July 11, 2018

સ્મશાનના કફનો એના ઘરના માળીયાના પડદા બનીને ઝૂલે છે

By Raju Solanki  || Written on 2 July 2018


રમાબાઈ ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ જોતિરાવ ફૂલે પુસ્તકાલય તેમ જ દેહદાતા ગંગાબહેન મુળજીભાઈ સોલંકી વાચનાલયની ગઈ કાલે અમે મુલાકાત લીધી. ઓઢવ જેવા વિસ્તારમાં જીર્ણશીર્ણ મકાનમાં આટલા બધા પુસ્તકો જોઇને આંખોને ટાઢક વળી. 51 વર્ષના લંકેશ ચક્રવર્તીએ આ કામ કર્યું છે. દલિત સમાજમાં બહુ મોટી તોપો છે. કરોડોના બંગલાઓમાં મજેથી રહેતા અધિકારીઓનું લિસ્ટ તો હવે ખાસુ લાંબુ છે. કોઇને લંકેશની જેમ આવું પુસ્તકાલય શરૂ કરવાની સૂઝ પડી નથી.
અમે ગયા ત્યારે નરોડા રોડથી ડો. રાજેશ પરીખ અને મિત્રો લાઇબ્રેરી પર આવ્યા હતા. નરોડા રોડ પર આવી જ એક લાઇબ્રેરી શરૂ કરવા માટે પુસ્તકો લેવા તેઓ અહીં ઓઢવ આવ્યા હતા. વસ્ત્રાલમાં પણ એક બીજું ગ્રુપ પુસ્તકાલય શરૂ કરી રહ્યું છે એની તેમણે વાત કરી. લંકેશે શરૂ કરેલું કામ હવે એક અભિયાન બની રહ્યું છે. આવતી કાલે અમદાવાદમાં સહેજેય ચાર લાખની આબાદી ધરાવતા અને રાજપુર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ, અસારવા, ચમનપુરા, ગિરધરનગર, મેઘાણીનગર, નરોડા રોડ, રાણીપ, ચાંદખેડા, બહેરામપુરા, દાણીલીમડા જેવા પરા વિસ્તારોમાં પથરાયેલા વિશાળ દલિત સમુદાયમાં પુસ્તકાલયોની પ્રવૃત્તિ શરૂ થશે તો તેનું શ્રેય તમારે લંકેશ ચક્રવર્તીને આપવું પડશે.
તમે પુસ્તકના પ્રેમી હો તો લંકેશના પુસ્તકાલયમાં તમારો આખો દિવસ ક્યાં જાય તેની તમને ખબર ના પડે એટલું વૈવિધ્ય એના કલેક્સનમાં છે. દિવ્ય કુરાન, હોલી બાઇબલ અને રામાયણ છે, તો ભારતીય દંડ સંહિતા અને સંવિધાન પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદને સેંકડો લેખકો-કવિઓ તેમના પુસ્તકોની ચાર ચાર નકલો વિવેચનાર્થે કે સંગ્રહ માટે મોકલે છે. પરીષદે એમાંના ઘણા પુસ્તકો લંકેશને આપ્યા છે. અને હજુ ટ્રક ભરાય તેટલા પુસ્તકો લઈ જવાનું કહેણ છે, લંકેશ પાસે જગ્યા નથી. આ પુસ્તકોનું ઇન્ડેક્સિંગ, ક્લાસિફિકેશન કરીને ધર્મ, કાયદો, નવલ, આત્મકથા જેવા વિભાગોમાં વહેંચવાનું ગંજાવર કામ હજુ બાકી છે.
પુસ્તકો વચ્ચે રહેતા એક ડો. ગણપત વણકર આપણે જોયા હતા. એક બીજો માણસ આ લંકેશ ચક્રવર્તી છે. એ કોઈ બડો વિદ્વાન નથી, પરંતુ આજન્મ એક્વિસ્ટ છે. એ એક અદભૂત ફોટોગ્રાફર છે. અમારા એક્યાશી-પંચ્યાસીના આંદોલનોની ગાંઠના પૈસે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, દસ્તાવેજીકરણ કરનારો એકમાત્ર બંદો આ લંકેશ ચક્રવર્તી છે. ફોટોગ્રાફી એનો શોખ છે, મિજાજ છે. ફોટોગ્રાફી એની એસેટ છે, એનું દેવું છે, કહો કે ફોટોગ્રાફી એની જિંદગીનું કાચુ-પાકુ સરવૈયુ છે. દલિત આંદોલન આવા પાગલ, બિન્ધાસ્ત અને દેવાળીયા લંકેશ જેવા લોકોનું ઋણી છે, જેણે જિંદગીમાં નફા-તોટાનો હિસાબ નથી કર્યો. સમાજને દીધું જ છે, કશું જ મેળવવાની અપેક્ષા વગર.
લંકેશ કોઈ અડ્ડાનો માણસ નથી. એકલો, બેફિકરો, સૂફી જેવો સીધો સાદો શખ્સ છે. સ્મશાનના કફનો એના ઘરના માળીયાના પડદા બનીને ઝૂલે છે. એણે શૌચાલયને માથે મંદિરના ગુંબજ મુકાવ્યા છે. દેવાલયથી શૌચાલયનું સૂત્ર એણે સાર્થક કર્યું છે. રેશનાલિઝમ એના લોહીના એક એક રક્તકણમાં છે, પણ એનું રેશનાલિઝમ ફેસબૂક કે વોટ્સપની ગ્લેમરમાં ગૂંચવાયું નથી. એ વિવાદોથી હજારો પ્રકાશવર્ષ દૂર છે, પરંતુ જાનનું જોખમ ખેડીને રૂપાલની પલ્લીમાં વેડફાતા કરોડો રૂપિયાના ઘીની વિડીયોગ્રાફી કરતા એનું રૂંવાડુ થરથરતું નથી.
ક્યારેક ભૂલથી પણ તમે લંકેશની લાઇબ્રેરીની મુલાકાત લઈ જોજો. મંદિરોમાં પૈસા નાંખવાના બદલે લોકોએ અહીં રૂપિયાનો વરસાદ વરસાવવાની જરૂર છે. ગયા વર્ષે મેઘરાજાએ મહેર કરી એવી કે લાઇબ્રેરીના પહેલા માળે પાણી ભરાઈ ગયું. આખી રાત લંકેશે ડોલથી પાણી ઉલેચ્યાં કરેલું. મકાનના ધાબા પર લોખંડની પાઇપો નાંખીને તેના પર પાથરેલા મીણીયાથી તીરાડોવાળી પેરાફિટ માંડ માંડ ઢાંકીને પાણી આવતું અટકાવ્યું હતું. (જુઓ તસવીર). લંકેશને તેની લાઇબ્રેરીના રીનોવેશન માટે આપણા સૌની મદદની તાતી જરૂર છે.
લંકેશની લાઇબ્રેરીને ટકાવવાની જ નહીં એને શાનદાર, દમદાર બનાવવાની આપણા સૌની પવિત્ર ફરજ છે. દલિતોની એક એક ચાલીમાં એક પુસ્તકાલય હોવું જોઇએ. જેમ જેમ પુસ્તકાલયોની સંખ્યા વધશે, તેમ તેમ દારુના અડ્ડા એની મેળે નિરર્થક થઈ જશે. વિશ્વાસ રાખો. પુસ્તકના વ્યસનથી વડેરું કોઈ વ્યસન નથી દુનિયામાં.





Facebook Post  : -

Justice delayed is justice denied

By Raju Solanki  || Written on 4 July 2018


Today Vishnagar Sessions’ Court will hear bail application of three teachers who are accused in Dalit suicide case in Vadnagar, the native place of Prime Minister Narendra Modi. More than four and half months have passed since the death of Mahesh Chauhan, a mead day meal manager, the charge sheet has not been submitted in the court. This is how justice is delivered in Gujarat.
Yesterday, Ramesh, brother of the deceased told me on the telephone that he, too, wants to commit suicide and will write a letter to Gujarat government. I requested him not to take such a harsh step. Tomorrow he is coming to my home. Widow of deceased has been given a job in the same school, where her husband was harassed by the accused.

માઇનોરિટી દરજ્જો અને માઇનોરિટી ટ્રસ્ટનો ફરક શું છે?

By Raju Solanki  || Written on 25 June 2018


અમદાવાદના અસારવા વિસ્તારમાં બાબુ જગજીવનરામ બ્રિજના એક છેડે ઇદગા સર્કલ છે. બીજા છેડે જ્યુબીલી બ્લોક્સ (અગાઉની પારસીની ચાલી) છે. તેની બરોબર સામે બ્રિજની નીચે પ્રેરક વિદ્યાલય નામની ખાનગી, નોન-ગ્રાન્ટેડ શાળા છે. શાળાના સંચાલક આરટીઈ હેઠળ એક બાળકને પ્રવેશ આપતા નહોતા એવી વાલીએ ફરિયાદ કરતાં એડવોકેટ મિત્રો નરેન્દ્ર સોલંકી અને પ્રતીક સોલંકી સાથે મેં શાળાની મુલાકાત લીધી. સ્કુલનું નામ પહેલીવાર સાંભળ્યું. શિક્ષણના ખાનગીકરણના જોરદાર પવનમાં કેવા કેવા ખૂણા ખાંચરામાં વેપારી વૃત્તિના લોકોએ ખાનગી શાળાઓ ઉભી કરી દીધી છે.
સ્કુલના માલિક પંજાબી હિન્દુ છે. વાલી પર ચીડાયેલા. મોટે મોટેથી બોલતા જાય, “તમને કહ્યું તો ખરું કે તમે વિદ્યાર્થીના પિતાનું પાન કાર્ડ, પગારની સ્લિપ લેતા આવો. પ્રવેશ આપી દઇશ. એના બદલે તમે તો ધારાસભ્ય પ્રમોદ પરમારને ફોન કર્યો. ઓલાને ફોન કર્યો અને પોલાને ફોન કર્યો.” સ્કુલના માલિક એટલે ઘાંટા પાડવાનો તો મને જ હક્ક છે, એવી મગરૂબી એમના ચહેરા પર ડોકાતી હતી. નેવુ કિલો વજન. લગભગ સાઇઠ ઇંચની કમર. આ માણસ શાળાના સંચાલક કરતા વધારે તો ચણા-મમરા વેચતા ભાડભૂંજિયા જેવો લાગતો હતો.
મેં એમને શાંતિથી સમજાવ્યા. કાયદાની જોગવાઈઓની વાત કરી એટલે એમણે કહ્યું, “મારી સ્કુલ માઇનોરિટી સ્કુલ છે, તોય મેં માનવતાને ખાતર આરટીઈમાં એડમિશન આપ્યા છે.” મેં એમને માઇનોરિટી ટ્રસ્ટ અને માઇનોટરિટી દરજ્જા વચ્ચેનો ફરક સમજાવ્યો. કોઈ શાળાના ટ્રસ્ટમાં ચોક્કસ માઇનોરિટીના લોકો હોય એટલે તે માઇનોરિટી થઈ જતી નથી. એ સ્કુલે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં લઘુમતી દરજ્જા માટે અરજી કરવી પડે છે. અને યોગ્ય ચકાસણી પછી સરકાર એ સ્કુલને માઇનોરિટીનું સ્ટેટસ ગ્રાન્ટ કરતો ખાસ પરિપત્ર બહાર પાડે છે. આ પરિપત્ર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને પહોંચતો હોય છે. એટલે જિલ્લામાં કેટલી શાળાઓ લઘુમતી દરજ્જો ધરાવે છે એની ડીઈઓને જાણ હોય જ. અને એવી શાળાને આરટીઈના ક્વૉટામાંથી બાકાત રાખી છે એટલે ડીઈઓ ત્યાં બાળકો મોકલે જ નહીં. મોકલે તો એની ફરજ ચૂક્યો છે એમ જ કહેવાય.
મારી વાત સાંભળીને એમની બોબડી બંધ થઈ ગઈ.

બીજા દિવસે વાલીનો ફોન આવ્યો કે બાળકને શાળામાં પ્રવેશ આપી દીધો છે.

તમે મારા દીકરા માટે એક મૌલવી જેવું કામ કર્યું છે

By Raju Solanki  || Written on 24 June 2018


બે વર્ષ પહેલાં રચના સ્કુલે કાઢી મુકેલા 11 બાળકોમાં એક બાળક અસ્લમ અંસારીનું પણ હતું. સ્કુલનો રૂ. 4,60,000 દંડ થયો અને સ્કુલ હાઇકોર્ટમાં દંડ માફ કરાવવા દોડી ત્યારે વાલીઓ પણ પક્ષકાર બન્યા, એ કેસમાં છ મહિના સુધી દર મુદતમાં નિયમિતપણે અસ્લમ અંસારી કોઇપણ બહાનું કાઢ્યા વિના હાજર રહેતા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવાના વતની. અમદાવાદમાં એમના પિતા સ્થાયી થયા હતા. જાતે જુલાહા એટલે વણકરી તો એમની રગ રગમાં. રેડીમેડ ગારમેન્ટનું એકમ ઉભું કરેલું અને એમના પાંચ ભાઈઓ એમાં જ જોતરાયેલા. જે દિવસે હાઇકોર્ટના આદેશથી એમના દીકરાને આરટીઈમાં ફરી પ્રવેશ મળ્યો, એના બીજા દિવસે એમના હાથે બનાવેલા રેડીમેડ પેન્ટ-શર્ટની જોડી બોક્સમાં પેક કરીને મારા ઘરે આવેલા.
મેં કહ્યું, “આવું કંઈ આપવાની તમારે જરૂર નથી.”
એમણે કહ્યું, “અમે લોકો અમારા મૌલવીને કોઈ વસ્તુની ભેટ આપીએ છીએ. એને ‘અતીયા’ કહીએ છીએ. તમે મારા દીકરા માટે એક મૌલવી જેવું કામ કર્યું છે.”

અસ્લમ અંસારીના શબ્દો સાંભળીને મને કેવી લાગણી થઈ? હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. એટલું કહીશ કે એ રાત્રે મને સરસ ઉંઘ આવેલી.
(આજે જમાતે ઇસ્લામીના ‘ઇદ મિલન’ના કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાંથી)


Facebook Post :

રચના સ્કુલે ફગાવી દીધેલા બાળકોને આરટીઈમાં પ્રવેશ ફાળવાયો

By Raju Solanki  || Written on 18 June 2018




બે વર્ષ પહેલાં આરટીઈના 25 ટકા ક્વૉટાનું ધરાર ઉલ્લંઘન કરીને 11 બાળકોને શાળામાંથી હાંકી કાઢનારી સીબીએસઈની રચના સ્કુલની તાનાશાહી સામે આપણે કપરી લડત આપી હતી, સ્કુલનો રૂ. 4,60,000 દંડ કરાવેલો અને અદાલતમાં પણ તેને શિકસ્ત આપેલી. આ વર્ષે અમદાવાદના ડીઈઓએ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદી મોકલી તો એને પણ ઉદ્યોગપતિ લાલભાઈ જૂથની શાળાના મનસ્વી સંચાલકોએ ફગાવી દીધેલી. આ બાળકોના વાલીઓ રચના સ્કુલના વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલા. તેઓ મારા સંપર્કમાં હતા. મેં એમને કહેલું કે રચનાની નાણાકીય-રાજકીય તાકાત એવી છે કે સરકાર પણ એની આગળ પૂંછડી પટપટાવે છે. આપણે લડત આપવી પડશે.

ગત તેરમીએ ડીઈઓને સામૂહિક આવેદનપત્ર આપવા ગયા તેમાં રચનાના વાલીઓ પણ હતા. આજે વાલીઓએ ફોન પર જણાવ્યું કે તેમને પણ અન્ય શાળાઓ ફાળવવામાં આવી છે. અગાઉ આપણી લડતને કારણે કેન્દ્રીય વિદ્યાલયોમાં રીજેક્ટ થયેલા બાળકોને પણ શાળાઓ ફાળવાઈ ગઈ છે. ઉસ્માનપુરાની વિદ્યાનગર શાળામાં પ્રવેશ મેળવનારા બાળકના વાલીએ મને ફોન કરીને મારો આભાર માન્યો. મેં કહ્યું, મારો આભાર માનશો નહીં, આવી બીજી લડતમાં સાથે આવજો.