June 13, 2017

બાબા સાહેબ વિશેનું વાંચન એ કાચી માટીના ધડાને પકવી મજબુત અને નક્કર માટીના ધડા બનાવતા કુંભારના નિંભાડા જેવું છે. જેના પર ટકોરા લગાવતા જ રણકાર પેદા થાય.

By Jigar Shyamlan
બાબા સાહેબે જબરજસ્ત સંધઁષ કરીને પરિવારના ભોગે અપાવેલ અધિકારોથી પછાત સમાજના લોકો શિક્ષણ પામ્યા. ગળામાં લટકતી કુલડી અને પાછળ લગાવેલ સાવરણો તથા ફાટેલાને મેલાદાટ ચીંથરાને બદલે સુટબુટ પહેરતા થયા.
જે સમાજને કોઈ ગણતુ ન હતું આજે એમાંથી જ કેટલાક તો લોકસભાને વિધાનસભાઓમાં પણ ચુંટાયા અને લોક પ્રતિનિધી બનવાની તક પામ્યા.
જે લોકો સેવા, મજુરી અને વેઠ કરતા હતા પણ આજે સારી નોકરીઓ મેળવી બે પાંદડે થયા. રહેવા માટે ફાટી તુટી ઝુંપડી હતી હવે તો કેટલાકે તો આલિશાન બંગલાઓ બનાવ્યા છે. આખા ગામમાં પગપાળા ચાલતા હતા હવે મોંઘી મોંઘી ગાડીઓ ખરીદી તેમાં ફરે છે.
પહેલા કોઈ કિંમત ન હતી આજે કેટલાક લોકોએ તો સમાજમાં સારી પ્રતિષ્ઠા અને લાગવગ બનાવી ચુક્યા છે.
ટુંકમાં સામાજિક રીતે, આથિઁક રીતે અને શારીરીક તેમજ માનસિક રીતે પહેલા કરતાં ઘણાં જ સુખી બન્યા છે.
પણ.....??????
બાબા સાહેબના સંધષઁને સદંતર જ ભુલી ચુક્યા છે. સૌ પોતાનો ભુતકાળ સાવ જ વિસરી ચુક્યા છે.
શિક્ષીત બન્યા પરંતુ સંગઠિત બની શક્યા નથી માટે યોગ્ય રીતે સંઘષઁ કરી શકતા નથી....
આજે પછાત સમાજ બાબા સાહેબને ભુલીને જુદીજુદી જ્ઞાતિ, જાતિ, વાડા, પરગણા અને ગોળના ચક્કરમાં ફસાયેલો છે.
બાબા સાહેબ માત્ર ચૌદમી એપ્રિલ અને છઠ્ઠી ડિસેમ્બર પુરતા યાદ કરવાનું બહાનુ બની ગયા છે.
એ સિવાય જ્યારે કોઈ ઉનાકાંડ કે એને ભળતા અત્યાચારોના બનાવો સામે આવે ત્યારે જ બાબા સાહેબની યાદ આવે છે.
બાબા સાહેબ સૌને માફ કરી દેજો કારણ હજી પણ તમારા વિચારોને યોગ્ય રીતે સમજી શક્યા નથી. તમારી વાતો અને વિચારો સાંભળવા અને વાંચવા ગમે છે પરંતુ એના પર અમલ કરી શકીએ તેટલા સક્ષમ બની શક્યા નથી.
હજી પણ હોમ, હવન પુજા પાઠ, બાધા માનતાના ચક્કરમાંથી બહાર આવી શક્યા નથી....
આપ ફરીવાર નહી આવો એ જાણવા છતાં પણ તમારા વિચારો પર અમલ કરી પોતાનો ઉધ્ધાર સ્વયં કરી તમને ખરી શ્રધ્ધાંજલી આપવાના બદલે હજી પણ તમે ફરી અવતાર લઈ ઉધ્ધાર કરશો તેની રાહ જોઈ રહ્યા છે. બાબા સાહેબ તમને સૌ શોધી રહ્યા છે.
સૌને બાબા સાહેબમાં રસ છે પણ માત્ર વોટ્સએપ્પના મેસેજો અને ફેસબુકની પોસ્ટોમાં લાઈક કમેન્ટ કરવામાં પુરતો.
કોઈને બાબા સાહેબને વાંચવા નથી, એમના વિચારોને સમજવાની તસ્દી લેવી નથી.
આ અવસ્થા અત્યંત ગંભીર છે. હું દરેક વ્યક્તિ એમને એમ આંબેડકરવાદી બની જાય તેવું ઈચ્છતો નથી. કોઈ પણ કુંભાર ચાકડા પર માટીનો પિંડ મુકીને તેને હાથેથી સરસ આકાર આપીને માટીનો ધડો
બનાવે પછી તેને ચાકડા પરથી ઉતારી તેમાં તરત જ પાણી ભરતો નથી. એમ કરવાથી માટીમાંથી બનેલ ધડો કાચો હોવાથી તરત જ ફુટી જાય અને પાણીનો સંગ્રહ નથી કરી શકતો. માટીના ધડો પાણીનો સંગ્રહ કરવા સક્ષમ બને એ માટે એને નિંભાડામાં ધાસ અને લાકડા સાથે મુકીને સળગાવી બરાબર રીતે પકવવામાં આવે છે. અમુક કલાકો સુધી નિંભાડામાં રહ્યા બાદ તે જ કાચી માટીનો ધડો એક નક્કર ધડો બનીને તૈયાર થાય છે.
એટલે જ્યાં સુધી બાબા સાહેબને વાંચ્યા નથી, તેમના વિચારોને સમજ્યા નથી ત્યાં સુધી આપણે સૌ પેલી કાચી માટીના ધડા જેવા જ છીએ.
પહેલા બાબા સાહેબનું વાંચન કરીએ, તેમના વિચારોને સમજવાની કોશિશ કરીએ જ્યાં સુધી આ પ્રક્રીયામાંથી પસાર નહી થઈએ ત્યાં સુધી આપણે કાચી માટીના ધડા જ બની રહીશું.
જે નાની અમથી પાણીની ધાર થતા જ તુટી જશેને વિખરાઈ જશે.
બાબા સાહેબ વિશેનું વાંચન એ કાચી માટીના ધડાને પકવી મજબુત અને નક્કર માટીના ધડા બનાવતા કુંભારના નિંભાડા જેવું છે. જેના પર ટકોરા લગાવતા જ રણકાર પેદા થાય.
- જિગર શ્યામલન



Facebook Post:-

No comments:

Post a Comment