May 18, 2017

ધર્મના અનેક ષડ્યંત્રોમાંનું એક ષડયંત્ર પારકી સંસ્કૃતિને પચાવી પાડવાનું છે : રુશાંગ બોરીસા


ધર્મનો શુદ્ધ ખ્યાલ જે-તે સમયે જરૂરી હોવા છતાં નબળો હતો.ધર્મે પોતાની સત્તા-સર્વોપરિતા મેળવવા સામ-દામ-દંડ-ભેદની નીતિનો ઉપયોગ કરવો પડ્યો છે.ધર્મના અનેક ષડ્યંત્રોમાંનું એક ષડયંત્ર પારકી સંસ્કૃતિને પચાવી પાડવાનું છે.દુનિયાના ટોપ ૪ ધર્મો-ઈસાઈ,ઇસ્લામ,હિન્દૂ અને બૌદ્ધ કાં તો પારકી સંસ્કૃતિનું દમન કર્યું છે કાં તો પારકી સંસ્કૃતિનું અપહરણ કરી તેને દત્તક બનાવી છે. નાતાલના તહેવારની ઉજવણી આવી જ અનૈતિક પદ્ધતિનું ઉદાહરણ છે. 

સામાન્ય રીતે આપણે જાણકારી ધરાવીએ છીએ કે ૨૫ ડિસેમ્બરે ભગવાનના “એકમાત્ર પુત્ર” જીસસનો જન્મ થયો હતો અને તેના જન્મદિનની ઉજવણી નાતાલના પર્વ મારફતે મનાવવામાં આવે છે. જો કે ઈસાઈ ધર્મગ્રંથ બાઇબલમાં ક્યાંય જિસસના જન્મદિનનો પુરાવો નથી.જેવી રીતે રાવણવધ આસો સુદ દસમે થયો તેવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી તેવી રીતે જિસસનો જન્મ નાતાલે(૨૫ ડિસેમ્બર) થયો તેવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. 

પ્રાચીન ઈસાઈ ધર્મનિષ્ણાતોમાં પણ જીસસના જન્મદિનની બાબતે મતમતાંતર હતા; જેમ કે બીજી શદીમાં ટોચના પાદરીઓએ કંઈક આવી તારીખો આપી હતી-૨૮ ઓગસ્ટ,૨૧ માર્ચ,૨૧ એપ્રિલ,૧૫ એપ્રિલ અને ૨૦ એપ્રિલ! હાલમાં જે વ્યાપક છે તે ૨૫ ડિસેમ્બરનો ખ્યાલ ઘણો દૂર ૪થી શદીમાં જન્મ પામ્યો હતો.આ સમયગાળામાં ઈસાઈ ધર્મે યુરોપ ઉપર ઘણી ખરી પકડ મેળવી લીધી હતી.

નાતાલની ઉજવણી મૂળે ઈસાઈ ધાર્મિક પર્વ નથી,પણ જે-તે સમયની સમકાલીન સાંસ્કૃતિક ઉજવણી છે.હાલમાં જે ઉજવણી જોવા મળે છે તેના સંદર્ભો પ્રાચીન રોમન સંસ્કૃતિમાં જોવા મળે છે,જે સદંતર ખ્રિસ્તી ધર્મથી મુક્ત હતા.હકીકત તો એ છે કે ક્રિસ્ટમસની ઉજવણી જે હાલના તબક્કે જોવા મળે છે તે અલગ-અલગ પેગન (મૂર્તિપૂજક સંપ્રદાયો)સંસ્કૃતિની પ્રથા છે; આ પ્રથા જીસસના કહેવાતા જન્મની શદીઓ પહેલા પણ જોવા મળતી હતી.રોમ ના ખ્રિસ્તીકરણના વર્ષો પૂર્વે રોમનો ૨૫ ડિસેમ્બરના રોજ સ્થાનીય ધાર્મિક ઉજવણી કરતા હતા;જેનો હેતુ મિથરા(સૂર્યદેવ)ને પ્રસન્ન કરવાનો હતો.ડિસેમ્બરમાં બે શિયાળુ મૂર્તિપૂજક તહેવારો ઉજવાતા હતા-સેટરનીલિયા અને જિનેનિલિયા. જેમાં લોકો એકબીજાને ભેટસોગાદો અને શુભેચ્છાઓની આપ-લે કરતા હતા.(હાલમાં નાતાલના તહેવારમાં આ જ તો જોવા મળે છે.)

જયારે રોમન પ્રજાએ પોતાને ખ્રિસ્તી તરીકે સ્વીકારવાનું શરુ કર્યું ત્યારે નવા બનેલા ઈસાઈઓએ પોતાની પ્રાચીન પરંપરા ઉજવવાનું ચાલુ રાખ્યું હતું.બાદમાં પરંપરા અને ધર્મનું મિશ્રણ થયું.જે તહેવાર "SUN"ના જન્મ માટે ઉજવાતો હતો તે "SON"ના જન્મ માટે ઊજવવા લાગ્યો.એટલું જ નહિ સમકાલીન મૂર્તિપૂજકો શિયાળામાં બારમાસીના વૃક્ષને સજાવતા-પૂજા કરતા.(જેનો હેતુ એવો હતો કે પાનખરમાં પણ બારમાસીનું વૃક્ષ આશાનું કિરણ છે અને ઈશ્વરની કૃપાની સાબિતી આપે છે.)કેલ્ટ અને જર્મન પ્રજા પણ આ માસમાં વૃક્ષને અવનવા આકારો આપી શણગારતા.બાદમાં નાતાલમાં આ પ્રથાનો સમાવેશ કરવામાં આવ્યો.

હિન્દૂ ધર્મ પણ વિજયાદશમી અને દિવાળી આવા જ તહેવારો છે;જેનું મહત્વ ૧૬મી શદીમાં થયેલ તુલસીદાસના રામચરિતમાનસ બાદ અચાનક જોવા મળ્યું.ઉપરાંત,દશેરાની ઉજવણીમાં જે જલેબી આરોગાય છે તે મૂળે આરબ વાનગી છે!

પારકી સંસ્કૃતિઓનું સમય જતા જે ખ્રિસ્તીકરણ થયું છે તે વિચિત્ર છે.કારણ કે તે સંસ્કૃતિઓ પેગન હતી જયારે ઈસાઈ ધર્મ મૂર્તિપૂજા અને તે સંગત પ્રથાઓનો વિરોધ કરે છે.આખરે ધર્મે પોતાનું અસલિયતપણું(દંભીપણું) બતાવતા પારકી પ્રજાને ધાર્મિક ગુલામ બનાવવા પોતાના સિધ્ધાંતો સાથે સમાધાન કર્યું. (જો કે કેટલાક ચુસ્ત કેથલિક સંપ્રદાયો નાતાલની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકે છે.)

હાલમાં નાતાલ એક વૈશ્વિક તહેવાર તરીકે ઉજવાય છે અને ઘણો ખરો બિનસામ્રદાયિક બની રહ્યો છે.વળી, આ તહેવારનું સૌથી વધુ વ્યાપારીકરણ પણ થયું છે.દિવાળી પણ આ જ માર્ગે ધીમી પણ મક્કમ ગતિએ વધી રહી છે.

એથિએસ્ટ બ્લોગ: "ક્રિસ્મસ એ પેગાન હોલીડે" પરથી
ફોટોલાઇન:- "જેમને પણ ખ્રિસ્તી બનવું હોય તેમને તર્ક-બુદ્ધિ ની આંખો બહાર ફેંકી દેવી.બધા ખ્રિસ્તીઓમાંથી તર્કનો નાશ કરવો જોઈએ."-ઈસાઈ ધર્મશાસ્ત્રી "માર્ટિન લ્યુથર"


મેરી "મિથ"મસ

- રુશાંગ બોરીસા





No comments:

Post a Comment