February 14, 2018

RTE Act : એસજી હાઇવે પરની સ્કુલોની આજુબાજુ ગરીબો વસતા જ નથી, તો શું કરશો?

By Raju Solanki  || 13 February 2018 at 15:35


એસજી હાઇવે પરની સ્કુલોની આજુબાજુ ગરીબો વસતા જ નથી, તો શું કરશો?

અમદાવાદના એસજી હાઇવે પર આવેલી હીરામણી સ્કુલમાં ગયા વર્ષે આરટીઈ એક્ટ હેઠળ મફત પ્રવેશ મેળવનારા બાળકના પિતાનો આજે મારા પર ફોન આવ્યો. તેઓ બહુ જ દુખી હતા. મફત પ્રવેશ મેળવ્યા પછી પણ વર્ષના બાર હજાર રૂપિયા તો માત્ર ટ્રાંસપોર્ટેશનના શાળાને ચૂકવવા પડ્યા. જ્યારે બાળકને હીરામણીમાં પ્રવેશ મળ્યો ત્યારે તેઓ રાજીના રેડ થઈ ગયા હતા. પરંતુ, શાળામાંથી જણાવવામાં આવ્યું કે તમારે ટ્રાંસપોર્ટેશનના બાર હજાર તો આપવા જ પડશે. વાલીએ કહ્યું કે, “હું મારા બાળકને સાયકલ પર મૂકી જઈશ ને લઈ જઈશ.” શાળાએ કહ્યું કે ના અમારો તો નિયમ જ છે. તમે દૂર રહેતા હો કે નજીક. શાળામાં તમારે સ્કુલ બસમાં જ આવવું પડે. વાલી શાળાના મોટા સાહેબ નરહરી અમીનને મળ્યા. તો તેમણે પણ કહ્યું કે નિયમ એટલે નિયમ.

ગયા વર્ષે દલિત હક્ક રક્ષક મંચે અગ્ર સચિવ સુનયના તોમરને પત્ર પાઠવીને જણાવેલું કે,

“અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી મોટાભાગની શાળાઓની આસપાસના છ કિમી.ના વિસ્તારમાં ગરીબ બાળકો રહેતા જ નથી. આ શાળાઓની આસપાસ ધનિકોના બંગલાઓ આવેલા છે. કેમ કે, રાજ્યના શાસક વર્ગે, પછી તે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, શહેરનું આયોજન જ એ રીતે કરેલું છે કે પૂર્વના વિસ્તારોમાં ગરીબો રહે અને પશ્ચિમના વિસ્તારમાં ધનિકો રહે. ગયા વર્ષે શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન શાળામાં પચીસ ટકા ક્વોટા હેઠળ ત્રીસ બેઠકો ફાળવવામાં આવી હતી, તે પૈકીની માત્ર ત્રણ બેઠકો ભરાઈ હતી અને તેમાં પણ બે બેઠકો પરનો પ્રવેશ ખોટી આવક દર્શાવી હોવાનું કારણ બતાવીને શાળાએ પ્રવેશ રદ કર્યો હતો. જો આનંદ નિકેતન જેવી શાળાઓની આસપાસના છ કિમીના વિસ્તારમાં ગરીબ બાળકો મળતા ના હોય તો શાળાથી છ કિમી.ના અંતરથી વધારે અંતરે વસતા અમદાવાદ શહેરના કોઈપણ વિસ્તારના ગરીબ બાળકોને 25 ટકા ક્વોટા હેઠળ તે શાળા પ્રવેશનો લાભ મળવો જોઇએ અને તેવા બાળકોના પરીવહનનો ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો જોઇએ.”

આ વર્ષે ફરી મફત પ્રવેશમાં પરીવહન ખર્ચ પણ સામેલ કરવા આપણે અગ્ર સચિવ અને શિક્ષણપ્રધાનને પત્રો પાઠવીએ છીએ. એસજી હાઇવે પરની સ્કુલોમાં રાજપુર-ગોમતીપુર, સરસપુર, નરોડા વિસ્તારના મજુરોના બાળકો ભણવા જ જોઇએ.

- Raju Solanki

No comments:

Post a Comment