By Dinesh Makwana || 19 August 2017 at 07:45
મહેસાણા ના એક ગામમાંથી અમદાવાદ વર્ષો પહેલા સ્થળાંતર પામીને આવેલા એક સજ્જન ને શિક્ષણ પુરુ કર્યા બાદ શિક્ષકની નોકરી મળી. બાબાના વિચારો સાથે ૧૯૭૦ થી રંગાયેલા આ શિક્ષકને સંતાનમાં બે પુત્રો છે. શિક્ષકથી આચાર્ય બન્યા. તેમનો ધ્યેય સારામાં સારુ શિક્ષણ મળે અને શ્રેષ્ઠ વ્યવસ્થા સ્કુલ મા મળે તેવો હતો. તેમાં ખરેખર સફળ થયા. માત્ર અને માત્ર બાબાના જ પુસ્તકો વાંચવાનો શોખ. બાબા એ લખેલા અને બાબા વિશે લખાયેલા પુસ્તકો તેમના ઘરમા હોય. થોડા દિવસ પહેલા મારે બારેજડી પાસેના એક ગામમાં મીટીંગ માટે જવાનું થયેલુ ત્યારે તેમના ઘેર જવાનો મોકો મળેલો. દંગ રહી જાઓ તેટલા પુસ્તકો હાલમાં નિવૃત થયેલા આચાર્યને ત્યાં મે જોયા. તેમના બંને પુત્રો બાળપણથી જ આ વાતાવરણમાં મોટા થયા છે. શિક્ષણ સિવાયના બીજા પુસ્તકો જો તેમણે જોયા હોય તો માત્ર અને માત્ર બાબાના છે. આવી જન્મ થી જ જેમના મનમાં બાબાના વિચારો વસ્યા હોય તેવા આ પુત્રોને શુ કહેવુ.
પણ જિંદગી એટલી સરળ નથી હોતી. આ આચાર્યને શરાબ પીવાની આદત. હુ સંઘર્ષ કરીને મારી જાતે ઉભો થયો તો સંતાનોએ પણ તેમની જાતે ઉભુ થવું પડે આ ભાવના રાખીને જીવન જીવેલા. બાળકો સૌથી પહેલા નકલ બાપની જ કરે છે તેમ બાબાના પુસ્તકો વાંચતા વાંચતા બંને પુત્રોએ પણ શરાબનો સહારો લીધો...!! મોટો પુત્ર મારો મિત્ર છે. તેનું અંગ્રેજી લખાણ અને બોલી કોઇ પણ અંગ્રેજને પાછો પાડી દે તેવું છે પણ ડાહ્યો પણ દારૂડિયો. બંને પુત્રોને બાબાના દરેક પ્રસંગ યાદ છે પણ મોટે ભાગે નશામાં જ હોય. બીજો પુત્ર પોલિસ ખાતામા એટલે ડર તો હોય જ નહી.
કેટલીય વાર જુદા જુદા ગ્રુપ પર મારી વાત કરી છે, મારા ગામનું જ ઉદાહરણ આપ્યું છે. કેમ બાબાના વિચારોની સાથે સાથે આપણે આ નશામુક્તિનુ આંદોલન ચલાવતા નથી??? દરેક નાના ગામડામાં દારુ, ગુટકા, જુગારનું વ્યસન વધતું જાય છે. પોતાના મોઢામાં ગુટકા નાંખીને વોટ્સ અપ પર બાબા વિશે મેસેજ લખતો કોઇ પણ યુવાન મારા માટે રોહિતભાઇ ની ભાષામાં ઉપરછલ્લો આંબેડકરવાદી છે. જો બાબાને સાચા અર્થમાં સમજ્યા હોય તો તમે આ વ્યસનોથી દુર રહેવાના અને બીજાને દુર રાખવા માટે પ્રયત્નો કરવાના. પણ હકીકતમા આ થતુ નથી. આપણે કેવી નવી પેઢી તૈયાર કરવી છે? બાબાના વિચારોને આત્મસાત કરી નાંખેલી શરાબી કે વ્યસની પેઢી? કે પછી નિરવ્યસની ? કેમ આ દિશામાં પ્રયત્નો થતા નથી?
આ જમીન પરનું કામ નથી? બાબાની મીટીંગમા ધર્મ કે માતા મહાદેવ નો વિષય સંવેદનશીલ હોવાથી કોઇ તેની ચર્ચા કરતું નથી, પણ હુ વ્યસન કરીશ નહી તેવી બાબાની પ્રતિજ્ઞા વિશે કેમ કોઇ ભાર દઇને કહેતું નથી? આવી છેલ્લી ૨૮ મીટીંગોના આધારે ઉપરની વાત કરી છે. જે લોકો આ કામ કરી રહ્યા છે તેમને વંદન.
બાબા કે અન્ય મહાપુરુષોના વિચાર વોટ્સ પર લખતા પહેલા પોતે નિરવ્યસની બનીને લખો અને બીજાને પ્રેરણા આપો. અંગ્રેજોમાં કહે છે જેમ Charity begins at home તે પ્રમાણે દરેક સારા વિચારોની શરુઆત પણ આપણા ઘેરથી જ થવી જોઇએ નહીતો આપણી હકીકત જાણતા લોકોની વચ્ચે આપણે હાસ્યાસ્પદ થઇએ છે. બધા તો નથી જાણતા પણ જે જાણતા હોય છે તે અંદરથી મજાક જ કરતા હોય છે.
મારા જિગરજાન મિત્રને કેન્સર થયા બાદ ૨૭/૧/૨૦૧૩ થી મે વ્યસન છોડ્યા પછી આ વાત તમને કહી રહ્યો છુ.
વાત મારી મરજી તમારી
દિનેશ મકવાણા
મહેમદાવાદ સવારે ૭.૪૫
૧૯/૮/૨૦૧૭
ડૉ આંબેડકર દ્વારા આપવામા આવેલ ૨૨ પ્રતિજ્ઞાઓ.
No comments:
Post a Comment