November 22, 2018

વી.પી.સિંહ અને બહુજન એકતાની જીત

By Kiritkumar Pravasi ||  Written on 20 Nov 2018




મીડિયા જેને 'રાજા નહિ રંક' કહીને માથે ચડાવતું હતું અને પછીથી મીડિયાએ જેને 'દેશ કા કલંક' કહીને માથે માછલાં ધોયાં હતાં એવા દેશના આઠમા બિનકોંગ્રેસી વડાપ્રધાન શ્રી વી.પી.સિંહ વિષે આજે વાત કરવી છે.
આજે પણ આપના કોઈ પણ સવર્ણ મિત્ર આગળ "વિશ્વનાથ પ્રતાપ સિંહ-વી.પી.સિંહ"-- માત્ર આટલું જ બોલો અને પછી તેનો ચહેરો વાંચવાની કોશિશ કરો ! તેનો ગરાશ કોઈએ લૂંટી લીધો હોય એવી તે લાગણી અનુભવશે અને મનમાં કેટલીય ગાળો ભાંડશે ! બિનઅનામત વર્ગના લોકો માટે આંબેડકર પછી સૌથી મોટા વિલન વી.પી.સિંહ છે.
વી.પી.ની વાત કરીએ તે પહેલા તે સમયના રાજકીય વાતાવરણની થોડી ચર્ચા કરી લઈએ. કાંશીરામે 1978માં આંબેડકર જયંતીના રોજ સત્તાવાર રીતે બામસેફની સ્થાપનાની ઘોષણા કરી હતી.1981માં ડી.એસ.ફોર બનાવ્યું અને 1984માં બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી.પોતાનાં આ સંગઠનો દ્વારા કાંશીરામે ઉત્તર ભારતમાં ખાસ કરીને યુ.પી.,મધ્યપ્રદેશ,પંજાબ,હરિયાણા,રાજસ્થાનમાં અનુસૂચિત જાતિ અને ઓબીસી વર્ગમાં બહુ મોટી જાગૃતિ લાવી દીધી હતી.ભારતની સંસદમાં મંડળ પંચ લાગુ કરવાની સર્વપ્રથમ માગણી પણ બસપાની સાંસદ માયાવતીએ જ કરી હતી. મંડલ પંચ લાગુ કરાવવું એ કાંશીરામનો મહત્વનો એજન્ડા હતો.
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહનો જન્મ 25 જૂન 1931ના રોજ થયો હતો. માંડાના રાજાએ તેમને દત્તક લીધા હતા. કોલેજ કાળમાં તેઓ વિદ્યાર્થી નેતા તરીકે ઉપસી આવ્યા હતા. 1957માં ભૂદાન આંદોલનમાં તેઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોતાની જમીન ભૂદાન આંદોલનમાં દાનમાં આપી હતી. સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ જેમ પૂર્વ કોંગ્રેસી હતા તેમ વી.પી.સિંહ પણ પૂર્વ કોંગ્રેસી જ હતા. કોંગ્રેસ પક્ષમાં તેઓ સક્રિય બન્યા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા રાજીવ ગાંધી સરકારમાં તેઓ નાણામંત્રી હતા ત્યારે રાજીવ ગાંધી સાથે તેમને ટકરાવ થયો હતો. વી.પી.સિંહને માહિતી મળી હતી કે કેટલાય ભારતીયોના કાળા નાણા વિદેશી બેંકોમાં છે. આવા ભારતીયોનો પતો લગાવવા માટે તેમણે અમેરિકાની એક જાસૂસી સંસ્થા ફેયરફેક્સની નિમણુંક કરી હતી. આવા જ સમયે સ્વિડને 16 એપ્રિલ 1987ના રોજ એવા સમાચાર પ્રગટ કર્યા કે બોફોર્સ કંપનીએ 410 તોપનો સોદો કર્યો છે તેમાં 60 કરોડ રૂપિયા કમિશન તરીકે ચૂકવાયા છે. વિવાદ ઘેરો બનતો ગયો અને ભારતીય મીડિયા એને ચગાવતું રહ્યું વીપી સિંહ અને રાજીવ ગાંધી વચ્ચે અંતર વધતું ગયું. મીડિયા માટે રાજીવ ગાંધી મિ. ક્લીનમાંથી મિ. Corrupt બનીચૂકયા હતા અને વીપી 'મિ.સુપર ક્લીન' બની ગયા હતા.1987માં કોંગ્રેસે વીપીને પક્ષમાંથી કાઢયા
વીપી સમગ્ર દેશમાં ઘૂમવા લાગ્યા, આર.એસ.એસ.એ વીપીને પોતાના ખભે ઊંચકી લીધા વીપી સિંહે કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોનો સહારો લઈને જનતાદળ બનાવ્યું ચૂંટણી નજીક આવી, કોંગ્રેસનો પરાજય થયો અને જનતાદળે બાજી મારી ભાજપ અને સામ્યવાદી પક્ષોએ જનતાદળને ટેકો આપતા જનતાદળના વીપી સિંહ 26 ડિસેમ્બર 1989ના રોજ વડાપ્રધાન બન્યા. 
જનતાદળના ચૂંટણી ઢંઢેરામાં મંડલપંચ લાગુ કરવાનું વચન આપ્યું હતું મંડલપંચ લાગુ કરાવવા માટે બસપાએ "મંડલ કમિશન લાગુ કરો વરના કુર્સી ખાલી કરો"નો નારો બુલંદ કર્યો. માયાવતીએ સંસદમાં માગ કરી કે મંડલપંચ લાગુ કરો. બસપાએ મંડલપંચ લાગુ કરાવવા માટે દિલ્હીમાં એક માસ સુધી જેલ ભરો આંદોલન કર્યું. દરરોજ હજારો બસપાઈ એકત્ર થતા અને 'મંડલપંચ લાગુ કરો વરના કુર્સી ખાલી કરો'નો નારો બુલંદ કરીને ધરપકડ વહોરી લેતા હતા. ઉત્તર ભારતમાં બસપાએ પછાત વર્ગોમાં પોતાની પકડ મજબૂત બનાવી હતી. 
મંડલપંચના ચેરમેન બી.પી.મંડલ યાદવ હોવાથી યાદવ જાતિનો પછાત વર્ગમાં સમાવેશ કર્યો હતો પણ જાટ જાતિનો સમાવેશ નહોતો કર્યો. ઉત્તર ભારતમાં આ બંને જાતિઓ એકબીજાની હરીફ જેવી છે. નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ પોતે જાટ હોવાથી વીપીને કહ્યું કે પછાત વર્ગોની યાદીમાં પહેલા જાટને સમાવો પછી મંડલપંચની જાહેરાત કરો.વીપીએ દેવીલાલની વાત નકારી ત્યારે દેવીલાલ કાંશીરામને મળ્યા કાંશીરામે કહ્યું કે જો તેઓ પોતે વડાપ્રધાન થતા હોય તો હું રાજી છું. આ બાજુ શરદ યાદવ અને રામવિલાસ પાસવાન વીપીને મળ્યા અને કહ્યું કે જો તેઓ મંડલપંચ જાહેર નહિ કરે તો તેઓ દેવીલાલને પોતાના નેતા તરીકે સ્વીકારી લેશે વીપીસિંહની ઈચ્છા મંડલપંચ આપવાની નહોતી પણ ચોતરફથી ઘેરાયેલા વીપીસિંહે છેવટે મંડલપંચની ઘોષણા ઓગસ્ટ 1990માં કરી નાખી.
સંસદમાં ભાગ્યે જ બોલતા રાજીવ ગાંધીએ સતત ચાર કલાક ભાષણ મંડલપંચના વિરોધમાં સંસદમાં આપ્યું જનતાદળને ટેકો આપતા ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો.મંડલની વિરુદ્ધમાં કમંડળનો સહારો લેવાનું ભાજપે નક્કી કર્યું. મીડિયા માટે 87-89 દરમિયાન બોફોર્સ અભિયાનના હીરો બનેલા વીપી એકાએક વિલન બની ગયા.
દેશભરમાં સવર્ણ લોકો અને વિદ્યાર્થીઓએ મંડળ પંચના આરક્ષણ વિરુદ્ધ દેખાવો કર્યા. અમુક વિદ્યાર્થીઓએ આત્મદાહની કોશિશ કરી.મીડિયા પણ મંડલપંચના આરક્ષણ વિરુદ્ધમાં ઉતરી આવ્યું. 
એલ.કે.અડવાણીએ રામમંદિર માટે રથયાત્રા કાઢવાની જાહેરાત કરી. ગુજરાતના સોમનાથથી શરૂ થયેલી યાત્રા બિહારમાં પહોંચી બિહારમાં જનતાદળના લાલુપ્રસાદ યાદવ મુખ્યમંત્રી તરીકે હતા. તેમણે રથયાત્રા રોકી અને અડવાણીની ધરપકડ કરી જેલમાં પૂર્યા. વળતા પગલાં રૂપે ભાજપે જનતાદળને આપેલો ટેકો પાછો ખેંચતાં વીપી સિંહ સરકારનું પતન થયું. 10 નવેમ્બર 1990ના રોજ વીપી સરકારનો અંત આવ્યો. એક વર્ષ કરતા પણ ઓછું શાસન કર્યું હોવા છતાં દેશની 54%આબાદીને પોતાનો બંધારણીય અધિકાર આ સરકારના શાસનમાં મળ્યો તે પણ હકીકત છે.વીપીએ મંડળ પંચની 24 પૈકી માત્ર 2 જ ભલામણો અમલમાં મૂકી હતી, બાકીની 22 ભલામણોનો પણ અમલ થાય તે માટે આપણે લડવાનું બાકી છે.
દેશના ઓબીસી સમાજ માટે એક અગત્યનું પાત્ર બની જનાર વીપી સિંહનું 27 નવેમ્બર 2008ના રોજ મૃત્યુ થયું.


Facebook Post :

No comments:

Post a Comment