By Jigar Shyamlan || 29 November 2017 at 10:38
ધર્મ તેમજ ધર્મને લગતી તમામ ક્રિયાઓ મૂળ તો માનવનું શોષણ કરવા માટે બહુ ચતુરાઈથી વિકસાવેલ ટેકનિક છે, પછી તે ધર્મ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે પછી ખ્રિસ્તી.
દરેક ધર્મ પોત પોતાની રીતે દૈવી શક્તિના પ્રચાર કરે છે.
હિન્દુ હોય તો ભગવાન કે ઈશ્વર,
મુસ્લિમ હોય તો અલ્લાહ કે પીર, પયગંબર
અને ખ્રિસ્તી હોય તો ગોડ કે જીસસ.
મુળ ધર્મ તો માણસનું અવિરત શોષણ કરતા રહેવા બનાવેલ એક પાખંડ જ છે તેમાં બહુ જ ચતુરાઈથી ઈશ્વર, અલ્લાહ, ગોડ જોડી દેવામાં આવ્યા છે, જેથી ધર્મનો કોઈ વિરોધ ન કરી શકે.
દરેક માણસ પોતાની બુધ્ધીના બારણાં બંધ કરીને સતત ધર્મ અને તેની પાછળ જોડાયેલ ઈશ્વર, અલ્લાહ અને ગોડની આ ટેકનિકની પાછળ આંખો બંધ રાખીને જોડાયેલો રહે તે માટે માણસમાં જ જોવા મળતા બે માનવીય લક્ષણોનો ભરપુર ફાયદો ઉઠાવવામાં આવ્યો છે.
આ બે માનવીય લક્ષણો એટલે એક ડર કે ભય અને બીજુ લાલચ કે લાલસા..
આ ડર અને લાલચ બે પરિબળ એવા છે જે માણસને ધર્મ અને ધર્મ દ્વારા પેદા કરાયેલ ક્રિયાકાંડ તેમજ ઈશ્વરીય માન્યતાઓની પાછળ ઘેંટાની જેમ ચાલવા ફરજ પાડે છે.
જો તમે હિન્દુ છો અને પુજા પાઠ, હોમહવન કરો છો, રોજ મંદિરોમાં જાવ છો મતલબ તમે કાં તો ડરેલા છો કાં તો તમને કોઈ લાલચ છે. જો તમે મુસ્લિમ છો અને નમાજ પઢો છો, મજારો પર માથુ ટેકવવા જાવ છો મતલબ તમે પણ આ ખૌફનો શિકાર છો. આ વાત ખ્રિસ્તીઓને પણ એટલી અને તેવી જ લાગુ પડે છે.
આ તમામ બાબતો પર કોઈ તકઁશીલ વિચાર વિમશઁ કે સવાલ જવાબ ન જ થઈ શકે તેવો માહોલ બનાવવામાં આવ્યો છે. આસ્થા કે શ્રધ્ધાના પરદા પાછળ ચાલી રહેલ પાખંડને ઉજાગર કરવા માટે સવાલો પૂછવા પર જબરજસ્ત પ્રતિબંધ છે.
આવા સવાલ કરનારા કાં માર્યા જાય છે કાં તિરષ્કૃત કે બહિષ્કૃત કરવામાં આવે છે.
વિવિધ ધર્મ અને તેની માન્યતાઓ માણસની વૈચારિક ક્ષમતાને વિકસાવતી નથી પણ કૂંઠીત કરે છે.
આ બધા પરિબળોને કારણે પૃથ્વી પર પેદા થતુ દરેક બાળક પેદા થતાની સાથે જ એક હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બની જાય છે પણ એક માનવ બની શકતુ નથી.
- જિગર શ્યામલન
No comments:
Post a Comment