June 01, 2017

કાળો કે દલિત કોમરેડ ક્રાંતિ પૂર્વે અને ક્રાંતિ પછી પણ ‘કાળો’ કે ‘દલિત’ જ રહે છે : નિરવ પટેલ

તમે જાણો જ છો કે દેશમાં અને વિશ્વમાં કોમ્યુનીઝમનાં વિવિધ સંશોધિત વર્ઝન પ્રચલિત છે : કોઈ માર્કસને નામે, કોઈ ટ્રોટસ્કીને નામે, કોઈ લેનીનને નામે , કોઈ સ્તાલીનને નામે, કોઈ માઓને નામે, કોઈ મઝુમદારને નામે, કોઈ સાન્યાલને નામે, કોઈ મિશ્રાને નામે, કોઈ XYZને નામે પોતપોતાનાં આગવાં વર્ઝન લોકોમાં વહેતા કરે છે.

આ ટીપીકલ બ્રાહ્મણી સ્ટાઈલ છે : જેમ સમયે સમયે તેઓ તેમના વડવાઓએ રચેલાં શાસ્ત્રોમાં ક્ષેપકો ઘૂસાડીને કે શ્લોકોને નાબૂદ કરીને કે શબ્દોમાં ફેરફાર કરીને પોતાના સમકાલીન સમયના પડકારોને પહોંચી વળવાના પ્રયત્નો કરતા રહે છે.

કોમ્યુનીસ્ટો જે તે દેશની કેડરને માફક આવે તેવું વર્ઝન લોન્ચ કરી શકે છે. તમે પણ તમારી જરૂરિયાત મુજબનું CPI (KT) નામે કોમ્યુનીઝમનું એક ઓર વર્ઝન વહેતું મૂકી શકો છો જેના મેનીફેસ્ટોમાં લખ્યું હોય કે ‘કેપીટાલીઝમ અને ફ્યુડાલીઝમ‘ એક સાથે હોય તેવા ભારત સહિતના તમામ દેશોમાં અમે કોમ્યુનીઝમ લાવી શકીએ તેમ છીએ.

પણ એ તો કહો તમારે કોમ્યુનીઝમ શાને માટે જોઈએ છે ? દલિતો-શોષિતો-પીડિતો-ઉપેક્ષિતો-વંચિતોના કલ્યાણ માટે ને ? યાદ રહે, અમારો એટલે કે દલિતોનો મૂળભૂત પ્રશ્ન આર્થિક શોષણ કે ગરીબીનો નથી, અમારો પ્રશ્ન માનવ તરીકેની સ્વીકૃતિ પ્રાપ્ત કરવાનો છે, માનવ તરીકેની ગરિમા પ્રાપ્ત કરવાનો છે, માનવ તરીકેની અસ્મિતા પ્રાપ્ત કરવાનો છે, માનવ માત્રને મળવા પાત્ર માનવઅધિકાર પ્રાપ્ત કરવાનો છે જેમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા સહજ સામેલ હોય.

તો તો તમને પણ થોડાક યુવા દલિત, થોડાક આદિવાસી, થોડાક મુસ્લિમ વગેરે પીડિત સમૂહોના નવલોહિયા ચેલકાઓ કેડર રૂપે મળી રહેશે. પછી એનું એક ટ્રેડ યુનિયન બનાવજો, લવાજમ ઉઘરાવજો, હડતાલ પડાવજો, અંતે મિલ કે કારખાનાના માલિક સાથે સમાધાન કરી બે-પાંચ રૂપિયા રોજીવધારો કરી આપજો, વખતે ચૂટણીમાં પણ ઝુકાવાજો, કે વખતે નક્સલ બની ખાણમાફિયાની ખંડણી વસૂલજો, પ્રસંગોપાત ‘ઇન્કિલાબ ઝીન્દાબાદ’ ની સ્લોગનબાજી-લીપ સર્વિસ પણ કર્યા કરજો.

સૌનાં વર્ઝન ચાલે છે તેમ તમારા કોમ્યુનીઝમનું વર્ઝન પણ ચાલશે. કારણ કે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો વગેરેને તો માર્કસના મૂળ સિદ્ધાંતનું જ ઘેલું છે : એમને તો માર્ક્સ પર ભગવાન જેટલો ભરોસો છે. (ઇન્સીડેંટલ્લી, હું પણ મારી મુગ્ધાવસ્થામાં યીશુના વાક્ય ‘ ઓ ભારથી લદાયેલાઓ, તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ.’ થી લલચાઈને ખ્રિસ્તી થઇ જવા વિચારતો હતો !) એ તો એટલું જ જાણે છે કે માર્ક્સીઝમ એટલે શોષણવિહીન, સમાનતાવાદી, ન્યાયી સમાજરચનાનો એક માત્ર અકસીર ઈલાજ.

એમને બિચારાને ક્યાં ખબર છે કે માર્ક્સીઝમનો અર્થ નાગરિક સ્વતંત્રતાઓની નાબૂદી, લોહીયાળ સરમુખત્યારશાહી અને કેદખાના જેવી શ્રમછાવણીઓ પણ થઇ શકે છે ! એમને ક્યા ખબર છે કે કાળો કે દલિત કોમરેડ ક્રાંતિ પૂર્વે અને ક્રાંતિ પછી પણ ‘કાળો’ કે ‘દલિત’ જ રહે છે ? એમણે ક્યાં ‘વન ડે ઇન ધ લાઈફ ઓફ ઇવાન ડેનીસોવીચ’ કે ‘એનીમલ ફાર્મ’ કે ‘બ્લેક બોલ્શેવિક’ વાંચ્યા છે કે તેઓ જાણી શકે રોટી-કપડાં-મકાનની લાલચમાં તેમણે તો ‘જીવન અને જીવનનો આનંદ’ એમ બેઉ ગુમાવવાનાં છે ?

આમ તો જેમ તમારે ત્યાં હશે તેમ મારે ત્યાં પણ માર્ક્સ-લેનિન-એન્ગલ્સ ઉપરાંત અનેક સામ્યવાદી લેખકો-વિચારકોના ઘણાં પુસ્તકો છે, અને જેમ તમે ટાંકો છો તેમ, એ બધામાંથી એટ રેન્ડમ માત્ર થોડાકમાંથી પણ અવતરણો અહી મારા પ્રત્યુત્તરના સપોર્ટમાં ઉતારું તો પણ એ FBના જનરલ વાચક માટે ક્લિષ્ટ, કંટાળાજનક,
બોઝિલ બબડાટ બની શકે છે.

હું હાલ પૂરતું તેમ નહિ કરું.

પણ તમે એક સ્વયં-ઘોષિત ‘રેશનાલીસ્ટ’ છો, ‘હ્યુમેનીસ્ટ’ છો. એટલે કોઈ પણ વાદ કે થિયરી કે એની પ્રેક્ટીસને, પછી તે ગમે તેટલી લોકપ્રિય કેમ ન લાગતી હોય, આ બે દૃષ્ટિકોણથી ચકાસ્યા સિવાય તો ન જ સ્વીકારો એવી મને સહજ અપેક્ષા રહે છે.

મને પૂછવાનું મન થાય છે કે સામ્યવાદી પ્રયોગની સાર્વત્રિક ઘોર નિષ્ફળતા પછી પણ તમે માની શકો છો કે માનવજીવન સાથે ખિલવાડ કરવાની એને ઓર તકો મળવી જોઈએ ? ક્રાંતિ પૂર્વેની તૈયારી માટે અને ક્રાંતિ પછીના સરમુખત્યારી અમલીકરણ માટે કેટલી સદીઓ અને કેટલા જીવતરના બલિદાન કરવાની મંજૂરી તમને મળવી જોઈએ ? અને એ પછી પણ એ યુટોપિયન સ્વર્ગ તમે આ ધરતી પર ન ઉતારી શકે તો એ પ્રયોગોથી સર્જાયેલી અનેક પેઢીઓની તોતિંગ તારાજીને ભરપાઈ કરવાની જવાબદારી કોણ લેશે ? માર્ક્સ કે તમારા જેવા વિધવિધ વર્ઝન લોન્ચ કરતા માર્ક્સીસ્ટો ? હિટલરને એના પ્રયોગ માટે જવાબદાર ઠેરવી શકાય તો સ્તાલીનને કેમ નહિ ? મારે ફરીથી દોહારાવવું પડે છે કે ‘રેશનલ’ અને ‘હ્યુમેનીસ્ટ’ એવા બેઉ એન્ગલથી ચકાસ્યા સિવાયના, બેજવાબદાર નેતાગીરી દ્વારા જનતાને માથે લદાતા આંદોલનો-ક્રાંતિઓને રુક જાવ કહેવાનો સમય પાકી ગયો છે.

મારી પોસ્ટ સવિશેષ તો દલિતો સંદર્ભે માર્ક્સવાદ અંગે હતી : શું તમે ખરેખર જ માનો છો કે દલિત સમસ્યા અને રંગભેદની સમસ્યા માર્કસના ચિંતન પ્રમાણેની ક્રાંતિથી ઉકેલાઈ જશે ? એ માટે ક્રાંતિ પહેલાં કેટલી સદીઓ અને કેટલા બલિદાનોની જરૂર પડશે તમારે ? એ માટે ક્રાંતિ પછીના અમલીકરણમાં કેટલી સદીઓ અને કેટલા બલિદાનોની જરૂર પડશે ?

અમે દલિતો એ તારાજીનો તાળો મેળવીને નક્કી તો કરી શકીએ કે અમારી વિશિષ્ટ સમસ્યાના ઉકેલ માટે માર્ક્સવાદ ઠીક રહેશે કે બંધારણીય લોકશાહી ?
- નિરવ પટેલ
(Some Words Omitted from Actual Post by Editor of the post to prevent unnecessary Accusation, sorry to the writer)
Edited By Vishal Sonara



Original Facebook Post :-

No comments:

Post a Comment