July 08, 2017

સમાજના સાચા હિરો કાંતી વાળા ની કરુણ કથની અને ઢોંગી સમાજપ્રેમીઓ

By Sunil Jadav




ધન્ય ઘડી... ધન્ય ભાગ્ય...દલિત સમાજનો હિરો... આપણા સમાજનું ઘરેણું એવા કાંતિ વાળા(અમરેલી) અમારે ઘેર પધાર્યા...! હા, એ દસ દિવસની પેરોલ પર છૂટ્યા છે. તેમની કરુણ કથની સાંભળી મને આપણા આખા સમાજ પર અને સૌથી વધુ તો મારી જાત પર ખૂબ ગુસ્સો આવ્યો. સમાજ ઉત્થાનની અને સમાજ જાગૃતિ તથા સમાજ હિતની વાતો કરનારા આપણાં કહેવાતા સામાજિક-રાજકીય આગેવાનો એક માણસને એક વર્ષથી જેલમાંથી જામીન પર છોડાવી નથી શક્યા એ સૌથી મોટા અફસોસ અને શરમની વાત છે. આજે એ બેય માણસ મારા ઘેર પોતાની પીડા અને આપવીતી વર્ણવતા રડી પડ્યા ત્યારે મને મારી જાત પર ખૂબ ઘૃણા થઈ... નફરત થઈ. .! 
મિત્રો, ઉનાકાંડને એક વર્ષ થવા આવ્યું છે. ઉનકાંડ પછી આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન અને દેખાવો થાય. ક્યાંક તોફાનો પણ થાય. આપણાં અનેક યુવાનોએ ઝેરના પારખાં કર્યા...જેમાં યોગેશ સરીખડા(મોટી પડબડી) જેવા આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો. દરેક તાલુકા-જિલ્લા લેવલે રેલીઓ નીકળી...દેખાવો થયા..આવેદનો અપાયા. અમરેલીમાં પણ વિશાળ રેલી નિકળી અને વાતાવરણ ઉગ્ર બનતા તોફાન થયું... લાઠીચાર્જ થયો.. આ તોફાની વાતાવરણ વચ્ચે પંકજ અમરેલીયા નામના પોલીસ કોન્સ્ટેબલનું જીપમાં પડી જવાથી અકસ્માતે અવસાન થયું. આંદોલનને ડામી દેવા પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને ટાર્ગેટ કરી ખોટી રીતે 49 જેટલા લોકો પર 302 ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. જેમાં દલિત સમાજના અનેક બનાવોમાં ન્યાય માટે વારંવાર લડત કરતા અને પોલીસ તથા વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની ચૂકેલા એવા આપણાં હોનહાર યુવા આગેવાન કાંતિ વાળા(સાવરકુંડલા)ને આરોપી નંબર એક અને યુવા એડવોકેટ નવચેતન પરમારને આરોપી નંબર બે બનાવી જેલ ભેગા કરાયા. અન્ય પાંચ-છ લોકોની પણ ધરપકડ કરવામાં આવી. બાકીનાની ધરપકડ તોળાય છે. પોલીસના આવા પક્ષપાતી વલણ સામે દલિત સમાજે જબરદસ્ત ફાઇટ આપી. ઉપવાસ-ધરણાં-આવેદન-સંમેલન થયા.. પણ કોઈ પરિણામ ન આવ્યું. લાંબી કાયદાકીય પ્રક્રિયા ચાલી અને બે મહિલાઓ સહિત એક પછી એક આંદોલનકારી જમીન પર છૂટ્યા. પણ કાંતિ વાળા ન છુટ્યા. કેટલાંક આગેવાનો અને સામાજિક કાર્યકરોએ પ્રયત્નો કર્યા પણ નિસ્ફળ રહ્યા. જેલ વાસ દરમ્યાન કાંતિ વાળાના પરિવારની... બાળકોના અભ્યાસની વગેરે જવાબદારી સમાજે ભોગવવી જોઈતી હતી... પણ મોટી મોટી વાતો કરવામાં..અને FB તથા વ્હોટ્સઅપ પર શુફિયાણી વાતો કરી... ફક્ત સમાજપ્રેમી હોવાનો ઢોંગ કરનાર... દેખાવ કરનાર... આરંભે શુરા એવા આપણે સૌ અંતે તો માયકાંગલા સાબિત થયા. કાંતી વાળાને છોડાવવાની ગુલબંગો પોકારનારા મોટાભાગના આગેવાનો શોમેન સાબિત થયા અથવા તો ખસી ગયા. સૌથી દુઃખદ બાબત તો એ કે તેમને જેલમાંથી છોડાવવા સંદર્ભે પણ રાજકારણ ખેલવા લાગ્યું. આજે પરિસ્થિતિ એવી છે કે કાંતિ ભાઈ એક વર્ષથી જેલમાં છે જેથી એમના પત્ની અને બે નાની દીકરીઓના ભરણ-પોષણ અને ભણતરના ખર્ચના પણ સાંસા થઈ પડ્યા છે. કાંતિભાઈ પોતાનું મકાન વેચવા તૈયાર થયા છે. આ વાતની ઉનાના મિત્રોને ખબર પડી તો તે લોકોએ બનતી મદદ કરી... એ મિત્રોએ મને આ વાતની જાણ કરી. મેં મારાથી બનતા પ્રયત્નો કરવાની અને આર્થિક મદદની ખત્રી આપી. જેથી પોતાના મેડિકલ શર્ટિફિકેટના કામે આજે રાજકોટ આવેલા કાંતિભાઈ અને તેમના પત્નીને અમે સીધા અમારે ઘેર બોલાવ્યા. અમે સૌ સાથે જમ્યા અને 'તથાગત ફાઉન્ડેશન' વતી તેમની બન્ને દીકરીઓને અભ્યાસના ખર્ચ પેટે રૂપિયા 25,000 /- ની મદદ કરી. ઉપરાંત અમારાથી બનતા બધા જ પ્રામાણિક પ્રયત્નો કરી હાઇકોર્ટ દ્વારા તેમને જામીન મળે એ માટે પણ અમારાથી બનતી મદદ કરવાની ખાતરી આપી. જે મિત્રોએ તેમને અત્યાર સુધી મદદ કરી છે તે સૌનો ઋણ સ્વીકાર સાથે ખૂબ ખૂબ આભાર. ભાઈ કાંતિ વાળા વહેલી તકે જામીન પર છૂટી જેલમાંથી બહાર આવે...પોતાની વ્હાલસોઈ નાની દીકરીઓ સાથે પ્રેમમય જીવન જીવતા થાય.. અને એના માટે સમાજમાં જાગૃતિ આવે એવી અપેક્ષા સાથે...સૌને જય ભીમ.
(Created by Vishal Sonara) 

No comments:

Post a Comment