By Jigar Shyamlan || 11 March 2018 at 11:39am
ઈતિહાસ તો આ બન્ને સવાલનો જવાબ સદા ગાંધીજી પાસેથી માંગતો રહેશે. પરંતુ હું પણ એક અસ્પૃશ્યની હૈસીયતથી આ બે સવાલ ગાંધીજીને અવશ્ય પૂછવા માંગીશ.
પ્રથમ ગોળમેજી પરીષદમાં બાબા સાહેબ સમગ્ર ભારતના અસ્પૃશ્યોનો અવાજ બનીને તેઓની સમસ્યાઓ રજૂ કરવામાં સફળ રહ્યા હતા. આ કારણથી અસ્પૃશ્યોની સમસ્યાઓના નિવારણ માટે યોજાનારી બીજી ગોળમેજી પરીષદ અત્યંત મહત્વની બનવાની હતી.
બીજી પરીષદમાં ગાંધીજીએ કોન્ગ્રેસના પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. અસ્પૃશ્યોના પ્રતિનિધી તરીકે બાબા સાહેબ હતા. એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે કુલ ત્રણ ગોળમેજી પરીષદો યોજાઈ હતી અને આ ત્રણેય પરીષદોમાં બાબા સાહેબે ભાગ લીધેલો.
હવે આ બીજી ગોળમેજી પરીષદમાં
(1). ફેડરલ સ્ટ્રક્ચર અને
(2). માઈનોરીટીઝ કમિટી આ બન્ને કમિટીઓનું કામ અતિ મહત્વપૂર્ણ રહેનારૂ હતું.
અહીં બીજી ગોળમેજી પરીષદમાં એક વાત ભારે આધાતજનક એ હતી કે ગાંધીજી જેને જે જોઈયે તે આપવા રાજી હતા પરંતુ અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર આપવાની વાતનો ભારે વિરોધ કરી રહ્યા હતા.
આ અલગ મતાધિકાર એટલે અસ્પૃશ્યો પોતાના બે વોટનો ઉપયોગ કરી શકે. જે પૈકી એક વોટથી એ પોતાનામાંથી જ કોઈ યોગ્ય અસ્પૃશ્ય વ્યક્તિને ચૂંટી શકે, જ્યારે બીજા વોટથી અન્ય સામાન્ય ઉમેદવારને ચૂંટી શકે. ટુંક માં અલગ મતાધિકારને કારણે અસ્પૃશ્ય સમાજના લોકો પોતાનો ઉમેદવાર જાતે જ પસંદ કરી તેને ચૂંટીને સંસદમાં મોકલી શકે તેમ હતા.
આ પરીષદમાં અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર ન આપવામાં આવે એના માટે ગાંધીજીએ કેટલાક કાવાદાવા પણ કર્યા હતા.
જેમાં ગાંધીજીએ મુસલમાનોની તમામ ચૌદ સુત્રીય માંગણીઓ કોઈ પણ જાતના વિરોધ વગર સ્વિકારી હતી. બદલામાં મુસ્લિમ પ્રતિનિધીઓ અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો જબરજસ્ત વિરોધ કરે એવી બાજી ગોઠવી રાખી હતી.
ગાંધીજીના આ વલણથી બાબા સાહેબને ભારે આધાત લાગ્યો હતો. આ મામલો ઉકેલવા માટે અને ગાંધીજીને સમજાવવા માટે બાબા સાહેબે લંડનમાં ગાંધીજી સાથે ત્રણ ત્રણ વખત મિટીંગો કરી જોઈ હતી. કલાકોના કલાકો ચર્ચાઓ ચાલી હતી. પરંતુ ગાંધીજી ન તો કોઈ વાત સમજવા તૈયાર હતા, ન તો પોતાની હઠ છોડવા.
અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર ન મળે તે દિશામાં ગાંધીજીએ પોતાનો વિરોધ ચાલુ જ રાખેલો.
પરીષદમાં આ મૂદ્દે ઘમાસાણ યુધ્ધ જેવો માહોલ પેદા થઈ ગયો હતો. અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે માટે ગાંધીજી નવા નવા દાવપેચ કરી રહ્યા હતા.
ગાંધીજીના આ વિરોધની પરાકાષ્ટા એ હતી કે ગાંધીજી મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુર્આનને સાથે રાખી મુસ્લિમ નેતા અને ધર્મગુરૂ આગાખાનની શરણમાં પણ ગયેલા. ગાંધીજી આગાખાન પાસે જઈ આજીજી કરી અપિલ કરવા લાગેલા કે તેઓ પણ અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો વિરોધ કરવામાં સાથ આપે.
પરંતુ આગાખાને ગાંધીજીની આ માંગણીનો અસ્વિકાર કરીને સાફ શબ્દોમાં કહી દીધેલુ કે એવુ ન થઈ શકે.
એક તરફ એકલા બાબા સાહેબ, બીજી તરફ ગાંધીજી એમની કોન્ગ્રેસ અને અસ્પૃશ્યો વિરોધી જાતિવાદી સમાચારપત્રો.
આખરે કોઈપણ જાતનો નિર્ણય કર્યા વગર એક અનિર્ણાયક અવસ્થામાં ગોળમેજી પરીષદ પૂરી જાહેર કરવામાં આવી.
પરંતુ બાબા સાહેબ એમ હાર માને એમ ન હતા. એ ફરીથી લંડન પહોંચી ગયા. બ્રિટીશ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળને મળ્યા. પોતાની શક્ય એટલી તમામ તાકાત લગાવીને અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર આપવામાં આવે તે માટે દલીલો કરી હતી.
આ પછી 20 એપ્રિલ 1932 ના દિવસે એક જબરજસ્ત ધડાકો થયો. આ ધડાકો એવો હતો જેની ગૂંજ સાંભળી ગાંધીજીની હાલત કાપો તોય લોહી ન નીકળે થઈ ગઈ હતી.
બ્રિટીશ પ્રધાનમંત્રીએ કોમ્યૂનલ એવોર્ડની ઘોષણા કરી દીધી. જે કોમી ચૂકાદાના નામથી પણ ઓળખાય છે. જેમાં અસ્પૃશ્યોને અલગ મતાધિકાર આપવાની માંગણીનો સ્વિકાર કરવામાં આવ્યો હતો, જેનો ગાંધીજીએ ભરપૂર વિરોધ કર્યો હતો.
અસ્પૃશ્યોને માંગણી મુજબ અલગ મતાધિકાર મળી ગયો હતો. જેને રોકવા ગાંધીજીએ કરેલા તમામ પ્રયાસો અને દાવ પેચ ભૂંડી રીતે નિષ્ફળ ગયા હતા
આ હાર ગાંધીજી માટે જીરવવી સહેલી ન હતી. આખરે ગાંધીજીએ પોતાનો નવો દાવ અમલી બનાવ્યો.
અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારના વિરોધમાં પૂના જેલમાં બેઠા બેઠા ગાંધીજીએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. પોતાને અહિંસાના સમર્થક અને મહાત્મા ઓળખાવતા ગાંધીજીએ અલગ મતાધિકારના વિરોધ કરતા આમરણ ઉપવાસ શરૂ કરીને ભયંકર માનસિક હિંસા કરવી શરૂ કરી દીધી.
અસ્પૃશ્યોના ઉધ્ધારની વાતો કરનારા મહાત્મા ગાંધીને બાબા સાહેબની અથાગ મહેનત, સંઘર્ષના ફળસ્વરૂપે અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો વિરોધ કેમ કરવો પડ્યો..???
ગાંધીજીનો વિરોધ હોવા છતા અસ્પૃશ્યોને અલગ મતાધિકાર મળ્યો હતો, તો આ મળેલ અધિકારોની વિરોધમાં ગાંધીજીને આમરણ ઉપવાસ ઉપર કેમ ઉતરવુ પડ્યું..???
ઈતિહાસ તો આ બન્ને સવાલનો જવાબ સદા ગાંધીજી પાસેથી માંગતો રહેશે. પરંતુ હું પણ એક અસ્પૃશ્યની હૈસીયતથી આ બે સવાલ ગાંધીજીને અવશ્ય પૂછવા માંગીશ.
No comments:
Post a Comment