July 04, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૧

By Raju Solanki




સંઘ પરિવારને બંધારણ કેમ ગમતું નથી?

બંધારણના મુસદ્દામાં હિન્દુત્વની ઝાંખી થતી નથી અને તે પાશ્ચાત્ય અસર નીચે ઘડાયું છે એવા આક્ષેપનું ખંડન કરતા ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું,

“બંધારણના મુસદ્દા સામે બીજી એક ટીકા એવી છે કે તેનો કોઈપણ ભાગ ભારતની પ્રાચીન સમાજવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતો નથી. એવું કહેવાય છે કે નવું બંધારણ રાજ્યના પ્રાચીન હિન્દુ મોડલ પર ઘડાવું જોઇતું હતું અને પાશ્ચાત્ય સિદ્ધાંતોને દાખલ કરવાના બદલે નવું બંધારણ ગામ પંચાયતો અને જિલ્લા પંચાયતો ઉપર રચાવું જોઇતું હતું. બીજા કેટલાક લોકોએ તો વધારે અંતિમવાદી વલણ લીધું છે. તેઓ કોઈપણ પ્રકારની કેન્દ્રીય કે પ્રાંતિક સરકારો જ ઇચ્છતા નથી. તેઓ તો ભારતમાં માત્ર ગ્રામ્ય સરકારો જ માંગે છે. ગ્રામીણ સમુદાયો માટે ભારતીય બૌદ્ધિકોનો પ્રેમ અલબત્ત દયાજનક નહીં તો પણ અનંત તો છે જ.” (હાસ્ય)

મેટકાફ નામના અંગ્રેજ વિદ્વાનને ટાંકીને બાબાસાહેબ કહે છે કે રાજા રજવાડા આવ્યા ને ગયા, ક્રાન્તિઓ થઈ, હિન્દુ, પઠાણ, મુઘલ, મરાઠા, શિખ, અંગરેજ એક પછી એક શાસક બન્યા, પણ, ગ્રામીણ સમુદાયોમાં કોઈ જ બદલાવ આવ્યો નહીં. પરતું, બાબાસાહેબ પૂછે છે કે એમાં અભિમાન લેવા જેવું શું છે? આ ગામડાઓ સદીઓ સુધી ટક્યા હશે. પરંતુ, માત્ર ટકી રહેવાનો કોઈ મતલબ નથી. સવાલ એ છે કે તેઓ કેવી રીતે ટક્યા. ચોક્કસપણે તેઓ અત્યંત અધમ અને સ્વાર્થી સ્તરે ટક્યા.
આટલું કહીને બાબાસાહેબ એક એવું વાક્ય ઉચ્ચારે છે, જે એમના સિવાય સમગ્ર બંધારણસભામાં કોઈની બોલવાની મગદૂર નહોતી. એ વાક્ય હતું,
“હું માનું છું કે ગ્રામીણ પ્રજાસત્તાકોએ ભારતની બરબાદી નોતરી છે. મને તેથી નવાઈ લાગે છે કે જે લોકો પ્રાંતિકતા અને કોમવાદનો વિરોધ કરે છે તે લોકો ગામડાના ચેમ્પીયન તરીકે આગળ આવે છે. સ્થાનિકવાદનું વૉશ બેઝિન, અજ્ઞાનતાનો અડ્ડો, સંકુચિતતા અને કોમવાદ સિવાય ગામડું બીજું છે શું? મને આનંદ છે કે બંધારણના મુસદ્દામાં એક એકમ તરીકે ગામડાને ફગાવી દેવામાં આવ્યું છે અને વ્યક્તિને સ્વીકારવામાં આવી છે.”
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44 )

- રાજુ સોલંકી

No comments:

Post a Comment