May 18, 2017

સમાજમાં બેઠા હોય ત્યારે હોદ્દો ઘેર મુકીને જજો. : દિનેશ મકવાણા

નિરાશા, હતાશા - સમસ્યા અને ઉકેલ
By Dinesh Makwana
અજમેરમાં મારી બાજુમાં વર્મા સાહેબ રહે છે. એરટેલ કંપની માત્ર ટેલિફોનના સાધનો બનાવતી હતી ત્યારે તેમાં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં નોકરી શરુ કરી હતી. એરટેલ કંપનીની જેમ જેમ પ્રગતિ થઇ તેમ તેમ વર્મા સાહેબને પણ પ્રમોશન મળતું ગયું અને છેલ્લે ડેપ્યુટી જનરલ મેનેજર ના પદેથી નિવૃત થઇને અત્યારે ઘેર બેઠા બેઠા સમય પસાર કરે છે. બે દીકરીઓના મેરેજ કરવાના બાકી છે. વતનમાં જમીનનો વિવાદ ઉકેલવાનો બાકી છે. 

એક દિવસ બહુ દુખી થઇને મને બોલાવ્યો. તેઓ પોતાની વાત કરવા માંગતા હતા. જ્યારે અમે નોકરીમાં હતા ત્યારે ભલભલા ચમરબંધીઓને ખખડાવી નાંખતા. નકામા ઇગોમાં રાચે રાખતા. હવે બધુ ખતમ થઇ ગયું. કોઇ પુછતુ નથી. સોનેરી દિવસો જતા રહ્યા. આ ઘોર નિરાશામાં મને કેટલાય દિવસો સુધી ઉંઘ નથી આવતી. નોકરીમાંથી તો નિવૃત થઇ ગયો છુ પણ સામાજિક જવાબદારી હજુ બાકી છે આટલું કહેતા કહેતા તેમની આંખોમાં આ ઉંમરે પણ આંસુ આવી ગયા. 

આ લગભગ દરેક નિવૃત વ્યક્તિઓની સમસ્યા હોય છે થોડો વધારો ઘટાડો વ્યકિત પ્રમાણે થઇ શકે છે. ખાસ કરીને જેઓ સરકારમાંથી ઉચ્ચ પદ પરથી નિવૃત થયા તેમની હાલત કફોડી હોય છે જો તેમણે નિવૃતિના સમય સુધી પહેલા તો સામાજિક જવાબદારી પુરી કરી ના હોય . બીજું કે તમારા હોદાની રુએ મળતા માન મરતબા કે સુવિધાઓ હવે મળવાની નથી તેના માટે પોતાને માનસિક રીતે તૈયાર કરવાની હોય છે તે ખરેખર અઘરું છે. ખાસ કરીને જેઓ અઠવાડિયા ના સાતે દિવસ સતત વ્યસ્ત રહેતા હતા અને હવે કશુ જ કામ નથી તે પરિસ્થિતિ મા ઘણા બધા ( દરેક નહી) નિરાશા કે હતાશા ની ગર્તામાં ધકેલાઇ જાય છે અને તેથી તેમનુ સ્વાસ્થ્ય જલદી કથળે છે. વડીલ હોવા છતા કેટલીક વાર તેમની વાત ને ઘરમાં ગંભીરતાથી લેવામાં નથી આવતી. તેમને એક ખોટો અહેસાસ થતો રહે છે કે જાણી જોઇને કરતા રહે છે મારુ કોઇ ધ્યાન રાખતું નથી. તેથી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ વ્યકિત બાળક બનતી જાય.

હિરાભાઇ પરમાર મારા મિત્ર ONGC મા નોકરી કરે. અમે બધા નડીયાદથી લગભગ સાત મિત્રો સાથે અપડાઉન કરીયે. હુ ઉંમરમા સૌથી નાનો. સૌથી નજીકના મિત્ર અને મારી ઉંમરમા ૧૫ વર્ષનો તફાવત. દરેકને એક જ ચિંતા નિવૃત્તિ પછી શુ કરીશું.  હિરાભાઇની સ્થિતિ વધારે ખરાબ. રોજ સાંજે તેમની પત્ની સાથે ઝઘડો થાય. આખા ઘર માટે તેઓ માત્ર પૈસા કમાવાનું સાધન જ હતા. નિવૃતિના છ મહિનાની અંદર જ એક સવારે હદય રોગના હુમલાથી મૃત્યુ થયું. અને આ પ્રશ્ન મને વિચારતો કરી મુકે છે. 

મારી પત્ની કેટલીય વાર મને પ્રશ્ન પુછે છે નિવૃતિ પછી શુ કરશો. 

દરેકે નિવૃત થવાનું જ છે. શિક્ષકો, વકીલો કે ડોક્ટરો ધારે તો કોઇ પણ ઉંમરે કામ કરીને પોતાની જાતને વ્યસ્ત રાખી શકે છે પણ બાકીના લોકો માટે આ પ્રશ્ન વિકટ છે. 

દરેકને ખબર હોય છે હુ આ વર્ષમાં નિવૃત થવાનો છુ તો તે પછીના સમયની એવી કઇ પ્રવુતિ કરીશ કે જેમાં મને સૌથી વધુ આનંદ મળે અને તમે સમય પસાર કરી શકો તે વિશે તમારે આયોજન કરવું જરુરી છે.તે ખાસ યાદ રાખો તમને જે માન મરતબો મળતો હતો તે હવે મળવાનો નથી ત્યારે નિવૃતિના છેલ્લા વર્ષોમાં કેટલાક કામ જાતે કરતા શીખી લો અને તેની આદત પાડો. દરેક કામ હવે તમારે જાતે કરવાનું છે તેથી તે પ્રમાણે માનસિક તૈયાર થતા જાઓ. તમને જે પ્રવુતિ મા રસ હોય તેમાં સૌથી વધુ સમય પસાર કરો. 

નવી પેઢી પોતાના અલગ વિચારો લઇને આવતી હોય છે તેથી તેમની સાથે સતત તમારા જીવનકાળનુ ઉદાહરણ આપ્યા ના કરો. દરેકની ઉકેલ શોધવાની પોતાની પધ્ધતિ હોય છે. તેથી તમને માનભંગ થતા હોય તેવું લાગશે. તમારો અનુભવ જરુરથી કહે પરંતુ એવી અપેક્ષા ના રાખો કે તમે જે રીતે કહો તે રીતે જ થાય. 

કેટલાય વ્યકિત પોતાની નોકરીના કારણે સમાજની વચ્ચે રહી શકતા નથી તેથી તમારો થોડોક સમય સમાજ માટે પણ આપો. Pay back to the Society ની ભાવના સાથે કાર્ય કરો. પણ તમારે હોદો કદી વચ્ચે લાવશો નહી. સમાજમાં બેઠા હોય ત્યારે હોદો ઘેર મુકીને જજો. 

અમારા એક ઓળખીતા નિવૃત શિક્ષક સમાજની બેઠકમાં બેઠા હોય ત્યારે બીજા બધા બીડી પીવે પરંતુ આ શિક્ષક ખાસ આગ્રહ રાખે ભાઇ હુ તો સિગારેટ જ પીશ.

કેટલાક ને રાત્રે ઉંઘ નથી આવતી. તેના મુખ્ય કારણોમાં હુ નિવૃત થઇ ગયો છુ તેને માનસિક રુપે સ્વીકારી નથી શકતા અને બીજા તમારા પ્રશ્નો. જે આર્થિક કે સામાજિક હોઇ શકે. પણ માત્ર વિચારવાથી આ સમસ્યાનો ઉકેલ આવવાનો નથી તેથી રાત્રે સુવાના સમયે તમે તેના જ વિચાર કરો જે પ્રસંગે તમને સૌથી વધુ આનંદ થયો હોય. ખુશીના પ્રસંગો ને યાદ કરો. તમારા મિત્રો સાથે કે પત્ની સાથે જે સ્થળોએ ફરવા ગયા હોય તેને યાદ કરો. કહેવાનો ભાવાર્થ જે હકારાત્મક છે અથવા આનંદ આપે છે તેવા વિચારો કરો. તમને બહુ જલદીથી ઉંઘ આવી જશે તે સાઇકલોજિસ્ટોનુ કહેવું છે. માત્ર એક નકારાત્મક વિચાર તમારી ઉંઘ બરબાદ કરી દે તેથી આવી નકારાત્મકતા થી દુર જ રહો.

આ લખવું કે કહેવું સહેલું છે તે મને દરેક કહેશે પરંતુ તમારે આવી આદત કેળવવી પડશે. આપણે સમાજની વચ્ચે રહેલા જવાબદાર વ્યકિતઓ છે તેથી ટેન્શન થવાનું જ. ટેન્શન એટલે જવાબદારીઓનો અહેસાસ. આપણે જંગલમાં રહેતા નથી કે સાધુ નથી પણ માત્ર વિચારવાથી કોઇ સમસ્યાનો ઉકેલ આવતો નથી. દરેકનો સમય હોય છે. તમે બસ તમારા પ્રયત્ન કરતા રહો..

આમાં કેટલાક મિત્રો કશુ ઉમેરી શકે. આ એક સામાન્ય નિરિક્ષણ છે. આમાં લખેલી દરેક કોઇ વ્યક્તિને લાગુ પડે તે જરુરી નથી. તેથી કોઇએ બંધબેસતી પાઘડી પહેરી ના લે અને તટસ્થ રહે તે મારી વિનંતી છે.

-- દિનેશ મકવાણા






No comments:

Post a Comment