November 01, 2017

આંબેડકરવાદ અને આપણે.....??

By Jigar Shyamlan ||  01 Nov 2017 


માહોલ એવો છે કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પર ચાલતા માણસને પણ પોતે કેવો આંબેડકરવાદી છે તેની સાબિતીઓ આપવી પડે છે.!!!

આ સાબિતી સો ટચની ત્યારે જ ગણાય જ્યારે તમે બ્રાહ્મણોને ગાળો આપતા હોવ. બ્રાહ્મણોને ગાળો આપવાની ક્ષમતાઓ તમારો આંબેડકરવાદ નક્કી કરે છે, જેટલી વધુ ગાળો આપી શકો તમે તેટલા જ સવાયા અને કટ્ટર આંબેડકરવાદી સાબિત થાવ છો.

બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણ એકબીજા સાથે જોડાયેલ છતાં અલગ અલગ પરિબળો હોઈ શકે. બધાજ બ્રાહ્મણવાદી બ્રાહ્મણો હોય અને બધા જ બ્રાહ્મણો બ્રાહ્મણવાદી છે એ વાત જે તે માણસની વિચારધારા પર આધારિત છે. હાલ આંબેડકરવાદી વિચારસરણી માત્ર અને માત્ર બ્રાહ્મણોની નિંદા કરવા પુરતી જ સિમિત બનાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે. બ્રાહ્મણોને ગાળો આપતા રહેવી એ જ આપણો ફુલ ટાઈમ ધ્યેય બની ગયો છે. હું અહી એક વાત સ્પષ્ટ કરવા માંગુ છુ કે હું પોતે બ્રાહ્મણવાદનો વિરોધી છું. માત્ર બ્રાહ્મણોને ગાળો આપતા રહેવું એ તો સમસ્યાનો કોઈ ઉકેલ નથી.
ખુદ બાબા સાહેબ આંબેડકરે 1927 July-9 બહિષ્કૃત ભારતના એક તંત્રી લેખ ''દુ:ખાત સુખ''માં લખે છે કે-
''જનતામાં અનેક ધમઁ વિધમાન છે. પ્રત્યેક ધમઁના અનુયાયીઓ વચ્ચે વિવિધ પ્રકારના ભેદ જોવા મળે છે. કોઈ ગરીબ છે, કોઈ શ્રીમંત. કોઈ જ્ઞાની છે તો કોઈ અજ્ઞાની, પરંતુ આવા ભેદ દરેક ધમઁમાં જોવા મળશે જ. પરંતુ વ્યવસાય પ્રમાણે પાડવામાં આવેલ ભેદ તો માત્ર હિન્દુ ધમઁમાં જ જોઈ શકાય છે. કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, કોઈ શુદ્ર છે. હિન્દુ ધમઁમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણેત્તર એમ બે પ્રકારના ભેદ વધારે સ્પષ્ટ છે. જન્મજાત ઉંચનીચના ભેદભાવ એ જ બ્રાહ્મણની ખરી વ્યાખ્યા છે. એ બાબત સ્પષ્ટ છે કે હું બ્રાહ્મણ જાતિનો વિરોધી નથી તે મારો વિચાર સ્પષ્ટપણે જાહેર કરૂ છું બ્રાહ્મણ લોકો અમારા વેરી કે દુશ્મન નથી, પરંતુ જેઓ બ્રાહ્મણવાદગ્રસ્ત છે તે જ અમારા વેરી છે એવું હું સમજું છું''

બાબા સાહેબની વિચારધારા એકદમ સ્પષ્ટ હતી સમાનતા.., સ્વતંત્રતા..., ભાઈચારા અને અધિકાર માટેની હતી. પણ આપણે આ વિચારધારાને એકદમ ગૂંચવી નાખી છે. આપણે આજે સાચા આંબેડકરવાદી બનવાને બદલે એક જાતના કટ્ટરવાદી બની રહ્યા છીએ. બ્રાહ્મણવાદ વિરૂધ્ધની આખી આ લડાઈ આપણે માત્ર અને માત્ર બ્રાહ્મણ વિરૂધ્ધ કટ્ટરતાની બનાવી દીધી છે. આમ કરીને આપણે આપણી ચળવળને ક્યાંક ને ક્યાંક નુકશાન કરી રહ્યાનું પ્રતિત થાય છે.

એમ તો આપણી અંદર પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ વરસોથી ઉછરી રહ્યો છે જ..
(1). આપણી અંદરનો બ્રાહ્મણવાદ એટલે અનુસૂચિત જાતિમાં પ્રવઁતી રહેલ પેટાજાતિઓનું મિથ્યાભિમાન...!!
(2). આપણે આપણી ઓળખ એક વણકર.., રોહીત.., ગરોડા.., સેનમા..., નાડીયા...,સાધુ..., તુરી.., તરગાળા તરીકેની આપતા હોઈએ પણ ખુદને એક એસ.સી. તરીકે ન ઓળખાવતા હોઈએ એ પણ એક પ્રકારનો છુપો બ્રાહ્મણવાદ જ છે.
(3). સમગ્ર એસ.સી. સમાજમાં પણ આપણે વિવિધ પેટાજાતિઓ અને પેટાજાતિઓમાં પણ અમુક તમુક ગોળ,પરગણાં કે સમાજ તરીકે બંધાયેલ રહીએ એ પણ બ્રાહ્મણવાદની ચરમસિમા છે.
(4). આપણે આપણાં વિવિધ સમાજમાં ચાલતી કેટલીક રૂઢીઓ, રીતરિવાજોમાં તસુભાર પણ બદલાવ લાવી શક્યા નથી. આપણે બંધારણમાં ઉલ્લેખ કરાયેલ અનુસૂચિત જાતિ પુરતા જ એક છીએ, બાકી બંધારણની બહાર આપણે અનેક પેટાજાતિઓનાં શંભુમેળાથી વિશેષ કંઈ નથી.
(5). આપણે આપણી તમામ શક્તિઓ અંદરો અંદરના વિખવાદને બહાર લાવી એકબીજાને પછાડવાની પ્રવૃત્તિઓમાં જ વ્યથઁ વેડફી રહ્યા છીએ.
(6). રાજકીય રીતે પણ આપણે માણસે માણસે અલગ મત ધરાવીએ છીએ.
(7). એકલો હું જ બાબા સાહેબને સારી રીતે સમજી શકું બીજાઓ અધકચરુ સમજ્યા એ પણ એક પ્રકારનો મિશ્રિત બ્રાહ્મણવાદ જ છે.
(8). આપણા ધમઁમાં પ્રવતઁમાન વ્યથઁ માન્યતાઓ, વિધીવિધાનો અને ક્રિયાઓ બાબતે જે તે શાસ્ત્રો કે ધમઁને ભાંડવા સિવાય કંઈ કયુઁ નથી. સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતની રચનાત્મક સમજણ આપવામાં આપણે જોઈયે તેટલા સફળ નથી.
(9). આપણે અવારનવાર મિટીંગો યોજીએ છીએ પણ તેમાં આપણો સાચો મેસેજ કહેવામાં પુણઁત: નિષ્ફળ રહીએ છીએ.

આપણે એક બનીશુ પણ પછી શુ કરીશુ તેનુ કોઈ વિઝન નથી. રાજકીય જેને જ્યાં ફાવે ત્યાં જેવો ધાટ છે.

કોઈ પણ માણસ પુણઁ નથી... તેને પુણઁ બનવુ પડે. કોઈપણ માણસ પુણઁ થવા તરફ પ્રયાણ કરે એ જ સાચો માણસ.
મને વિશ્વાસ છે કે મારી આ પોસ્ટ કેટલાક માણસોને ગમશે નહી... એટલે મારી આ પોસ્ટ પરથી મને જે તે રીતે ધારી લેવામાં આવશે, પણ હું કોઈની ધારણા નથી.
જ્યાં સુધી આપણે સમગ્ર અનુસૂચિત સમાજ તરીકે એક નહી બની શકીએ ત્યાં સુધી બ્રાહ્મણવાદી રહીને બ્રાહ્મણવાદનો વિરોધ કરનારા લોકો બનીને જ રહી જઈશું.
#જય_ભીમ
# જિગર શ્યામલન


No comments:

Post a Comment