By Jigar Shyamlan || 10 March 2018 at 12:04pm
બાબા સાહેબે લગભગ 1935 સુધી તો હિન્દુ રહીને જ હિન્દુ ધર્મમાં સુધારા કરવા તેમજ ધર્મ દ્વારા શોષિત બનાવાયેલ સમાજના ઉત્થાન માટે અથાગ પ્રયાસ કર્યા હતા.
જાતિવાદનો નાશ એ પુસ્તકમાં ભારતની સામાજિક, આર્થિક, રાજકીય, ભૌગૌલિક તમામ આયામો પર અત્યંત ઝીણવટપૂર્વકના અભ્યાસ અને સંશોધન બાદ તેમણે જાતિવાદના સંપૂર્ણ નાશ માટે ધર્મ અને શાસ્ત્રોના ધ્વસ્તનો ઉપાય રજૂ કર્યો હતો.
બાબા સાહેબના આ દિશામાં પ્રયાસો લગભગ 1935 સુધી તો ચાલ્યા જ હતા. પણ આટલા બધા પ્રયાસો છતાં હિન્દુ સભા કે હિન્દુ સમાજ તરફથી આ બાબતે કોઈ પણ જાતનુ હકારાત્મક વાતાવરણ પેદા થયુ ન હતુ.
આખરે બાબા સાહેબ હિન્દુ સભાની આ ચાલ ઓળખી ગયેલા અને ત્યાર પછી એમણે ધર્માતરની વાત પર ભાર મૂકેલ.
13 ઓક્ટોબર 1935 માં યેવોલામાં ભરાયેલ પછાત સંમેલનમાં ડો. આંબેડકરે હિન્દુ ધર્મ ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે-
“મારો જન્મ અશ્પૃશ્ય હિન્દુ પરિવારમાં થયો જેની પર મારો અધિકાર ન હતો પરંતું હું સોગંદ ખાઇને પ્રતિજ્ઞા કરૂં છું કે હું એક હિન્દુ તરીકે ક્યારેય નહી મરૂં.''
આજે આપણામાંના કેટલાય લોકો એવા છે જેઓ પોતાની જાતને બાબા સાહેબ કરતા પણ વધુ હોંશિયાર અને સ્કોલર માનવા લાગ્યા છે. એ લોકોને બાબા સાહેબનુ નામ લેવુ પસંદ છે. બાબા સાહેબની વાતો કરવી પસંદ છે પણ માત્ર લોકોની ભીડ ભેગી કરવા સુધી જ.
કારણ સમાજ બહુ ભોળો છે. જય ભીમ.. જય ભીમ કરીને બાબા સાહેબનુ નામ દઈ વાત કરનારાઓમાં સમાજને પોતાનો ઉધ્ધારક દેખાય છે. એટલે સમાજ આલીયા માલીયા ગમે તેવાની વાતોમાં આવી જઈ એને સમાજનો નેતા કે મસિહા કે ઉધ્ધારક બનાવી દે છે.
કેટલાક તો સમાજને બદલવાની કે સુધારવાની વાતો કરે છે, પરંતુ બાબા સાહેબે બતાવેલ રસ્તા ઉપર ચાલ્યા વગર.
એસ.સી. સમાજ પણ અનેક પેટાજાતિઓમાં વહેંચાયેલ છે. કેટલાક લોકો એસ.સી. સમાજના કુરિવાજો દૂર કરવાની વાત કરે છે. કેટલાક અરસપરસ લગ્ન કરવાની વાતોને પ્રોત્સાહન અને સર્મથન આપતા જોવા મળે છે. આ બધાની વાતો સાંભળી મને તો હસવુ અને રડવુ બન્ને આવે છે. આવી વાતો કરનારા મહાનુભાવો મને હંમેશા બાબા સાહેબથી પણ વધુ હોંશિયાર અને સ્કોલર લાગે છે.
સૌથી મોટી વાત ખુદ જાતને બદલવાની છે આ વાતને દરેક નજર અંદાજ કરે છે.
શરૂઆતમાં અનેક પ્રયાસો, કાર્યક્રમ અને આંદોલન પછી સ્વમાન અને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવાના માર્ગ તરીકે બાબા સાહેબે ધર્માતરણનો રસ્તો જ અપનાવ્યો હતો. બાબા સાહેબ પોતે બૌધ્ધ બની ગયા હતા.
બૌધ્ધ બનવાની વાત આવે એટલે સમાજને સુધારવા અને એકતાની વાતો કરનારા મહાનૂભાવો ન જાણે ક્યા જઈને સંતાઈ જાય છે કે ગોત્યા જડતા નથી.
No comments:
Post a Comment