May 14, 2017

દલિતોને ક્યાં કોઇ સમસ્યા જ છે! : વિજય મકવાણા

ત્રણ સત્ય ઘટનાઓ.. 
ઘણા દિવસથી માનસપટ પર સાચવીને બેઠો હતો..આજે રવિવાર છે..અને સમય પણ છે..ઘણા લોકો દલિતો અને નીચ વર્ણના લોકોને હવે કોઈ સમસ્યા નથી..એવા બણગા ફૂંકતા રહે છે.. ભાઈ એકવીસમી સદી આવી ગઈ..હવે ક્યાં કશું એવું રહ્યું છે? લોકો શિક્ષિત થયા હવે આવી વાતો બંધ કરવી જોઈએ.. હું પણ કહું છું હા,,બંધ કરો..પણ તમે..બંધ કરો તમારી સુફીયાણી વાતો.. 

ઘટના-૧
વરસોની જન્મજાત ગરીબી ભોગવતા કુટુંબનો એક છોકરો.. નામ અત્યારે રાઠોડ..નરેશ..આખા કુટુંબ માં કોઈને સરકારી નોકરી નહિ.. પણ નસીબ યારી આપે છે.. પોલીસ ભરતી માં..સિલેક્ટ થઇ ગયો.. પણ વરસોની ગરીબી આંખોની કડકાઈને ચાવી ગયેલી..એકાદ બે મહિના નોકરી કરી હશે..ઉપરના સાહેબોને એનામાં કમાણી દેખાઈ નહિ..હુકમ છૂટ્યા..સાહેબનો ડ્રાઈવર થઇ જા...ગામમાં ટ્રેક્ટરનો ડ્રાઈવર જ હતો..હવે સાહેબનો. અમદાવાદમાં એ વખતે લઠ્ઠાકાંડ થયેલો.. સાહેબને ઉપરથી હુકમ કે રાત્રે તમારે પેટ્રોલિંગ કરવું જ્યાં જ્યાં દારુ વેચાય છે ત્યાં પાકો બંદોબસ્ત અને જાપ્તો રાખવો.. રાત ના આશરે ૧૧ વાગ્યા હશે નારોલ ચોકડીએ સાહેબ ડ્રાઈવર અને એક એ.એસ.આઈ..રોન લગાવી આગળ વધ્યા..વચ્ચે એક જગ્યાએ રોડ ફંટાતો હતો..
એ.એસ.આઈ બોલ્યો..સાહેબ અમરાઈવાડીમાં એક આંટો મારી લેશું??
સાહેબ કહે કેમ? ત્યાં શું છે?
એ.એસ.આઈ..બોલ્યો.. ત્યાં વધારે દારુ વેચાય છે..દલિતોનો વિસ્તાર છે...
સાહેબ બોલ્યા.. જવા દ્યો હવે હું થાક્યો છું.. એ લોકો તો હરામખોરો પીવા માટે જ જનમ લે છે..મરતા હોય તો ભલે મરે ગંદકી સાફ થાય સમાજની..
એ.એસ.આઈ..ધીરેથી બોલ્યો..સાહેબ આપણો રાઠોડ દલિત છે..
સાહેબે રાઠોડ સામે જોયું રાઠોડ સમસમી ગયો..હતો..
સાહેબ બોલ્યા.. રાઠોડ..તમારા લોકો..વિશે કઈ ખોટું બોલ્યો હોય તો કહો..બાકી સારા માણસોની અમેય કદર કરીએ છીએ..જુઓ તમારી કદર કરી ખાતાંએ તમે અમારી સાથે છો કે નહિ?
રાઠોડ ચુપ છે..શું કરે નોકરી કરવાની છે..સામે આખું ગરીબીમાં સબડતું કુટુંબ દેખાય છે...

ઘટના-૨
રાતના દસેક વાગ્યા હશે..ગામના દરબાર વખતસિંહ બાપુ દલીતવાસમાં પધારે છે..અલ્યા પવલો ક્યાં મળશે? કોઈકે કહ્યું વાળંદના ઓટા પર બેઠો હશે કહો તો બોલાવી આવું.. બાપુએ હા કહી..પેલો તાબડતોબ જાય છે.. પવલો બાપુનો ખાસ માણસ..એમની વાડીનું બધુંય કામ પવલો કરે..બાપુનો બીજો ધંધો દારુનો પવલો વાડીએ કામ કરતા કરતા સાથે એ કારોબાર પણ સંભાળતો..વધારાનું ૫૦ રૂપિયા રોજ મળી રહેતું..બધું રાબેતા મુજબ ચાલતું..કારણ કે કોઈ દિવસ પોલીસ ડોકાયેલી નહિ..હપ્તા ચાલુ..પણ આ વખતે નવા સાહેબ આવેલા..બાતમી મળેલી કે આજે તમારે ત્યાં નકલી રેડ પાડવી પડશે..બાપુની આબરુ જાય એવું થયું..અને બાપુને પવલો યાદ આવ્યો.. પવલો આવ્યો..બાપુએ સામ-દામ-દંડ-ભેદ અજમાવી પવલાને ૨૦૦૦ રૂપિયા આપ્યા..સવારે પોલીસ સ્ટેશને હાજર થઇ જજે દારુ સાથે..પવલો હાજર થયો..બાપુએ બે દિવસમાં છોડાવી પણ લીધો..હવે ઓનપેપર પવલો બુટલેગર છે..બે વાર પાસમાં જેલ માં પણ જઈ આવ્યો..બાપુનો દિવસ સોળે કળા એ ખીલ્યો છે..બાપુએ પછી ચુંટણીમાં ઝંપલાવ્યું અને એમ.એલ.એ..પણ થયા અને અત્યારે કોલસાનો મોટો કારોબાર છે..પવલાને યાદ પણ નથી કરતા..પવલા માટે હવે દારૂ ગાળવા સિવાય કોઈ વિકલ્પ નથી..ઘર તો ચલાવવું ને? એને એ પણ ખબર નથી કે એનો ઉપયોગ થઇ ગયો..

ઘટના-૩
સાંજના ૬.૩૦ વાગ્યા છે જગલા નામનો..એક યુવાન પોલીસ સ્ટેશનમાં ધારિયા સાથે આવે છે..ટેબલ પર મસ્તી માં ધારિયું પછાડે છે..
ચાલો સાહેબ દારુ પીવો છે પૈસા આપો..હાહાહા.
આખો દિવસ હપ્તા ઉઘરાવ્યા..થાક્યો છું..
આજે બિરિયાની ખાઈ ને ટેસથી સુઈ જવું છે.. 
એ.એસ.આઈ.. કહે પહેલા હિસાબ તો આપ.. 
પેલાં એ ગણી ગણી ને ઈમાનદારી થી..હિસાબ આપ્યો..
સાહેબ ખુશ થઇ ગયા..ઘણો વકરો કર્યો..અલ્યા..આ લે તારા ભાગના ૫૦૦ રૂપિયા..
અને ટેબલના ખાનામાં પડેલી ઈંગ્લીશ દારુની બોટલ થમાવી દીધી એના હાથમાં..જા કર જલસા..
હવે રાતના ૧૦ વાગ્યા છે..શિયાળાની રાત છે..શહેર સુતું છે..પોલીસ સ્ટેશનમાં ફોનની રીંગ વાગે છે..
હેલ્લો સાહેબ.. જગલા નામનો ઇસમ દારુ પી ને મારી બૈરી ને........ ફોન કરનાર કોઈ સવર્ણ હતો..
પોલીસ તુરત ઘટના સ્થળે હાજર..જગ્લાને બે-ચાર લાફા મારી ઠમઠોરી તગેડી મુકે છે...
વહેલી સવારે ફરી એક ફોન આવે છે...સાહેબ જગલાએ સળગી ને આત્મહત્યા કરી લીધી..
પોલીસ પંચનામું કરવા એના ઘેર પહોચી..
ખાટલામાં બળેલી હાલત માં બાંધેલી લાશ પડી છે..સાહેબ પૂછે છે એના બાપ ને..અલ્યા ખાટલા સાથે બાંધેલો જગલો સળગી કેમ ગયો?
બાપ રડતા રડતા કહે છે,,,બહુ ત્રાસી ગયા હતા..એની દારુ પીવાની લત..અને છાશવારે..જેની અને તેની બૈરીઓ ના આવા છમકલાં
રાત્ત્રે ઘેર આવી બહુ તોફાન કર્યું...ગામ માથે લીધું...ઘરના બધાએ ભેગા મળી એકના એક કપૂત દીકરાને સળગાવી દીધો..હવે તમારે જે કરવું હોય તે કરો..સાહેબ લાશ પાસે ઉભા ઉભા જ ૨૦૦૦૦ રૂપિયા નો તોડ કરી લીધો..પંચનામાં માં લખ્યું..ખુબ દારુ પીધેલી હાલતમાં જાત જલાવી દીધી...ચેપ્ટર ક્લોઝ...!!

હવે સમાજ બદલાઈ ગયો એવા બણગા ફૂંકનારા લોકોને શું કહેવું છે....આ લખનાર ઉપરની તમામ વ્યક્તિઓને વ્યક્તિગત ઓળખે છે..આ બધી ઘટનાઓ..ગત દસ વરસ માં ક્રમિક બની છે... છે કોઈ જવાબ તમારી પાસે..?
-વિજય મકવાણા















Facebook Post:-

No comments:

Post a Comment