June 02, 2017

ધર્મના ઠેકેદારો ના મનગમતા ગ્રંથ મનુસ્મૃતિના ધાર્મિક નિયમો



સામાન્ય હિન્દૂ શાસ્ત્રો પ્રત્યે અતૂટ શ્રદ્ધા-માન ધરાવે છે.વળી ધર્મના ઠેકેદારો દ્વારા થતા એકતરફી પ્રચાર વડે બાળપણથી ધર્મગ્રંથોની મહાનતા વિષે બ્રેઇનવોશિંગ કરવામાં આવે છે.ગૃહિણીઓ નવરાશના સમયે ટીવી-સામયિક વગેરે માધ્યમો વડે ધર્મગ્રંથો-શાસ્ત્રોની મહાનતા-વિજ્ઞાન(?)-શુભાશુભ-ભક્તિ વગેરેન પ્રસારણને એક ભોળા શ્રોતાની જેમ જુએ છે.જો કે તે માધ્યમોમાં માત્ર એકતરફી પ્રચાર હોય લોકો ધર્મગ્રંથોની સચ્ચાઈથી અવગત નથી હોતા.

દુનિયાના સર્વપ્રથમ અને શ્રેષ્ઠ બંધારણની ઉપમા આપી હિન્દુવાદીઓ "મનુસ્મૃતિ"ની મહાનતાના ગુણગાન ગાય છે. જો કે હિન્દૂશાસ્ત્રોમાં પ્રસંસનીય એવા મનુસ્મૃતિમાં સ્ત્રીઓ વિષે કેવા ધાર્મિક નિયમો હતા તે વિષે:-

 ૐ2.212=સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે કે પહેલા પુરુષને ઉત્તેજિત કરે પછી દોષ પુરુષ ઉપર ઢોળી દે,એટલે જ પંડિતો સ્ત્રીઓ સાથે સાવધાનીથી અંતર રાખે છે.

 ૐ2.214=સ્ત્રીનો ગુણ છે કે પુરુષને ગુમરાહ કરવો,તે મૂર્ખને જ નહિ પણ સંયમી પુરુષ તેમજ પંડિતને લલચાવે છે,સ્ત્રી તેમને વાસનાયુક્ત કરી શકે છે.

 ૐ3.8=જે સ્ત્રી ભૂખરા વાળવાળી,વધારે અંગો વાળી(જેમ કે 6 આંગળી),રોગગ્રસ્ત,વાળ વગરની અથવા જેના શરીર ઉપર વધુ વાળ હોય તેમજ આંખો લાલ હોય તેની સાથે લગ્ન ના કરવા.

 ૐ3.9=જો સ્ત્રીનું નામ નક્ષત્ર,વૃક્ષ,નદી,શુદ્ર જ્ઞાતિ,પહાડ,પક્ષી,સાપ કે ગુલામી સંગત હોય તો તેની સાથે લગ્ન ના કરવા.

 ૐ3.240=ચાંડાલ,સુવર,કૂતરો,કૂકડો અને રજસ્વલા સ્ત્રીને બ્રાહ્મણે ભોજન કરતી વખતે દેખવા નહિ.

 ૐ4.41=રજસ્વલા સ્ત્રી નજીક રહેતા પુરુષની ઉમર,બળ,તેજ નષ્ટ થાય છે.

 ૐ4.43=બ્રાહ્મણે ભોજન કરતા સમયે પત્નીનું મુખ ના જોવું,તેનાથી દૂર રહેવું.પત્ની જયારે ભોજન કરે ત્યારે પણ તેનાથી દૂર રહેવું.

 ૐ4.217=જે સ્ત્રીનો આશિક હોય તેવું જાણતા છતાં,જે ઘરમાં સ્ત્રીનો હુકમ ચાલતો હોય અને એ ઘરમાં અસુધ્ધતાનો સુતકાળ ચાલુ હોય ત્યાં ભોજન ના કરવું.

 ૐ5.147=બાળકી,યુવતી અને વૃદ્ધાને સ્વતંત્ર કાર્ય કરવાનો અધિકાર નથી.

 ૐ5.148=સ્ત્રી બાળપણમાં પિતા,જુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્રને આધીન રહે,તે સ્વતંત્ર ના રહી શકે.

 ૐ5.153=પતિ ગુણહીન,શીલરહિત,અભણ,વ્યભિચારી હોય છતાં પણ પત્નીની પવિત્ર ફરજ છે કે પતિની આરાધના કરે.

 ૐ5.155=સ્ત્રી માટે અલગ યજ્ઞ,વ્રત કે ઉપવાસ નથી.ફક્ત પતિની સેવાથી તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે.

 ૐ5.157=પતિના મુર્ત્યું બાદ પત્ની શુદ્ધ ફળ,ફૂલ અને કંદમૂળ ઉપર નિર્ભર રહી શકે.પણ બીજા પુરુષનું(પુનઃલગ્ન) નામ પણ ના લેવું.

 ૐ4.205=જે યજ્ઞમાં આચાર્ય અવેદી હોય,યજ્ઞમાં સ્ત્રી કે નપુંસક ભાગ લે ,તેવા યજ્ઞમાં બ્રાહ્મણે ભોજન ના કરવું.

 ૐ8.299=પત્ની,પુત્ર,ગુલામ,શિષ્ય અને અનુજ કઈ ભૂલ/ગુનો કરે તો તેમને રસ્સી કે વાંસના દંડાથી ફટકારી શકાય.

 ૐ8.416=પત્ની,પુત્ર અને દાસની કોઈ મિલકત નથી,આ ત્રણેય જે કઈ કમાય છે તેના પર પોતાના સ્વામીનો હક છે.

 ૐ9.2=પતિએ પોતાની સ્ત્રીઓ પોતાને આધીન રાખવી,વિષયોમાં આશક્ત રહેતી સ્ત્રીઓને પતિએ સંપૂર્ણ વશમાં રાખવી.

 ૐ9.17=શૈયાસુખ,કામ/વાસના,ક્રોધ,અલંકાર,દ્રોહભાવ,કૂચર્યા,દ્રેષ વગેરે મનુએ સ્ત્રીઓ માટે બનાવ્યા છે.

 ૐ11.36/37=કન્યા,અભણ,બીમાર અને અસંસ્કારીએ યજ્ઞ ના કરવા, જો તેઓ યજ્ઞ કરે તો તેમની સાથે યજમાન પણ નરકમાં જશે.

 ૐ8.370=જો કોઈ સ્ત્રી(સજાતીય)કન્યાનું શીલ આંગળીથી ભેદે,તો તેનું માથું મુંડન કરાવી,બે આંગળી કાપી નાખીગધેડા ઉપર સવારી કરાવવી.

 ૐ8.371=જો સ્ત્રી પિયરના માન-અભિમાનમાં પતિ પ્રત્યેની ફરજ પુરી ના કરે તો રાજાએ તેને જાહેરમાં કુતરાઓના જૂંડની વચ્ચે નાખી દેવી.

 ૐ9.18=સ્ત્રીઓએ જાતકર્મ-નામકર્મ આદિ કર્મકાંડના મંત્રોનો જાપ ના કરવો,કારણ કે સ્ત્રી નીરિદ્રીય,અમન્ત્રા,જૂઠી હોય છે.

 ૐ9.59=જો સ્ત્રી સંતાનરહિત હોય તો સંતાનપ્રાપ્તિ હેતુ દેવર અથવા સાસરીપક્ષના પુરુષ સાથે સંભોગ કરે.

 ૐ9.78=જે સ્ત્રી પોતાના પ્રમાદી,પથભ્રષ્ટ,ઉન્માદી કે રોગી પતિની આજ્ઞાનું પાલનના કરે તો તેના વસ્ત્ર-આભૂષણો ઉતારીને 3 માસ સુધી ત્યાગ કરવો.

 ૐ9.81=જે સ્ત્રી 8 વર્ષ સુધી સંતાનરહિત હોય તેનો પતિ ત્યાગ કરી શકે,જો સ્ત્રીના સંતાન મરી જતા હોય તો 10 વર્ષ પછી ત્યાગ કરે અને જે સ્ત્રી માત્ર પુત્રીઓને જન્મ આપે તેનો 11 વર્ષે ત્યાગ કરે.

 ૐ9.94=30 વર્ષનો પુરુષ 12 વર્ષની કન્યા સાથે અને 24 વર્ષનો પુરુષ 8 વર્ષની કન્યા સાથે લગ્ન કરે,કારણ કે લગ્નમાં વિલંબ થતા ધર્મ પીડિત થાય છે.

ધર્મ તમારી પ્રગતિના માર્ગે એક મોટો અવરોધ છે.ધર્મ બહુરૂપી હોય તમારે તેને ઓળખવાની જરૂર છે.એવું પણ નથી કે માત્ર ધર્મથી મુક્ત થતા લૈંગિક સમાનતા સ્થપાશે,પણ આ એક અનિવાર્ય પગલું છે જેના વિના અન્ય પ્રયત્નો વ્યર્થ છે.
- રુશાંગ બોરીસા
































No comments:

Post a Comment