February 14, 2018

આવક વગર આવકનો દાખલો

By Raju Solanki  || 12 February 2018 at 15:35




“સાહેબ, હું ઓબીસી રાવલ છું. મારા દીકરાને આરટીઈમાં એડમિશન લેવાનું છે.”
“જાતિનો દાખલો છે?”
“હા.”
“આવકનો?”
“એક લાખ ત્રીસ હજારનો છે.”
“નહીં ચાલે. સરકારે ઓબીસી માટે રૂ. 1 લાખની આવકમર્યાદા રાખી છે.”
“તો શું કરું સાહેબ? સરકાર નવો દાખલો કાઢી આપશે?”
“એ હું કઈ રીતે કહી શકું? તમે મામલતદાર કચેરીએ જઇને પૂછો.”
ગરીબ બાળકો માટે ખાનગી શાળામાં 25 ટકા ક્વોટા હેઠળ પોતાના બાળકને ભણાવવા માંગતા એક વાલીએ મને ફોન કર્યો ત્યારે તેમની સાથે ઉપર મુજબની વાતચીત થઈ.

બીજા દિવસે એમનો ફરી ફોન આવ્યો.
“સાહેબ, મામલતદાર કચેરીમાં ના પાડે છે. કે’છે એકવાર રૂ. એક લાખ ત્રીસ હજારનો દાખલો કાઢી આપ્યો પછી રૂ. એક લાખનો દાખલો ના મળે. અને એ તો એવું પણ કે’છે કે સરકારે બક્ષી પંચ માટે ચાર લાખ પચાસ હજારની આવકમર્યાદા નક્કી કરેલી જ છે. તમે તમારું જાતિનું પ્રમાણપત્ર મુકી દો એટલે આરટીઈમાં પ્રવેશ મળી જશે.”

મેં એમને સમજાવ્યું કે સરકારે ભણવા જેવી સૌથી પ્રાથમિક આવશ્યક ચીજમાં જ આવી સાવ નકામી ફાલતુ આવકમર્યાદા રાખી છે. કેમ કે સરકાર ઇચ્છતી જ નથી કે ઓબીસીના બાળકો સારી રીતે ભણે. 

આ દેશમાં પાંચ લાખ કરોડની બેન્કોની લોનો લઇને પ્રજાના પૈસા ડૂબાડી દેનારા લોકો માટે સરકારે લૂંટફાટની કોઈ મર્યાદા નથી રાખી, પરંતુ ગરીબ માણસને પોતાના બાળકને ભણાવવા માટે રૂ. એક લાખ ત્રીસ હજારની આવકમર્યાદા પણ નડતરરૂપ રાખી છે. આ ક્યાંનો ન્યાય?

હમણાં અમેરિકાના ‘ધી ઇકોનોમિસ્ટ’ નામના દૈનિકે ભારતની પ્રજાનું આર્થિક વિશ્લેષણ કર્યું અને જાહેર કર્યું કે ભારતમાં વસતીના એક ટકો લોકો હોંગકોંગ જેવી લાઇફસ્ટાઇલમાં જીવે છે. આ એક ટકો લોકો પાસે દેશની સિત્તેર ટકા સંપત્તિ છે. એમની પછીના નવ ટકા લોકો યુરોપના દેશોના લોકો જેટલા ધનાઢ્ય અને સુખી છે. ત્યાર બાદ ચાલીસ ટકા લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશના લોકોની જેમ જીવે છે. અને પચાસ ટકા લોકો આફ્રિકાના કંગાળ, ભૂખ્યા, મુડદાલ લોકોની જેમ માંડ માંડ જીવે છે. મને ફોન કરનારા ઓબીસીના ભાઈ આ પચાસ ટકા લોકોમાં આવે છે. જેમનો ભાગ ઉપર બેઠેલા દસ ટકા લોકોએ છીનવી લીધો છે. તળિયાના લોકો મરવાના વાંકે જીવે છે અને તેમના બાળકોને ભણાવવાના પણ ફાંફા પડી ગયા છે. આવી અસમાનતામૂલક સમાજવ્યવસ્થામાં આપણે હજુ ક્યાં સુધી જીવીશું?

- Raju Solanki

No comments:

Post a Comment