November 15, 2017

દલિતોના મત કેટલા નિર્ણાયક?

By Raju Solanki  || 8 November 2017 at 15:43


કેટલાક દિવસો પહેલાં એક ગુજરાતી અખબારમાં આવેલું કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 60 બેઠકો પર દલિતોના મત નિર્ણાયક છે. ઘણા લોકો આ વાંચીને ગેલમાં આવી ગયા હતા. આમ પણ છેલ્લા કેટલાક સમયથી મીડીયા જાતિવાદી ધ્રૂવીકરણની નીતિના ભાગરૂપે દલિતો વિષે અતિશયોક્તિપૂર્ણ અહેવાલો છાપી રહ્યું છે. જમીની સ્તર પર સ્થિતિ સાવ જૂદી છે.

ગુજરાતમાં 47 લાખ દલિતો છે. દેશના અન્ય રાજ્યો કરતા અહીં દલિતોનું શહેરીકરણ બહુ મોટા પાયે થયું છે. એટલે લગભગ ચાલીસ ટકા દલિતો રાજ્યના પાંચ મોટા મહાનગરો અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ અને ભાવનગરમાં તેમ જ અન્ય નાના નગરો જેવા કે મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગરમાં વસે છે. આમ, અંદાજે 17 લાખ દલિતો શહેરોમાં વસે છે. જ્યારે ગુજરાતના 18,000 ગામડાઓમાં બાકીના ત્રીસ લાખ દલિતો વસે છે. ગુજરાતના અમદાવાદ, સાબરકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગર આ ચાર જિલ્લાઓમાં દલિતોની વસતી દસ ટકા કે તેથી વધારે છે. બાકીના જિલ્લાઓમાં સાત ટકાથી ઓછી છે.

ગામડાઓમાં વસતા દલિતોના મતો કોઈપણ વિધાનસભા વિસ્તારમાં નિર્ણાયક નથી. એટલે કે દલિતો એકલા હાથે કોઈ સીટનું ભાવિ નક્કી કરી શકતા નથી. ઘણી જગ્યાએ તો આજે પણ દલિતોના વોટ સવર્ણ જાતિઓના દબંગોના હાથમાં છે. ગામમાં બહુમતી સવર્ણ હિન્દુઓ નક્કી કરે તે પક્ષનો ઉમેદવાર જીતે છે. શહેરોમાં દલિતો કોઈ અન્ય વંચિત સમુદાય સાથે જોડાય તો એના વોટ અસરકારક બને છે. જેમ કે અમદાવાદમાં દલિતો મુસલમાનો સાથે જોડાય તો બંનેના મતો નિર્ણાયક બને છે. અગાઉ કોંગ્રેસના સમયમાં એવું બનતું હતું. અમદાવાદનો મેયર મુસ્લિમ હોય અને ડેપ્યુટી મેયર દલિત હોય તેવું સમીકરણ હતું, જેને ગોબર મંડળીએ વ્યવસ્થિત રીતે તોડ્યું હતું હુલ્લડો કરાવીને. હવે એ સમીકરણ જીવતું થાય તેમ નથી, કેમ કે કોંગ્રેસ પણ ભાજપની જેમ સોફ્ટ હિન્દુત્વ પર રમી રહી છે. કોંગ્રેસની ઢીલી નીતિને કારણે અમદાવાદમાં માત્ર દલિતોના જ નહીં મુસલમાનોના મત પણ બિન-અસરકારક બન્યા છે.

દલિતોના મત નિર્ણાયક બનાવવા હોય તો દલિતોની સાથે મુસ્લિમ મતો પણ નિર્ણાયક કઈ રીતે બને તેની વ્યૂહરચના હોવી જોઇએ. હાલ તો કોંગ્રેસ અમદાવાદ જેવા શહેરોમાં આ મુદ્દે નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ ગજા વગરની ગધાડી છે. એન્ટી ઇન્કમ્બન્સીના જુવાળ પર જીતી જાય તો ઠીક છે. બાકી, ચૂંટણીના પરિણામ પછી જ આમાં શાંતિથી વિચારી શકાશે.

No comments:

Post a Comment