July 06, 2017

સંસદીય લોકતંત્ર વિશે ડો. આંબેડકર ના વિચારો

By Jigar Shyamlan



સંસદીય પધ્ધતિ વિશે ડો. આંબેડકરના વિચાર એકદમ સ્પષ્ટ હતા. તેઓ જણાવે છે કે –
"સંસદીય સંસ્થાઓ એક જમાનામાં ભારતમાં અસ્તિત્વ ધરાવતી હતી એ બાબતે આપણા ગ્રંથોમાં અનેક ઉદાહરણ છે. એનાથી એ વાત સિધ્ધ થાય છે કે સંસદીય પધ્ધતિ આપણા માટે અજાણી નથી. સંસદીય શાસનનો અર્થ જ પારિવારીક શાસનનો વિરોધ છે. કોઇ પણ વ્યક્તિ માત્ર પરંપરાના આધાર પર શાસન કરવાનો દાવો ન કરી શકે. શાસન કરવાની ઇચ્છા રાખતા લોકો સમયાંતરે લોકો દ્વારા ચૂંટાઇ આવે એ જરૂરી છે. એને સ્પષ્ટ રીતે લોકોની સ્વિકૃતિ મળવી જોઇયે. સંસદીય શાસન પધ્ધતિમાં ખાનદાની શાસનને કોઇ સ્થાન નથી."
બીજા લોકોના સામાજિક જીવન પર લાગું પડતા કોઇ પણ કાયદાકે કાર્ય જનતા દ્વારા ચૂંટાયેલ લોકોની સલાહ મુજબ થવા જોઇયે. પોતે જ સર્વજ્ઞ છે, કાયદા બનાવી શકે છે તથા સરકાર ચલાવી શકે છે એવું માની કે ધારી લેવાનો કોઇ પણ વ્યક્તિને હક્ક નથી. કાયદા માત્ર સંસદના માધ્યમથી લોક પ્રતિનિધિઓ દ્વારા જ બની શકે છે. 
સંસદીય પધ્ધતિ મુક્યત્વે બે સ્તંભ પર ટકેલી છે. 
(1). જેમાં એક સ્તંભ છે વિરોધ પક્ષ, 
(2). બીજો સ્તંભ છે સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણી. 
પ્રથમ સ્તંભ વિરોધ પક્ષ અંગે જોઇયે તો છેલ્લા 20-30 વર્ષોથી આપણે એક જ રાજકીય દળના શાસનથી ટેવાઇ ગયા છીએ. સંસદીય લોકતંત્રના સુચારૂ સંચાલનમાં વિપક્ષની જરૂરિયાત અને મહત્વને લગભગ વિસરી ગયા છીએ. આપણને વારંવાર એમ કહેવામાં આવે છે કે વિરોધ એક દુર્ગુણ છે. અહીં આપણે પ્રાચિન ઇતિહાસ દ્વારા આપવામાં આવેલ શિક્ષાઓને જાણી જોઇને ભૂલી રહ્યા છીએ. આપ જાણો છો કે વેદ અને સ્મૃતિઓને વ્યાખ્યાયિત કરનારા નિબંધકાર હતા. શ્લોક અને સુત્રો પર પોતાની ટિપ્પણીઓ કરતા પહેલા તેઓ (પ્રશ્નનો એક પક્ષ) પૂર્વ પક્ષ અને ટિપ્પણીઓ બાદ તેઓ પ્રશ્નના બીજા હેતુ (ઉત્તર પક્ષ)નો ઉલ્લેખ કરતા હતા. આ રીતે તેઓ એક વાત આપણને બતાવવા માંગતા હતા કે ઉઠાવવામાં આવેલ પ્રશ્ન કોઇ સરળ પ્રશ્ન નથી, એ પ્રશ્ન વિવાદીત, અનેક શંકાઓથી અને ભિન્ન ભિન્ન વિચાર ભરેલ છે. તેઓ બન્ને પક્ષની આલોચના કરતા અને અંતમાં પોતાનો સ્વયંનો નિર્ણય અથવા સિધ્ધાંત રજુ કરતા હતા. આ પરથી આપણને એ જાણવા મળે છે કે તમામ પ્રાચિન શિક્ષકો શાસન ચલાવવા માટે બે પક્ષના સિધ્ધાંત પર વિશ્વાસ ધરાવતા હતા. 
સંસદીય લોકતંત્રમાં મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે જો પ્રશ્નની બે બાજુઓ છે, તો લોકોએ બીજી બાજુ વિશે જાણવું જોઇયે. એટલા માટે એક સક્રિય વિપક્ષની જરૂરિયાત જણાય છે. સ્વતંત્ર રાજનીતિક જીવન માટે વિપક્ષ એક ચાવીરૂપ છે જેના વગર લોકતંત્ર ચાલી શકે નહી. બ્રિટન અને કેનેડા જેઓ સંસદીય શાસન પધ્ધતિના પથ દર્શક છે તેઓ વિપક્ષના મહત્વને સ્વિકૃતિ આપે છે અને આ દેશોમાં વિપક્ષ નેતાઓને સરકાર વેતન આપે છે. તેઓ વિપક્ષને પણ આવશ્યક માને છે. આ દેશના લોકોનો વિશ્વાસ છે કે વિપક્ષે એટલા જ સક્રિય હોવું જોઇયે જેટલો સક્રિય સત્તાપક્ષ હોય. 
સરકાર સત્યને છૂપાવી શકે છે, એક પક્ષીય પ્રચાર પણ કરી શકે છે. આ બન્ને દેશોના લોકોએ આ પ્રકારની ઘટનાથી બચવા માટે વ્યવસ્થા બનાવી છે. 
બીજો સ્તંભ સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણીઓ છે જેની પર સંસદીય લોકતંત્ર ઉભો રહે છે. શાંતિપૂર્ણ રીતે કોઇ પણ રક્તપાત વિના એક વર્ગથી બીજા વર્ગ તરફ સત્તાનું હસ્તાંતરણ થવું જરૂરી છે. જુના સમયમાં જ્યારે રાજાનુ મૃત્યું થતુ ત્યારે રાજમહેલમાં ઓછામાં ઓછી એક હત્યા તો અવશ્ય થઇ જતી હતી. નવો રાજા સત્તા પોતાના હાથમાં લે એ પહેલા જ મહેલમાં ક્રાંતિ જેવું વાતાવરણ ઉભુ થતું. જેના પરિણામે કેટલીક હત્યાઓ થતી. આ ભારતનો ઇતિહાસ રહ્યો છે. 
- જિગર શ્યામલન

No comments:

Post a Comment