October 16, 2017

વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે?

By Raju Solanki  || 07 October 2017 



વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે?
આજકાલ અત્યાચારોના મુદ્દે ઘણા લોકો એવું કહે છે કે, આપણે દલિતો શિક્ષિત થઈ ગયા છીએ, સંગઠિત પણ થઈ ગયા છે હવે તો સંઘર્ષ જ છેડવાની જરૂર છે. આરપારની લડાઈ લડી નાંખીએ. કોઈ કહે છે હવે તો બંદૂકો ઉઠાવી લો. તો કોઈ કહે છે, સત્તા પ્રાપ્તિ વગર બધું જ નકામું. વાતો તો બધા ચાંદ તારા તોડવાની કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રીએલિટી શું છે? ચાલીઓમાં રહેતા દલિતોની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ ખરેખર શું છે?
વર્ષ 2009માં મેં અમદાવાદ શહેરના રાજપુર-ગોમતીપુર વિસ્તારની 20 ચાલીઓના 1052 કુટુંબોનો સરવે કરાવ્યો હતો. સરવેના પરીણામો ભયાનક અને ચોંકાવનારા હતા. સરવે હેઠળના 4026 વિદ્યાર્થીઓ પૈકીના 2157 એટલે કે 54.11 ટકાએ અધવચે ભણતર છોડી દીધું હતું. આ 1052 કુટુંબોમાં 235 "સત્તાવાર" બીપીએલ કુટુંબો હતા અને 376 "બીપીએલ કાર્ડથી વંચિત કુટુંબો" હતા. 611 કુટુંબોમાં પતિ-પત્ની બંને મજુરી કરે તો પણ માસિક આવક રૂ. 3500થી પણ ઓછી હતી.
પશ્ચિમ બંગાળના મહિલા, બાળ અને સમાજ કલ્યાણ વિભાગ તેમજ યુનિસેફની મદદથી કોલકાતાની જયપ્રકાશ ઇન્સ્ટિટયૂટ ઑફ સોશલ ચેન્જે કોલકાત્તાના રેડ લાઇટ એરીયા સોનાગાછી વિસ્તારમાં એક સરવે કરાવ્યો હતો. તેમાં નોંધાયું હતું કે, ધોરણ પાંચથી સાતના બાળકોમાં અને ખાસ કરીને છોકરીઓમાં ડ્રોપ આઉટ રેટ અત્યંત ઉંચો છે. આ સરવેમાં 1200 સેમ્પલ કુટુંબો આવરી લેવામા આવ્યા હતા અને જણાયું હતું કે 2003 બાળકો કયારેય શાળાએ ગયા નથી, 384 બાળકોએ પૂર્વ-પ્રાથમિક કક્ષાએ જ શાળા છોડી દીધી હતી, જયારે માત્ર 13 બાળકો ઉચ્ચા માધ્યમિક કક્ષામાં જઈ શક્યા હતા." અમદાવાદના રાજપુર-ગોમતીપુર વિસ્તારના દલિતોના બાળકો અને કોલકાતાની સોનાગાછી વિસ્તારની સેક્સવર્કર્સના બાળકોની સ્થિતિમાં ઝાઝો ફેર નથી.
રાજપુર-ગોમતીપુર વિસ્તારના એ 243 બાળમજૂરોની વાત સૌ પહેલા કરીએ. ગુજરાતના શાસકો અને એમના અધિકારીઓ સમાજ-વ્યવસ્થાનો સૌથી ઘાતકીપણે ભોગ બનેલા લોકો માટે સંસ્કૃતમય પદાવલીઓ યોજવામાં ઉસ્તાદ છે. તેઓ બાળકો માટે 'બાળ શ્રમયોગી' શબ્દ વાપરે છે, પરન્તુ આપણે એમને બાળ મજૂરો જ કહીશું. આ બાળકોમાં ચૌદ વર્ષથી નીચેના 21 બાળ મજૂરો, 15 વર્ષના વયના 27 બાળમજૂરો, 16 વર્ષના વયના 28 કિશોર મજૂરો, 17 વર્ષના વયના 51 મજૂરો અને 18 વર્ષની વયના 107 કહેવાતા પુખ્ત મજૂરો જોવા મળ્યા, જેમણે છેક 14 વર્ષની વયથી પોતાના પરીવારને ટેકો કરવા મજૂરીનો રાહ પકડી લીધો હતો, જેમાં 90 છોકરાઓ અને 17 છોકરીઓ હતી.
સરવેમાં ખાડાવાળી ચાલી, વોરાની ચાલી, શકરા ઘાંચીની ચાલી, હીરા ઘાંચીની ચાલી, સળિયાવાલી ચાલી, હવાડાની પોળ (મહાસુખરામની ચાલી, પોપટીયા વડ, જીવરામ ભટ્ટાની ચાલી), કુંડાવાલી કાનજીભાઈ કાલીદાસ ચાલી, પોસ્ટ ઓફિસ સામે, અબુ કસાઈની ચાલી, પોસ્ટ ઑફિસ સામે, હીરાલાલની ચાલી, દૂધવાળી લાઇન, સુથારવાડાની પોળ, જૈન દેરાસર, મહેબૂબ બિલ્ડીંગ, મણિયારવાડો, મરીયમબીબી મસ્જીદ, ચંદા મસ્જીદ, ઝુલતા મીનારા(અમનનગર છાપરા, બીબી મસ્જીદ, તુલસી પાર્ક)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ડ્રોપ-આઉટની પેટર્ન જોઇએ તો સાતમાંથી દસમાં ઘોરણમાં જતા ડ્રોપ-આઉટનું પ્રમાણ વધતું જાય છે. અને દસમું ઘોરણ ડ્રોપ- આઉટની પરાકાષ્ટા છે. મોટા ભાગના બાળકો દસમા ઘોરણને વટાવી શકતા નથી. આમાંના નેવું ટકા બાળકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણે છે, જ્યાં વર્ષમાં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થતું નથી. વર્તમાન સરકારની વિજયોત્સવો, કાર્નીવલો અને મહોત્સવો ઉજવવાની ઘેલછાએ દલિત બાળકોને શાળાઓ છોડાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. સાબરમતી રીવર ફ્રન્ટ ઉપર ચોજાએલા આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવમાં વહેલી સવારથી 7500 બાળકોને હાજર કરી દેવામાં આવ્યા હતા. કાંકરીયા કાર્નિવલના ઉદ્દ્ઘાટન સમારોહમાં 10,000 બાળકોને કલોકો સુધી ભર તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા.
સરવે હેઠળના વિસ્તારોમાં મુખ્યત્વે દલિત-મુસ્લિમ સમુદાયો વસે છે. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં આ વિસ્તારોમાં લાલ ઝંડાની આણ હતી. એ વખતે સમ્રગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીપીએમના એક માત્ર કોર્પોરેટર અહીંથી ચુંટાયા હતા. વીસ-પચીસ વર્ષ પહેલા આ વિસ્તારો કોમી એખલાસની મિશાલ સમાન હતા. બનેં કોમો સંપથી રહેતી હતી. 1981ના અનામત વિરોધી રમખાણો પછી આ સંપ રહ્યો નથી. એના કારણો ગમે તે હોય, પરિણામ તમારી નજર સામે છે. નદીની પેલે પાર નવરંગપુરા, નારણપુરા, સેટેલાઇટ વિસ્તારોમાં એક કિશોર ભણવાના ટેન્શના કારણે આપઘાત કરે તો, છાપાઓમાં મોટી હેડલાઇનો બને છે. દલિત-મુસ્લિમ વિસ્તારોમાં હજારો કિશોરો આર્થિક બેહાલીના કારણે ટેન્શનમાં ભણી જ શકતા નથી તો એની નોંધ કોણ લે છે?
ચૂંટણી આવી રહી છે, ત્યારે દલિતો-મુસ્લિમોના બુદ્ધિજીવીઓ શિક્ષણના મુદ્દે શું વિચારે છે?

No comments:

Post a Comment