July 18, 2017

એઇડ્સ છે તો શું થયું, ભણવું તો પડશે જ

By Raju Solanki




લોરન્સ અને મેરી અમદાવાદમાં એઇડ્સના દર્દીઓને મદદ કરતી સંસ્થા ‘આધાર’ ચલાવતા હતા. લોરન્સ પોતે એઇડ્સનો ભોગ બન્યા હતા. એમની સંસ્થાની કામગીરી વિષે મેં જાણ્યું ત્યારે મને સૌથી પહેલું કૂતુહલ એ વાતનું થયું કે એઇડ્સનો ભોગ બનેલા બાળકો કેવી રીતે ભણતા હશે? સમાજ આ રોગને કલંકિત ગણે છે, શા માટે કલંકિત ગણે છે, સમાજ પોતે કેટલો કલંકિત છે એની જેને રજમાત્ર ખબર નથી એવા માસૂમ બાળકો આવા ભયાનક રોગનો સામનો કઈ રીતે કરતા હશે? ડર અને નિરાશાનો ભોગ બનેલા એમના માતા-પિતા આવા દર્દી બાળકને ભણવા માટે કઈ રીતે પ્રેરી શકતા હશે? આવા જાતજાતના પ્રશ્નો મને થયા હતા અને એટલે આધાર સંસ્થા પાસેથી આવા બાળકોની યાદી અને તેમના વાલીઓ ફોન નંબરો મેળવીને અમે તેમની પૂછપરછ આદરી હતી. એમાં વટવાના સલીમ અંસારી અને તેના નાના વકાર ચાચાનો સૌ પ્રથમ ભેટો થયો હતો.

ત્યારે 2014માં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર કેર, સપોર્ટ એન્ડ ટ્રીટમેન્ટ’ વિભાગમાં સલીમની સારવાર ચાલતી હતી. વકારચાચાએ જણાવેલું કે સલીમને વારસામાં આ જીવલેણ રોગ મળ્યો હતો. સલીમની માતા માંડ સોળ વર્ષની હતી, ત્યારે લોહીની ઉણપને કારણે તેને લોહી ચડાવવામાં આવેલું અને તેમાં તેને એચઆઈવીનો ચેપ લાગી ગયો હતો. લગ્ન પછી તે વારંવાર માંદી પડતી હતી. તપાસ કરતા જણાયું કે તે એચઆઈવી પોઝિટિવ છે. સલીમના પિતા નાનપણમાં જ તેને છોડીને જતા રહ્યા અને ત્રણ વર્ષની ઉંમરે માતાનું પણ મૃત્યુ થયું ત્યારથી વકારચાચા સલીમને ઉછેરી રહ્યા હતા.

સિવિલના એઆરટી સેન્ટરમાં તેઓ સપ્તાહમાં એકવાર દવા લેવા આવતા. વટવાથી સિવિલ શટલ રિક્ષામાં અને બસમાં મુસાફરી થતી. એઆરટી સેન્ટરમાં દર્દી અને તેના સગાને આવવા-જવાનુ ભાડુ મળે, પરંતુ તેમણે ટિકિટો જમા કરાવવી પડે અને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂ. 15 જમા થાય. શટલ રિક્ષાનું ભાડુ રીએમ્બર્સ થાય નહીં.

2014માં સલીમ એક ખાનગી શાળામાં દસમા ધોરણમાં ભણતો હતો. અત્યાર સુધી તો ચાચાએ સીલાઈ કામ કરીને પેટે પાટા બાંધીને સલીમને ભણાવ્યો હતો. પરંતુ આર્થિક ભીંસ વધતી જતી હતી. સલીમ ભણવામાં હોંશિયાર હતો અને તેને આગળ ભણાવવાની પણ ચાચાની તીવ્ર ઇચ્છા હતી. શાળામાં સલીમની ફી માફી થઈ જાય તો બહુ સારું એવી લાગણી ચાચાએ મારી સમક્ષ વ્યક્ત કરી હતી. આરટીઈ એક્ટમાં એઇડ્સ-ગ્રસ્ત બાળકોને 25 ટકા ક્વોટામાં ફી માફી છે, પરંતુ દસમા ધોરણમાં આ લાભ આપવા મેં અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવીને સલીમને ફી માફી આપવા શાળાને આદેશવા અનુરોધ કર્યો હતો. માત્ર પંદર દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર પાઠવીને ફી માફીને આદેશ કર્યો અને સલીમને અગાઉ ભરેલી ફી પણ પાછી આપી દીધી હતી.

સલીમ અંસારી આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળામાં ફી માફી મેળવનારો એચઆઈવી-ગ્રસ્ત પહેલો દર્દી બાળક બન્યો. આરટીઈ એક્ટના અમલ માટેની અમારી ઝુંબેશની પણ અહીંથી શરૂઆત થઈ હતી. ગઈ કાલે વટવા ગયો હતો, બે કલાક રઝળપાટ કરી, પણ સલીમ અને વકારચાચા મને મળ્યા નહીં. કદાચ એમણે ઘર બદલ્યું હશે. સલીમ જ્યાં પણ હોય ત્યાં જિંદગીનો સંઘર્ષ કરતો હશે.
મારી દુઆ સલીમને.
એના જેવા હજારો બાળકોને.

No comments:

Post a Comment