગમથી સમાજશાસ્ત્રને મૂલવ્યું અને સોશીયલ બેકગ્રાઉન્ડ ઑફ ઇન્ડીયન નેશનાલિઝમ જેવા એપિક ગ્રંથો આપ્યા.

16 એપ્રિલ, 1915માં જન્મેલા એ. આર. દેસાઈએ 80 વર્ષનાં સુદીર્ઘ આયુષ્યકાળમાં ગુજરાતના લોક આંદોલનો વિષે સતત કલમ ચલાવેલી. ગજવાના પૈસે તેઓ ‘પડકાર’ મેગેઝિન બહાર પાડતા અને તેમાં તેમણે હિન્દુત્વના પુનરુત્થાન વિષે અભ્યાસપૂર્ણ લેખો લખેલા. મેં ગુજરાતના કોઈપણ મૂર્ધન્ય સમાજશાસ્ત્રીને આઠમા દાયકામાં એ. આર. દેસાઈ જેટલી બળકટતાથી અને સંવેદનીલતાથી હિન્દુ કટ્ટરવાદ સામે લખતા-બોલતા જોયા નથી કે જ્યારે દેશમાં કટ્ટરપંથી પરિબળોએ ધર્મને રાજનીતિમાં ભૂનાવવા મોટાપાયે ઉપાડો લીધો હતો.

અક્ષયકુમારને અમે લોકો ‘અક્ષુભાઈ’ કહેતાં. ના કાકા. ના સાહેબ. પોતે પ્રખર માર્કસવાદી એટલે સાહેબ કહેવડાવવાનું તો લગીરે પસંદ ના કરતા. મારો અક્ષુભાઈ સાથે વાત્સલ્યનો નાતો. અમારી નાની-મોટી પ્રવૃત્તિઓની તેઓ તેમના સામયિક ‘પડકાર’માં અચૂક નોંધ લેતા. અમે મિત્રોએ અમદાવાદમાં ભંગી સમાજના પ્રથમ મહિલા પીએચડી શારદા વડાદરાનું પ્રથમ સન્માન કરેલું. અક્ષુભાઈએ એ સમારોહની ઐતિહાસિકતા પીછાણેલી અને જ્યારે ગુજરાતના એકપણ અખબારે આ ઘટનાની નોંધ લેવાનું અયોગ્ય માનેલું ત્યારે તેમણે ‘ગુજરાતમિત્ર’ની એમની કટારમાં સુંદર લેખ લખેલો. અમારા કાર્યક્રમને કારણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી દ્વારા શારદા વડાદરાનું જાહેર નાગરિક સન્માન થયેલું. નરેન્દ્ર મોદીના લેખોનું ‘સામાજિક સમાનતા’ના નામે સંપાદન કરનારા કિશોર મકવાણાએ પુસ્તકની પ્રસ્તાવનામાં આની ક્રેડિટ નરેન્દ્ર મોદીને આપેલી. સમાજમાં જે કંઈ સારી ઘટના ઘટે તે શાસકોના નામે ચડાવવાની માનસિકતા પ્રબળ બની રહી છે ત્યારે અક્ષુભાઈ જેવા વીરલ ‘એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ’ મિજાજ ધરાવતા વિદ્વાનોની ખોટ અવશ્ય સાલે.

ગુજરાતને ફાસીવાદની પ્રયોગશાળા કહેવામાં આવે છે. સમગ્ર દેશને ભરડો લેનારી વિચારધારાનો હિંસક પ્રાદુર્ભાવ ગુજરાતમાં થયો. ગુજરાતમાં હજારો પ્રાધ્યાપકો યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં સમાજશાસ્ત્ર ભણાવે છે. પરંતુ, કમનસીબે ગુજરાતના સમાજજીવનના તળીયાના લોકો, દલિતો, આદિવાસીઓ, વંચિતોના જીવનમાં આવી રહેલા સામાજિક-આર્થિક પરિવર્તનોની નોંધ લેતા સંશોધનો થતા હોય તેવું જણાતું નથી. ઉપર ત્રણ સ્કુલોની વાત મેં કરી. હજુ ચોથી આંબેડકરી સ્કુલના વિદ્યાર્થીઓ, સંશોધકો તો બહાર આવ્યા જ નથી. ગુજરાતમાં થતા દરેક ફેરફારને કોંગ્રેસ-ભાજપના દ્વન્દ્વમાં જ જોવાની કોંગ્રેસી સમાજશાસ્ત્રીઓની કુટેવ છે. આવા સમયે સામ્યવાદી અક્ષુભાઈના પ્રદાનનું પુન:મૂલ્યાંકન કરવાની જરૂર છે.

મુંબઈ-સ્થિત ગુજરાતી દૈનિક ‘સમકાલીન’માં સબએડિટરની નોકરી માટે ઇન્ટર્વ્યૂ આપવા હું મુંબઈ ગયો ત્યારે બે દિવસ તેમના મુંબઇના નિવાસે રોકાયેલો. એમણે અત્યંત પ્રેમથી મારી પરોણાગત કરેલી. એમની સાથે કલાકો સુધી દલિતો, આદિવાસીઓ, વંચિત સમુદાયોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવાની મજા પડતી. લગ્ન પછી વડોદરાના એમના હવેલી જેવા ઘરે ખાસ એમને મળવા જ અમે પતિ-પત્ની ગયેલા. એ અમારી છેલ્લી મુલાકાત હતી.

Raju Solanki

No comments:

Post a Comment