By Raju Solanki || 1 October 2017 at 15:55
એ કેટલું આઘાતજનક છે કે ગઈકાલે એક્સપ્રેસ અડ્ડામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોઇએ એવો સવાલ જ ના પૂછ્યો કે છેલ્લા વીસ વર્ષથી તમારા પક્ષે ગુજરાતના શિક્ષણનું ખાનગીકરણ કરીને જે પત્તર ઠોકી છે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમારી પાસે છે કે કેમ? કે પછી રાષ્ટ્રીય સ્તરે નીટની પરીક્ષામાં ગુજરાત બોર્ડના ઉમેદવારોની સીબીએસઈ ભણેલા રઇશજાદાઓ સામે સ્પર્ધામાં ટકવાની અક્ષમતાનો તમારી પાસે કોઈ હલ છે ખરો? કે પછી કિસાનોની આત્મહત્યાઓ અને યુવાનોની બેકારીને નાથવાનો કોઈ રોડ મેપ છે કે કેમ?
આવા સવાલો પૂછવાના બદલે રૂપાણીને ફલાણા આંદોલનખોરો વિષે ટીપ્પણી કરવા જણાવવામાં આવ્યું હતું. અને રૂપાણીએ કહ્યું કે એમણે ચૂંટણી લડવી જોઇએ, જેથી એમની લોકપ્રિયતાની કસોટી થાય. જાણે અમુક લોકોના રાજકારણમાં જોડાવાથી પ્રજાની કારમી સમસ્યાઓ હલ થઈ જવાની હોય.
એક્સપ્રેસ અડ્ડાની કાલની બેઠકમાં ગુજરાતના જાણીતા કેળવણીકારો પણ હતા, પરંતુ તેમણે પણ રૂપાણીને ગુજરાતીઓની શૈક્ષણિક દુર્દશા અંગે કોઈ સવાલો ના કર્યા. કદાચ એમને અડ્ડાની બેઠકોનું છાપાની પહેલા પાની બોટમ સ્ટોરી સિવાય કશું જ વજુદ નથી તેની ખબર હશે.
શું મોદી કે શું રાહુલ કે શું રૂપાણી – રાજકારણમાં એમના આવવાથી લોકોને શું ફરક પડ્યો છે? કેટલાક ભક્તોને મંજીરા વગાડવાના મનગમતા પ્રતીકો મળ્યા છે કે બીજું કંઈ? તમારા નેતાઓની આખરી કસોટી તો એ જ છે કે લોકોના પ્રશ્નો ઉકેલવાની એમની કેટલી આવડત છે.
ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, નોકરીના સવાલો ઉકેલવામાં મોદીની નિષ્ફળતાને કારણે છેલ્લા એક વર્ષમાં આંદોલનો આવ્યા છે. કોંગ્રેસે એનો લાભ ઉઠાવ્યો છે એટલું જ. રૂપાણીએ કોંગ્રેસને દોષ દેવો ના જોઇએ. પાંત્રીસ વર્ષ પહેલાં એમના પક્ષે પણ અનામત આંદોલનોનો ઉપયોગ કે દુરુપયોગ કોંગ્રેસવિરોધી લાગણીઓ ભડકાવવામાં કર્યો હતો. આંદોલનો તો લોકશાહીમાં પ્રજાને મુરખ બનાવવા થાય છે. સત્તા પર તો મુડીવાદીઓ, બિલ્ડરો, માલેતુજારો જ આવે છે. પક્ષ કોઈ પણ હોય.
No comments:
Post a Comment