By Rushang Borisa || 16 January 2018
વિચિત્રતા, દંભ અને હકીકત
ઇતિહાસ અને વર્તમાન વચ્ચે કાયમ સુરેખ સંબંધો રહ્યા છે.કહેવાતો પરિવર્તનશીલ આજનો આધુનિકકાળ દેખાવે તો આપણી આંખો અંજાવી નાખે ;પણ સ્થાપિત હિતો પહેલા પણ દીર્ઘસ્થાયી હતા અને અત્યારે પણ છે.
જો આપણે ઇતિહાસ અને વર્તમાન નું નિરીક્ષણ કરીયે તો આપણને કેટલીક વિચિત્ર બાબતો જાણવા મળે. પણ તે પાછળ કેવા પરિબળો હશે તેવું ઊંડું વિચારતા આપણે આળસ કરીયે છીએ. આખરે આપણે ઇરાદાપૂર્વક અજાણતા બની લોકશાહી અને ભાવિ પેઢીને શોષણના દ્વારે લાવી મુકીયે છીએ.
- શું તમને અજુગતું નથી લાગતું કે જે કોંગ્રેસનો આંબેડકરે આખરી પળ સુધી સામનો કર્યો- વિરોધ કર્યો તે કોંગ્રેસ આંબેડકરના આજે ગુણગાન ગાય છે?!!! જે વિચારસરણી અને હિન્દૂ રાષ્ટ્રનો આંબેડકરે ઊંડાણપૂર્વક-વિશ્લેષણાત્મક રીતે કટ્ટર વિરોધ કર્યો તે જ આંબેડકરને RSS - ભાજપ પોસ્ટરમેન બનાવી રહ્યા છે?!!!
- શું આ વિચિત્ર નથી કે શિવાજીએ પોતાનું કેન્દ્રસ્થાન શ્રમિકો અને ખેડૂતોના હિત રાખ્યું હતું ; પરધર્મને સ્વધર્મ સમાન માન આપ્યું હતું તે જ શિવાજીનો આજે કેટલાક ભગવા તત્વો “મુસલમાનવિરોધી” અને “ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક” તરીકે પ્રચાર કરી રહ્યા છે?!!!
- શું તમે સ્વીકારી શકો કે જે કબીર નીડરતાથી ધર્મ-પાખંડ અને રિવાજો ઉપર પ્રહાર કરતા હતા તેમને આજે કેટલાક તત્વો ધાર્મિક સંત બનાવવા પેતરા આજમાવી રહ્યા છે?
- શું આ અપવાદ હશે કે બ્રાહ્મણગ્રંથોમાં વિષ્ણુના લગભગ દરેક અવતાર ઉપર પુરાણો રચાયા ,પણ તે જ બ્રાહ્મણગ્રંથો "બુદ્ધ-પુરાણ" લખવાનું કેમના ભૂલ્યા હશે? જે બુદ્ધે સમકાલીન સમયે પ્રતિવિચારસરણીનો પાયો નાખ્યો તે જ બુદ્ધ ને સમતલ નજરે ચીતરવા આવે છે તે કેટલું ન્યાયી હશે??
આવા અગણિત સવાલો-કોયડાઓ હશે જે ઇતિહાસના દરિયામાં ડૂબી ગયા હશે.
પણ આવું કેમ થતું હશે? ક્યાં પરિબળો આ વિરોધાભાસ માટે નિમિત્ત બનતા હશે?
આ કોયડાનો ચોક્કસાઈથી જવાબ ગોવિંદ પાનસરે તેમની રચનાના એક ભાગમાં આપવાનો પ્રયાસ કર્યો હતો. (ગોવિંદ પાનસરે જાણીતા બૌદ્ધિક-ફ્રી થીન્કર હતા, જેમની ૨૦૧૫માં હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળ પ્રાથમિક ધોરણે કટ્ટર ભગવાધારીઓ નો હાથ છે તેવું તારણ આપવામાં આવે છે.)
ચાલો જાણીયે ગોવિંદ પાનસરે શું કહે છે...
" મહાન નાયકો વારંવારં દુર્ભાગ્યનો ભોગ બનતા આવ્યા છે.જયારે આ મહાન નાયકો જીવતા હોય છે, ત્યારે સત્તાપક્ષો તેમને દબાવે છે, તેમના માર્ગમાં બાધાઓ લાવે છે.સત્તાબળોતેમના સિદ્ધાંતોનો વિરોધ કરે છે; નાયકોએ જે જવાબદારીભર્યું સાહસિક-કામ ઉપાડ્યું હોય તેમાં અવરોધ પેદા કરે છે.એટલું જ નહીં સત્તાબળો ક્યારેક તેમને મારી નાખવાના પણ પ્રયાસો કરે છે અને તેમના કાર્યોનો સત્યાનાશ કરી નાખે છે.પણ કમનસીબે આ સ્થાપિત હિતો નાયકોની મહાનતાને નષ્ટ કરવામાં સફળ થતા નથી.કારણ કે સામાન્ય લોકો નાયકોના સાહસને વધાવે છે એટલુંજ નહીં તેમના મોત બાદ તેમના વિચારોને અપનાવી લે છે.લોકો તેમનું અનુકરણ પણ કરે છે.જે તત્વો નાયકોનો વિરોધ કરતા આવ્યા હતા તેઓ તેમના મોત બાદ ચબરાકી રમત રમતા હોય છે. તેઓ પોતે જ આ નાયકોના અતિઉત્સાહી અનુયાયી બની જાય છે! તેઓ નાયકની પૂજા કરવા લાગે છે, નાયકની જયંતિઓ મનાવે છે, મંદિરો બનાવે છે અને તેમના ફોટા-ચિત્રો ચોંટાડે છે. જયારે આ તત્વો આ કાર્યોમાં વ્યસ્ત હોય છે ત્યારે ખરેખર તો તેઓ ઊંડી રમત રમી રહ્યા હોય છે. લોકકલ્યાણના જે લક્ષ્યો નાયકોએ સેવ્યા હતા તેને આવી તરકીબો વડે તેઓ વિકૃત બનાવે છે ; નાયકોના અસલી ઇતિહાસને ભૂંસવા માટે તેઓ સતત કઠિન પ્રયાસો કરે છે.નાયકો જે અન્યાયી સજ્જડ વ્યવસ્થાને ઉખેડવા મહેનત કરતા હતા તે હકીકતથી જ નવી પેઢી અજાણ રહે તે માટે પૂરતી કાળજી આ તત્વો લે છે. આ તત્વો પૂરતો ખ્યાલ રાખે છે કે જે સ્થાપિત હિતો વિરુદ્ધ નાયકોએ પ્રતિકાર-બળવાની શીખ આપી હતી તે શિખામણ શોષિત વર્ગ સુધી પહોંચે નહીં. આ તત્વો લોકોને છેતરી ને ખોટો ઇતિહાસ લખે છે. લોકોને જૂઠી કથાઓ ભણાવે છે.તેઓ મિશ્રિત-છહ્મ ઇતિહાસ લખે છે જે થોડોક સાચો અને બહોળો ખોટો હોય છે. રૂઢિવાદી તત્વો પોતાનું પરંપરાગત સ્થાન મજબૂત કરવા આવી હલકી રમતો વડે નાયકોની "એન્ટી-એસ્ટાબ્લીશ" વિચારધારાને જ વાપરી ખાય છે. કપટી તત્વો સમાજના નેતાનો ડગલો પહેરે છે; લોકો જેને પૂજે છે તેની તસવીરો અને નિશાનીઓ વાપરે છે.પોતાના સ્વાર્થ હેતુ નાયકોની નિશાનીઓ વિકૃત કરે છે અને આખરે નાયક ના મૂળવિચારોને જ વિકૃત કરે છે. આ સ્થાપિત તત્વો ઘણા ચાલાક હોય છે. સમાજના ઉપલા વર્ગો, ધનવાનો અને દબંગવર્ગો જ આ ચાલાક તત્વો છે."
ગોવિંદ પાનસરે આગળ સંત તુકારામના ઉદાહરણ વડે આ મુદ્દો સમજ્વ્યો હતો.
આજની પેઢીએ; ખાસ કરીને ભારત જેવા સાપેક્ષ પછાત દેશમાં નાગરિકોનું શોષણ ના થાય કે નાગરિકો હકોનું ઉલ્લંઘન ના થાય તે માટે સ્થાપિત તત્વોની હકીકતો અને કાવાદાવાઓ છતા કરવા રહ્યા. ન્યાયના શત્રુઓ અને શોષણકર્તા સ્થાપિત હિતો ચાહે કેટલીય ગંદી-હલકી- ઊંડી રમતો રમે ;છતા લોકજુવાળ અને લોકજાગૃકતાનો ડર હંમેશા તેમના સ્થાપિત હિતોમાં જ ગૂંથાયેલો હોય છે.
માટે જ તેઓ જાગૃત લોકશાહીથી ગૂંગળામણ અનુભવી ભાગલાવાદી પ્રવૃર્તીઓ કરે છે. જયારે હકીકતે જે લોકો ક્રાંતિકારો-સુધારકોના માર્ગે ચાલે છે તેને રાજકીય-પ્રચાર-બળવંત સાધનો વડે સ્થાપિત-હિતો દેશદ્રોહી-સમાજદ્રોહી તરીકે ચીતરે છે. સ્થાપિત-હિતોને સમયનો એક એવો મજબૂત-અતૂટ ફાયદો રહ્યો છે જેના ઉપયોગ વડે તેઓ બહોળા વર્ગને ભ્રમિત કરી શકે છે.
પોતાના ભૂતપૂર્વ વિરોધી-વિદ્રોહીઓનો સ્થાપિત-હિતો સામ અને ભેદની નીતિ વડે ઉપયોગ કરી સુધારકોના સ્વપનાને જ વિકૃત કેવી રીતે અને કેમ કરવામાં આવે છે તે હવે સમજી શકાય છે હવે.
ફોટો: ઘણા સભ્યો સવાલ પૂછતાં હોય છે કે શા માટે બૌધિકો-વૈચારિકો પોતાના ઉમદા કાર્યોમાં સફળ થતા નથી? આંબેડકરે તેનો જવાબ આપ્યો હતો તે જવાબનો એક હિસ્સો.
No comments:
Post a Comment