June 29, 2018

‘ઉના-દમન પીડિતોનુ બૌદ્ધ ધર્મપરિવર્તન’

By Raju Solanki  || 29 April 2018



બુદ્ધમ શરણમ ગચ્છામિ
આજે ઇટીવી પર ‘ઉના-દમન પીડિતોના બૌદ્ધ ધર્મપરિવર્તન’ પર લાઇવ ડીબેટમાં મેં ભાગ લીધો. સમયની મર્યાદા હતી એટલે ઝાઝુ કહી શક્યો નહીં, પરંતુ ધર્મ પરિવર્તન અંગે ગાંધીજીના આઘાતજનક, શરમજનક વિચારોમાંથી એક કણિકા ડીબેટમાં રજુ કરી.

બાબાસાહેબે ‘અસ્પૃશ્યતા અને અશ્પૃશ્યો પર નિબંધો: ધાર્મિક’ ગ્રંથના ચોથા પ્રકરણ ‘વટલાયેલાની પરિસ્થિતિ’ (Condition of the convert)માં ગાંધીજીના આ વિચારો નોંધ્યા છે. ગાંધીજી કહે છે, “તેઓ (હરીજનો) એક ગાય જેટલી પણ ગુણદોષની પરખ ધરાવતા નથી. હરીજનોને દિમાગ નથી, બુદ્ધિ નથી, ઇશ્વર અને અનિશ્વર વચ્ચેનો ભેદ પારખવાની સમજ નથી.”

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ધર્મ પરિવર્તનની વિરુદ્ધમાં છે અને તેઓ ગાંધીજીની વિચારધારાને અનુસરે છે. બાબાસાહેબે પાંચ લાખ અનુયાયીઓ સાથે 1956માં બૌદ્ધ ધર્મ પરિવર્તન કરીને ગાંધીજીના આ વિચારોનું ઐતિહાસિક ખંડન કર્યું હતું. બાબાસાહેબના પગલે પગલે ચાલી નીકળેલા ઉનાના બાલુભાઈ સરવૈયા, તેમના પરિવારજનો અને અન્ય દલિત બાંધવોને ખુબ ખુબ અભિનંદન. તમે પાડેલી કેડી પર દેશના તમામ પીડિતો આજે નહીં તો કાલે નીકળી પડશે એમાં લગીરે શંકા નથી.

રાજપુતો, દલિતો, ગાય અને ગોબર


By Raju Solanki  || 28 April 2018


આજે બપોરે એક જાણીતા ગુજરાતી દૈનિકની પોર્ટલમાં કામ કરતા મીડીયાકર્મીનો મારા પર ફોન આવેલો. તેમણે મને પૂછ્યું કે, “ફલાણા દલિત નેતા અને તેમના સાથીદારે રાજપુત સમાજની માફી માંગતો વીડીયો વાયરલ થયો એના અંગે તમારે શું કહેવાનું છે?”

મેં કહ્યું કે, “હું કોઈપણ દલિત નેતાએ સોશીયલ મીડીયામાં શું કહ્યું એનો ટ્રેક રેકોર્ડ રાખતો નથી. આવા તો ઘણા વીડીયો વાયરલ થાય છે. ક્યારેક તો લોકો પોતાની અનુકૂળતાએ ફેક વીડીયો ફોરવર્ડ કરતા હોય છે. આ તો બહુ મહાન વોટ્સપ યુનિવર્સિટી છે. રહી વાત રાજપુત સમાજની. તો મારે એટલું જ કહેવું છે કે ગામડામાં દલિતોને મારનારા દરબારો પણ અંગુઠાછાપ છે અને માર ખાનારા દલિતો પણ અભણ છે. ઉનામાં દલિતોને રંજાડનારા ગૌરક્ષકો માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા અને માર ખાનારા દલિતો પણ સાવ અભણ રહ્યા. એટલે મારનારા અને માર ખાનારા બધા ભણે ગણે, વૈજ્ઞાનિક થાય અને દેશનું ભલું કરે એવું આપણે તો ઇચ્છીએ. કમનસીબે ભાજપની રૂપાણી સરકાર શિક્ષણ પાછળ પૈસા ખર્ચતી નથી. ગાય અને ગોબરની ભક્તિમાંથી ઊંચી આવતી નથી.” મારી વાત સાંભળીને મીડીયાકર્મીએ ફોન મુકી દીધો. આગળ વાત કરવાની એમને કદાચ ઇચ્છા થઈ નહીં. મારી વાત એમને ક્વોટ કરવા જેવી લાગી નહીં.

દલિત પેંથર્સની રાજકીય સમજ અને આજનું દલિત આંદોલન

By Raju Solanki  || 24 April 2018



આજથી 42 વર્ષ પહેલાં 6 ડીસેમ્બર, 1975ના રોજ નારણ વોરાના તંત્રીપદે બહાર પડેલા ‘પેંથર’ માસિકના પ્રથમ અંકમાં ‘ફક્કડની ડાયરી’ પેંથર્સની રાજકીય પરિપક્વતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. “ગાંધીનગર સચિવાલયની ગેલેરીમાં ફરતા ફરતા ફક્કડને એક ઇન્ડીકેટી હરિજન આગેવાન મળી ગયા,” લેખના આ પ્રથમ વાક્યથી જ વાચકને ખ્યાલ આવી જાય છે કે ‘ફક્કડની ડાયરી’ લખનારનો મૂડ કેવો એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ છે. ફક્કડ પેલા ઇન્ડીકેટી હરિજન આગેવાનને પૂછે છે કે, “શું સમાચાર છે?” તો એ કહે છે, “સમાચાર તો શું હોય? સંસ્થા, જનસંઘ, ભાલોદ અને એસપીનો ખીચડો બિલકુલ નકામો છે.” સંસ્થા એટલે સંસ્થા કોંગ્રેસ, ભાલોદ એટલે ભારતીય લોકદળ, જનસંઘ એટલે ભાજપનો પૂર્વાવતાર અને એસપી એટલે સમાજવાદી પક્ષ. એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલની સંયુક્ત મોરચાની સરકાર હતી અને કેન્દ્રમાં ઇન્ડીકેટ એટલે કે ઇન્દિરા કોંગ્રેસ હતી.

આગળ ફક્કડ લખે છે, “અમારી વાતચીત ચાલતી હતી એટલામાં શાસક કોંગ્રેસના એક મોટા નેતા કડછાઓની ફોજ સાથે ત્યાંથી નીકળ્યા.” આ વાક્ય વાંચીએ તો એવું લાગે કે જાણે આ તો અત્યારની પરિસ્થિતિ ઉપર લખાયું છે. કડછાઓને આપણે અત્યારે ભક્તોના નામે ઓળખીએ છીએ, કોઈ ઝાઝો ફરક નથી. ફરક એટલો જ છે કે ત્યારે પેંથરો તમામ રાજકીય પક્ષોથી અલગ પોતાની પહેચાન બનાવી રહ્યા હતા. સીન્ડીકેટ હોય કે ઇન્ડીકેટ હોય, બધા સત્તાના લોલુપ રાજકારણીઓ છે એ સમજ પાક્કી હતી. સીન્ડીકેટનો વિરોધ કરતા કરતા ઇન્ડીકેટના ખોળામાં બેસી જવાનો તકવાદ પેંથરોમાં નહોતો.

વીતેલા સમયનો એક ઐતિહાસિક દસ્તાવેજ. આજની યુવા પેઢીની જાણ સારું. નારણ વોરા, રમેશચંદ્ર પરમાર કે વાલજીભાઈ પટેલની રાજકીય સમજ આજથી બેત્તાલીસ વર્ષ પહેલાં કેવી હતી એનો આ નમુનો છે. આજે એમના કરતાં પણ હોંશિયાર, વાચાળ, અંગ્રેજીના જાણકાર, મીડીયાના માનીતા લોકો દલિત આંદોલનમાં આવ્યા હશે, પરંતુ પેંથર્સ જેટલી નિષ્ઠા, પ્રતિબદ્ધતા એમનામાં છે કે કેમ એ એક મોટો સવાલ છે.



June 27, 2018

આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા મળે

By Raju Solanki  || 16 April 2018



ગુજરાતના આંબેડકરી આંદોલનના તેમ જ ભૂમિ આંદોલનના ઇતિહાસમાં નરોડા રોડ પર આવેલા અમદુપુરાનું ઔતિહાસિક મહત્વ છે. 1960ની 18મી ઓગસ્ટે બરોબર બપોરે 11 વાગે અમદુપુરાના ચોકમાં વાદળી ટોપીઓનું વાદળ છવાઈ ગયું હતું. રીપબ્લિકન પક્ષના હજારો કાર્યકરો હાથમાં વાદળી ઝંડા સાથે, માથે વાદળી ટોપીઓ પહેરીને, ઉઘાડા પગે ‘ડો. બાબાસાહેબ આઁબેડકર અમર રહો’, ‘નહીં રૂકેગા, નહીં રૂકેગા ભૂમિહીનોં કા મોર્ચા નહીં રૂકેગા’ જેવા નારાઓ સાથે તે વખતની ગુજરાત વિધાનસભા (હાલની સિવિલ હોસ્પિટલ)ને ઘેરો ઘાલવા નીકળી પડ્યા હતા.

ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનેય શરમાવે એવી તુમાખી ધરાવતા, તોછડા મુખ્યપ્રધાન કોંગ્રેસના જીવરાજ મહેતા હતા, જેમણે આ આંદોલનના એક મહિના પહેલા આવેદનપત્ર આપવા આવેલા રીપબ્લિકન પક્ષના પ્રતિનિધિમંડળ સામે બાબાસાહેબ વિષે અસભ્ય ઉચ્ચારણો કરેલા. પરીણામે વીફરેલા દલિતોએ ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય તેવું અભૂતપૂર્વ ભૂમિ આંદોલન કરેલું, હજારો લોકોએ કારાવાસ વેઠલો, ગામડાઓમાં દલિતોએ હજારો એકર સરકારી જમીનનો કબજો લઇને ખેતી કરવા માંડેલી, સરકાર ત્રાહિમામ પોકારી ગયેલી અને છેવટે સરકારને ગુજરાત ખેતી જમીન ટોચમર્યાદા કાયદો, 1961 ઘડવાની ફરજ પડેલી.

આવા ઐતિહાસિક અમદુપુરાના ચોકમાં આ 14મી એપ્રિલે આંબેડકરી યુવા સંગઠને બાબાસાહેબની 127મી જન્મજયંતીની શાનદાર ઉજવણી કરી. આંબેડકરી ચળવળના જુના જોગી જયંતી ઉસ્તાદનું જાહેર સન્માન કર્યું. જયંતી ઉસ્તાદ એટલે 1985માં ગાંધીનગરમાં નીકળેલી ચાર લાખની દલિત-આદિવાસીની રેલી ટાણે ગુજરાત વિધાનસભા પર વાદળી ઝંડો ફરકાવવા ચડેલો એક ઝુઝારુ યુવાન. રાજુ સોલંકીએ એ રેલીને યાદ કરીને જણાવ્યું કે તેઓ ત્યારે જયંતી ઉસ્તાદની સાથે હતા. હાલ એમના 65 વર્ષ થયા છે. પરંતુ હજુ એ જ મિજાજ સાથે સભાઓ સંબોધે છે. આવા જયંતી ઉસ્તાદનું સન્માન કરીને આંબેડકરી યુવા સંગઠને સરસ કામ કર્યું.

અમદુપુરામાં સભા થાય અને દલિત પેંથરના લડાકુ નેતા નારણ વોરાને યાદ કરવામાં ના આવે તો કેમ ચાલે? રાજુ સોલંકીએ પ્રવચનમાં નારણ વોરાને યાદ કર્યા અને કહ્યું કે આખી જિંદગી મીલમાં નોકરી કર્યા પછી નિવૃત્તિ ટાણે એ માણસને પીએફ અને ગ્રેજ્યુઇટી ના મળે, કેમ કે એણે દલિત આંદોલન પાછળ એટલી બધી રજાઓ પાડી હોય. આવા માણસના પરીવારને મદદ કરવા ‘નારણ વોરા સન્માન સમિતિ’ની રચના કરવામાં આવે. લોકોએ આ દરખાસ્તને તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલી અને સ્થાનિક આંબેડકરી યુવા સંગઠન હવે આ યોજના સૌના સહકારથી અમલમાં મુકશે.

અમદુપુરા નરોડા રોડનો એક અર્થમાં ગેટવે છે. અહીંથી શરૂ થતા નરોડા રોડ પર સહેજેય એક લાખ દલિતો વસે છે. અહીં શિક્ષણ માટે એક સેન્ટર શરૂ કરવામાં આવે તો સમગ્ર રોડ પર વસતા દલિતો જ નહીં દેવીપૂજક જેવી અન્ય પછાત જાતિઓ બાળકોને પણ એનો લાભ મળે, એવું સૂચન રાજુ સોલંકીએ કર્યું. ટૂંક સમયમાં આ સૂચનને પણ યોગ્ય રીતે અમલમાં મુકવા સૌ સક્રિય થશે. સભાના અંતે બાબાસાહેબના શિક્ષિત બનોના સૂત્રને સાકાર કરવા સૌએ શપથ લીધા. આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા આ એક કાર્યક્રમથી મળી ગઈ.

ભરત ડોડીયા અને એમની ટીમને જય ભીમ. નીલા સલામ.





કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?

By Raju Solanki  || 15 April 2018




રાજુ સોલંકી એનો સાક્ષી છે

આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ લખે છે, “For the first time in years, there were huge queues at Sarangpur to garland the statue of Babasaheb.” એટલે કે પ્રથમવાર સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાએ લાંબી લાઇનો લાગી હતી.

આમને બિચારાઓને ખબર જ નથી કે 1981 અને 1985ના મીડીયા-પ્રેરિત અનામતવિરોધી રમખાણો વખતે લાખો દલિતો અમદાવાદમાં સારંગપુર ખાતેની પ્રતિમાએ ઉમટી પડતા હતા અને મીડીયા એક લીટી છાપતું નહોતુ. ત્યારે ફેસબુક ન હતું અને માર્ક ઝુકરબર્ગ જન્મ્યો પણ ન હતો. પણ નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને બાબાસાહેબ પરત્વેનો ઉમળકો લગીરે ઓછો નહોતો. રાજુ સોલંકી એનો સાક્ષી છે.

મજાની વાત તો એ છે કે અત્યાર સુધી રમણ વોરા કે આર. એમ. પટેલ જેવા ભાજપના દલિત નેતાઓ પ્રતિમાએ આવતા અને જતા રહેતા, એમની કોઈ નોંધ લેવાતી નહોતી. તેઓ આવતા અને પોતાના કેટલાક ટેકેદારો સાથે બાબાસાહેબને ફુલહાર પહેરાવીને રવાના થઈ જતા હતા. આ વખતે જ કહેવાતા વિરોધને કારણે એમના તરફ સૌનું ધ્યાન ગયું છે અને મીડીયામાં એમના ફોટા પણ આવ્યા છે. કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?