July 31, 2018

સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 5 May 2018


રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.

આપણે રાજનીતિક ક્રાન્તિ કરીને હુકમરાન બનવાના દિવાસ્વપ્નો જોઈયે છીએ. બહુજન અને બહુ સંખ્યક સમાજને રાજનીતિક ક્રાન્તિ કરીને સત્તાધારી બનવું છે.
દરેકને ક્રાન્તિ કરવી છે, પણ આ ક્રાન્તિ ક્યારે, કઈ રીતે, કોના દ્વારા અને ક્યા સાધન વડે લાવી શકાશે તે બાબતે સ્પષ્ટ નથી. આપણાં ક્રાન્તિના ખ્યાલો સ્પષ્ટ નથી. લોક આંદોલન અને ક્રાન્તિ એ બન્ને વચ્ચે ભેદ છે. આંદોલન ક્ષણિક આવેગનુ પરિણામ છે જ્યારે ક્રાન્તિ લાંબાગાળાના ચિંતન અને રણનિતીનુ પરિણામ. 
કોઈપણ જડ વ્યવસ્થાને ધરમૂળથી સદાને માટે બદલવા માટેની ધીમી પણ મક્કમ કવાયત એટલે જ ક્રાન્તિ. ક્રાન્તિનો જન્મ મસ્તિષ્ક થાય છે અને અંત હ્યદયથી, પણ આપણે આંદોલનને ક્રાન્તિમાં ગણાવી નાખવા ઉત્સુક છીએ.
રાજનીતિક ક્રાન્તિ એ પ્રભાવશાળી શબ્દ છે. જે દેખીતી રીતે જ વર્ચસ્વ અને પાવર તેમજ શક્તિ સાથે સંકળાયેલો છે. 
એક વાત સ્પષ્ટ છે કે રાજનીતિક ક્રાન્તિ એ માત્ર એક રિઝલ્ટ છે જે સામાજીક અને ધાર્મિક ક્રાન્તિની પરિક્ષા આપ્યા સિવાય પ્રાપ્ત થવાનું નથી. રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
આ વાત સાથે કેટલાક સંમત હશે અને કેટલાક સંમત નહી હોય. જે સંમત ન હોય તેઓને બાબા સાહેબને વાંચવાની ભલામણ કર્યા વિના અન્ય ઉપાય નથી.


હવે પછીના તમામ વિચાર બાબા સાહેબના છે. 
"સામાન્ય રીતે ઈતિહાસ એ પ્રસ્તાવને સમર્થન આપે છે કે રાજનીતિક ક્રાન્તિઓ હંમેશા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરવામાં આવેલ ધાર્મિક સુધાર યુરોપના લોકોની રાજનીતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. ઈગ્લેન્ડમાં પ્યૂરિટનવાદને કારણે રાજનીતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે જ નવા વિશ્વની સ્થાપના કરી. પ્યૂરિટનવાદે જ અમેરીકી સ્વાતંત્રતા સંગ્રામ જીત્યો હતો. પ્યૂરિટનવાદ એક ધાર્મિક આંદોલન હતું.
આ જ વાત મુસ્લિમ સામ્રાજ્યોના સબંધમાં પણ સાચી છે. આરબ રાજનીતિજ્ઞો સત્તા બન્યા એ પહેલા મોહમ્મદ પયગંબર સાહેબ દ્વારા આરંભાયેલ સંપૂર્ણ ધાર્મિક ક્રાન્તિમાંથી પસાર થયા હતા.
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે. ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનીતિક ક્રાન્તિની પહેલા ભગવાન બુધ્ધની ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. શિવાજીના નેતૃત્વમાં રાજનીતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક સુધારા બાદ જ થઈ હતી.
શીખોની રાજનીતિક ક્રાન્તિની પહેલા ગુરૂ નાનક દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી.
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરૂરી છે. આ દ્રષ્ટાંતોથી એક વાત પ્રગટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનીતિક વિસ્તાર માટેની પ્રથમ જરૂરીયાત છે."
(बाबा साहब आंबेडकर संपूर्ण वाग्ड्मय खंड -1, पेज नं- 61 & 62)
બસ.. હવે હુકમરાન સમાજ બનવા કે બનાવવાની ખેવના રાખનારા લોકોએ પોતાના ઘરોની દિવાલો પર જઈને એક વાત સ્પષ્ટ રીતે દેખાય તેમ લખી નાખવી જોઈયે કે રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
- જિગર શ્યામલન

No comments:

Post a Comment