September 19, 2017

અનામત અને બ્રાહ્મણવાદી તરકીબો

By Rushang Borisa   || 8 September 2017 at 23:31



અનામત શબ્દ એટલો આકર્ષક છે કે આ વિષયે જયારે વાત નીકળે ત્યારે ગમે ત્યાં ચર્ચા-વિવાદ શરુ થઇ જાય. અનામતને લઈને સામાન્ય રીતે હિન્દૂ ઉચ્ચ જ્ઞાતિઓમાં અણગમો કે રોષ જોવા મળે છે. એટલું જ નહીં તેઓ દેશની ટોચની અડચણોમાં સામેલ પણ કરી,ભારતના પછાતપણા માટે અનામત જવાબદાર છે તે વિષે જાતજાતના તર્ક-કુતર્ક કરતા રહે. આ મુદ્દાનો એટલો (અપ)પ્રચાર કરવામાં આવ્યો છે કે તેનો લાભ લેતો ઓબીસી વર્ગ પણ તેની જાહેરમાં ટીકા કરે છે!
અનામત વિરોધીઓની મુખ્યત્વે એવી દલીલ હોય છે કે અનામતને લીધે ગુણવત્તાસભર પ્રતિભાઓને તક મળતી નથી અને અયોગ્ય વ્યક્તિને તક મળી જાય.તેના સમર્થનમાં તેઓ વિદ્યાર્થીઓના ગુણપત્રકો બતાવતા રહે છે. સાથે સાથે અતિશયોક્તિભરેલ-બનાવટી તથ્યો પણ ઉમેરાતા રહે છે.વળી, અનામતનો લાભ વંચિતોના છેવાડાના વર્ગ સુધી નથી પહોંચતો તે દલીલ ને પણ હથિયાર બનાવી મૂળ અનામતના ખ્યાલ ઉપર પ્રહારો થતા રહે છે.
અનામત-વિરોધીઓની આવી તરકીબોએ અનામત-લાભાર્થીઓના મગજમાં એક પ્રકારની "દોષભાવના" કાયમ કરી છે. એટલે ઘણા લાભાર્થીઓ અનામતને ભાંડે છે અથવા તેનો લાભ લેતા ખચકાય છે. આ વિષયે એ હદે એકતરફો પ્રચાર કરાયો છે કે દલીલોમાં લગભગ અનામતવિરોધીઓ સરસાઈ મેળવે છે. જોક્સ-મેસેજીસ-ફોટોશોપ્ડ પીક્સ વગેરેનો ઉપયોગ હવે બદલાતા જમાના સાથે અનામત મુદ્દે પણ બ્રાહ્મણવાદીઓ કરી રહ્યા છે.
અહીંથી, અનામત વિષયે અનામતવિરોધીઓની દલીલને ખરીજ કરવાનો પ્રયાસ થયો છે. (આ પણ વાંચજો- ભારત અને રેસીસ્મ )
હવે, અનામતવિરોધી એવા બ્રાહ્મણવાદીઓના દંભ કે દોગલાપન ઉપર વાત કરીયે...
મહદંશે એવો પ્રચાર કરવામાં આવે છે કે અનામત વર્ગના માર્ક્સ બહુ ઓછા હોય છે અને જનરલ વર્ગના માર્ક્સ વધારે હોય છે. જો અહીં શિક્ષણવ્યવસ્થા ને લઈને સરખામણી કરીયે તો સીધી ને સાફ વાત છે કે ભારતમાં શિક્ષણ ધંધો બની રહ્યો છે. ભારતીય શિક્ષણ ક્વોલિટી નહીં, પણ ક્વોન્ટિટી ઉપર ભાર મૂકે છે તેવી દલીલ શિક્ષણવિદોની સાથે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિ પણ કરે છે. એક તરફ શિક્ષણ પદ્ધતિનો વિરોધ આ જ મેરીટધારીઓ કરતા રહે છે કે માર્કની કોઈ વેલ્યુ નથી,શિક્ષણમાં ખામીઓ છે. જયારે અનામતની વાત આવે ત્યારે કેમ માર્ક્સને મહત્વ આપતા હશે? માર્ક્સને શોપીસ ગણાવતા મેરીટધારીઓને અચાનક કેમ માર્ક્સપ્રેમ ઉભરાઈ આવતો હશે? જો શિક્ષણ પદ્ધતિમાં ખામી હોય તો સહજ છે કે તેના પરિણામે મળેલ ગુણપત્રકો પણ કોઈની સાચી પ્રતિભા-લાયકાત ધરાવતા ના હોય. વળી, પ્રેક્ટિકલી જયારે કોઈ વ્યવસાય-નોકરી કે રોજગારે જોડાય છે ત્યારે આપોઆપ લોકોને સમજાય જાય છે કે થિયોરિકલ જ્ઞાન કરતા પ્રેક્ટિકલ જ્ઞાન વધુ જરૂરી છે. જયારે ભારતીય શિક્ષણવ્યવસ્થામાં શાળા થી લઈને સ્નાતક સુધીના સ્તરે ચોપડીયા જ્ઞાનની- ગોખણપટ્ટીની બોલબાલા છે! એટલે ખામીયુક્ત પદ્ધતિને કારણે માર્ક/ગુણ વિદ્યાર્થીના મૂલ્યાંકનનો સાચો માપદંડ ના ગણી શકાય. આવી સ્થિતિમાં જો કઈ અસરકારક પરિબળ હોય તો તે શાળાકીય-કોલેજ તબક્કા પછીનો છે ; જેમાં મહાવરો-તાલીમ દ્વારા પ્રેક્ટિકલ માહિતી/સ્કિલ નું જ્ઞાન મેળવાય. પણ અનામત વિરોધીઓ આ વિષે વિચારતા જ નથી અથવા જાણી જોઈને આંખ આડા કાન કરે છે. જો તમે એક બાજુ શિક્ષણ પદ્ધતિ- ગુણપત્રકોને મહત્વ ના આપતા હોવ અને બીજી બાજુ આજ ગુણપત્રકોને સામે રાખી અનામતની ટીકા કરતા હોવ તો ખરેખર તમે હાંસીને પાત્ર છો.
બીજી એક નૈતિક જવાબદારી દર્શાવતી અને ભાવુક દલીલ અનામતવિરોધીઓ તરફ થી એવી આવે છે કે અનામતનો લાભ મધ્યમ-સમૃદ્ધ વર્ગ લઇ લે છે અને ખરેખર જેને જરૂર છે તેને મળતો નથી. એટલે કે જે વર્ગ અનામત વિના પણ રહી શકે છે તે ગરીબ વર્ગની અનામત ઝુંટવે છે. દેખીતી રીતે આ દલીલ વ્યાજબી જણાતી હોય પણ શું ખરેખર અનામતવિરોધીઓ આવું બોલવાને લાયક છે? જો અહીં ક્રિટીકલી વિચારીયે તો કહેવાતા અપર કાસ્ટ વિચારકો પણ દંભી ભાસે. કેમ કે જો તેઓ એવું કહેતા હોય કે અનામતનો ફાયદો સમૃદ્ધ-પ્રબળ સમાજ લઇ લે છે ;તો તેમની આ દલીલ ક્યાં ખોવાય જાય છે જયારે સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનો પૈસાદાર વર્ગ બેઠકો પચાવી ને પોતાના જ સમાજના ગરીબ વર્ગને સરકારી ફાયદાઓથી વંચિત રાખે છે? શું જનરલ કેટેગરીનો સમૃદ્ધ-સક્ષમ વર્ગ પોતાના જ્ઞાતિ-સમાજના ગરીબો ખાતર સરકારી કોલેજોની બેઠકો ત્યજી ના શકે? જેમણે ક્યારેય બલિદાન નથી આપ્યું તેઓ બીજા ને બલિદાન આપવાની વાત કરે તે વિચિત્ર તો લાગે. વેલ, અહીં પણ મુખ્ય સમસ્યા ગરીબ-તવંગર ની નહીં; પણ શિક્ષણના વ્યાપારીકરણની છે. જેને લીધે લાખો રૂપિયા લૂંટતી સંસ્થાઓનો રાફડો ફાંટીયો છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ દેશના તમામ સમુદાયમાં સરળતાથી મળી રહે તે માટે માળખું તૈયાર કરવાની જરૂર છે; જયારે આપણા દેશમાં તો ઉલટું શિક્ષણ બજેટમાં કાપ મુકાય છે!
અહીં અનામતને લઈને બ્રાહ્મણવાદીઓની સાતિર દલીલને કાઉન્ટર કરવાનો પ્રયાસ છે. બાકી તેમની ગુણવત્તા તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જ દેખાઈ આવે છે કે તેઓ કેટલા મેરીટધારી છે . દેશનું ૯૦% થી પણ વધુ તંત્ર-આયોજન તેમના હાથમાં છે. વડાપ્રધાન,મુખ્યમંત્રી,ડિરેક્ટર,સલાહકાર થી લઈને પ્રિન્સિપાલ,મેનેજર વગેરે જેવા ઉચ્ચ પદો ઉપર હોવા છતાં દેશનો સર્વાંગી વિકાસ ૭૦ વર્ષ પછી પણ ના થયો હોય તો અનામતવિરોધીઓને કોઈ હિસાબે "અનામત નિષ્ફ્ળ નીવડી છે" તે કહેવાનો નૈતિક અધિકાર નથી. ખરેખર તો ૭૦ વર્ષ પછી દેશ વિષે એટલું કહી શકાય કે મેરીટધારીઓ દેશને અપેક્ષિત સ્તરે પહોંચાડવામાં નિષ્ફળ થયા છે.
આપણે ત્યાં સદીઓથી ફુલતાં-ફાલતા બ્રાહ્મણવાદને લીધે લોકોમાં જાતિવાદ વકર્યો અને ઈર્ષ્યા-અસમાનતાએ દેશના લગભગ તમામ ક્ષેત્રોને દુષિત કરી કોરી ખાધા. કમનસીબી એ રહી કે આ પ્રક્રિયામાં સીધો ફાળો ધર્મનો રહ્યો! જેનાથી સદીઓ સુધી વિકાસ રૂંધાયો અને હવે વંચિતોને તક મળે તે માટે કોઈ મજબૂત વિકલ્પ વિચારવો જ રહ્યો. દેશના સર્વાંગી વિકાસ માટે આરક્ષણ બાધારૂપ નહીં, પણ અનિવાર્ય છે. જે ધીમી પણ મક્કમ ગતિએ દેશમાં પ્રગતિના દ્વાર ખોલશે તેવી શક્યતાઓ છે ; જે જાતિવાદી આંખોને નહીં દેખાય.
જ્યાં સુધી દેશની મુખ્ય સમસ્યા અનામત નહીં ,પરંતુ જાતિવાદ-બ્રાહ્મણવાદ છે અને અનામત કોઈ સમસ્યા નહીં, ઉપાય છે તેટલું સમજવા જેટલી બુદ્ધિ નહીં દોડે ત્યાં સુધી તમે દેશના હિતેચ્છુ નહીં,પણ દુશ્મન જ કહેવાશો.
અહીં, મર્યાદિત દ્રષ્ટિકોણ થી સમજાવવાનો પ્રયાસ છે. અનામતને લઈને તમે શું વિચારો છે તે વિષે જણાવો.
(નોંધ: અત્યારે જે મેરીટધારીઓ તેમની "આંતરરાષ્ટ્રીય" ગુણવત્તાના બણગા ફૂંકે છે; તેઓ ઇતિહાસ જાણે કે અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી રહેવા આ જ કહેવાતી ઉચ્ચ હિન્દૂ જાતિઓએ લઘુતમ ગુણ ૫૦ માંથી ૪૦ કરવાની ભલામણો બ્રિટિશ સરકાર સમક્ષ કરી હતી, કારણ કે વિદેશીઓ પોતાની ઉજળિયાત-એડવાન્સ શિક્ષણ-સ્થાનિક એડવાન્ટેજથી સવર્ણોને અરીસામાં મોઢા સામે મેરીટ બતાવતા હતા.)

1 comment:

  1. Bhai ekdam sachi vaat.....ભારત રત્ન બધાં મેરીટ ધારી લઇ જાય છે.. ને પરમ વીર ચક્ર મહાવીર ચક્ર આરક્ષણ ધારી.. ત્યાંજ દેખાઈ આવે છે....

    ReplyDelete