June 01, 2017

દલિત અને સામ્યવાદ : ઉછીઉધારનાં કે માગીભીખીને પહેરેલાં લૂગડાં કદીય પરફેક્ટ ફીટ થતા નથી હોતાં

એક સામ્યવાદી દલિત મીત્ર ના રિજોઇન્ડરના જવાબમાં ભાગ : ૧
*
‘માર્કસના અર્ધદગ્ધ દલિત ચેલકાઓ માટે આંબેડકરી પાઠમાળા’ શિર્ષક હેઠળની મારી પોસ્ટ પર મારા સન્માનનીય સામ્યવાદી મિત્રો ની કોમેન્ટસ આવતાં મારે પ્રત્યુત્તર રૂપે એક આખી પોસ્ટ લખવાનું જરૂરી બન્યું હતું. એ સિલસિલામાં, એક દલીત કમ્યુનીસ્ટ મિત્રે દીર્ઘ રીજોઇન્ડર FB પર પોસ્ટ કર્યું છે. આમેય મેં તો આખી લેખમાળા ચલાવવાનું જ નક્કી કર્યું હતું, તેમાં એ મિત્ર એ આ રીતે ઓર પ્રોત્સાહન પૂરું પાડ્યું. એમણે અનેક મુદ્દાઓ ઉભા કર્યા છે, હું એક પછી એક પર પોસ્ટથી જવાબ વાળીશ. મારી ભાષા થોડી આકરી છે, હું આશા રાખું છું કે માર્ક્સ, માઓ કે મજુમદાર કે મિશ્રા કે જે પણ હોય, તેમના ભગવાન તેમને એને ખમી ખાવાની શક્તિ આપે.
એમણે ક્રાંતિના પોસ્ટરબોય ગણાતા ચે ગ્વેવેરાના અવતરણથી આરંભ કર્યો છે, ત્યારે મારે માટે પણ એ યોગ્ય રહેશે કે હું પણ એ ચે ગ્વેવેરાના બે ટૂંકા અવતરણથી જ મારી વાત માંડુ. આઈ. લાવ્રેત્સ્કી લિખિત જીવન ચરિત્ર ‘અર્નેસ્ટો ચે ગ્વેવેરા’માં એ આવે છે :
૧. ક્યુબન રેવોલ્યુશનની સફળતા પછી ચેને એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે તમને તમારું નવું નામ ગમે છે? ચેનો જવાબ હતો : ‘ મારા માટે ‘ચે’ સૌથી મહત્વનું અને મૂલ્યવાન છે, એથી વધારે બીજું કઈ જ નહિ. મારે માટે મારું માબાપ દીધું નામ એટલે કે અર્નેસ્ટો અને મારી અટક એટલે કે ગ્વેવેરા તો ક્ષુદ્ર, અંગત અને તદ્દન મહત્વહીન ચીજ છે.’
૨. ચે પોતાના ગોત્રને કદી મહત્વ આપતા નહોતા. સિનોરા મારિયા રોઝારિઓ ગ્વેવેરા નામની એક છોકરીને પત્ર લખીને જવાબ વાળતાં તેઓ લખે છે : ‘કોમરેડ, હું નથી માનતો કે તમારી ને મારી અટક ‘ગ્વેવેરા’ હોવા માત્રના અકસ્માતથી જ હું તમને મારા સંબંધી માની લઉં. પણ તમે જો આ દુનિયામાં આચરવામાં આવતા એકે એક અન્યાય સામે આગબબૂલા થઇ મારી જેમ કાંપતા હો તો તમે નિશ્ચિત મારા કોમરેડ છો, આપણા ગોત્રગત-જ્ઞાતિગત સગપણ કરતા મારે મન એ વધારે અગત્યનું છે.‘
માર્ક્સ-માઓ-ચે જેવા ક્રાંતિકારીઓને ટાંકતા પહેલાં એમના ભારતીય અર્ધદગ્ધ ચેલકા કોમ્યુનીસ્ટોને મારે એ પૂછવું છે કે તમે ચેની જેમ પોતાની જ્ઞાતિનું ગૌરવ-અભિમાન-બડપ્પન છોડીને decaste, એટલે કે જ્ઞાતિહીન-ગોત્રહીન થયા છો ખરા? શું હજુ તમે તમારા સામાજિક સંબંધો તમારી જ્ઞાતિ એટલે કે બ્રાહ્મણ, વાણિયા, પટેલ, ચમાર, વણકરને ફગાવીને વર્ગીય બિરાદરીના ધોરણે કરતા થયા છો ખરા ? (ઇન્સીડેન્ટલ્લી, હિંદુ ધર્મને અફીણ માન્યા પછીય અન્ય ધર્મમાં ધર્માંતરિત થયેલા દલિત બૌદ્ધો અને દલિત ખ્રિસ્તીઓ લગ્ન જેવા સામાજિક સંબંધો તો હજીય પોતાની જ હિંદુ ધર્મીય જ્ઞાતિમાં જ કરે છે, એટલી બધી તો હિંદુ ધર્મની જ્ઞાતિવ્યવસ્થા એમને વહાલી હોય છે!)
પોતાને અલ્ટ્રા-રેડ કોમરેડ કે કટ્ટર રેશનાલીસ્ટ-એથિસ્ટ માનતાઓની ઉચ્ચ વર્ણીય-ઉચ્ચ જ્ઞાતિય માનસિકતા એમના જીવનમાં-વર્તનમાં બરકરાર જોવા મળે છે. સાચી વર્ગ બિરાદરીના બદલે તેઓ વખતો વખત કોમવાદ-જ્ઞાતિવાદ-બિનસાંપ્રદાયિકતાની લીપ-સર્વિસ તો જરૂર કર્યા કરે છે. તેઓ અગાઉ કહ્યું તેમ અન્ય ધર્મો કે અન્ય દલિત-પછાત જ્ઞાતિઓથી લગ્ન સંબંધો વગેરેમાં જેમ સલામત અંતરે પોતાના સવર્ણવાડાઓમાં જ રહેવાનું વસવાટ કરવાનું જ પસંદ કરે છે. તેઓ પોતાનાન સવર્ણ જ્ઞાતિભાઈઓ સાથે મોંઘીદાટ સોસાયટી કે ફ્લેટમાં રહેવાનું જ પસંદ કરે છે, પણ એટલી જ સુવિધાવાળા અને ચ્જ્હ્તા કિમતમાં સસ્તા દલિત વિસ્તારો-મુસ્લિમ વિસ્તારો-શ્રમજીવીઓના વિસ્તારોની સોસાયટી કે ફ્લેટમાં રહેવું પસંદ નથી કરતા !
છતાં ‘ક્રીમી લેયર’ કે ‘દલિત એલીટ’ કે ’મુસ્લિમ એલીટ’ની ગાળ તેઓ દલિતો-લઘુમતીઓ-અન્ય પછાતોમાંથી બે-પાંદડે થયેલાઓને આપે છે ! દલિતો-મુસ્લિમો-પછાતો માટે થીંક-ટેંક સમા, એમના આંદોલનોના ટેકામાં નાના-મોટા આર્થિક રિસોર્સ સમા આ મુઠ્ઠીભર સાધન-સંપન્ન દલિતો-મુસ્લિમો-અન્ય પછાતો તેમનાથી ખમાતા નથી. એમને તો વગર વિચાર્યે કોમ્યુનિસ્ટકંઠી બાંધીને ચેલકાઓ બની બલિદાનો માટે ખડે પગે રહે તેવા દલિતો-મુસલમાનો-અન્ય પછાતો જોઈએ છે !
કોમ્યુનિસ્ટ-એથીસ્ટ-રેશાનાલિસ્ટ એવા મારા એક મિત્ર ના અસ્સલ બ્રાહ્મણીયા દોગલાપનનું એક તાજું દૃષ્ટાંત આપું : સાહિત્ય અને કલાઓને પ્રોત્સાહનના આશયે એક હિંદુ ધર્મનો બાવો ‘અસ્મિતા પર્વ’નું આયોજન કરે છે જેને આ ભાઈ  ખૂબ ભાંડે છે, પણ પોતે સ્થાપેલી લેખકોની સંસ્થાને મફતમાં ઓફિસની જગા મળતી હોય, ઓફીસ ફર્નીચર મફતમાં વાપરવા મળતું હોય તો ખ્રિસ્તી બાવાની ઓફિસમાં કશી અસુવિધા કે ટીકા ટીપ્પણી વગર ઉપાયોગ કરી શકે છે ! આ કેવો સગવડીયો નાસ્તીક્વાદ ! હિંદુ બાવો તે વહેમ-અંધશ્રદ્ધાનું ઘર, ખ્રિસ્તી બાવો તે પ્રગતિશીલતા અને ક્રાન્તીકારીનું ઘર ! હિંદુ બાવો સાંપ્રદાયિક અને ખ્રિસ્તી બાવો બિન-સાંપ્રદાયિક? આવાં દોગલાપનથી જ તેમને ક્યારેક સ્યુડો-સેક્યુલરની ગાળ સાંભળવી પડે છે.
ક્રાંતિ માટે થનગની રહેલા અર્ધદગ્ધ કોમરેડોને હું કહું છું કે તમારે ક્રાંતિની પૂર્વતૈયારી રૂપે સૌથી પહેલા તો તમારી જાતને આવી અનેક બાબતે educate કરવાની જરૂર છે, પછી આખા સમાજને educate કરવાની જરૂર છે, ‘કાસ્ટ’ અને ‘કમ્યુનિટી’ની ઓળખો ફગાવી એક અને માત્ર એક ‘વર્ગીય’ ઓળખ ઉભી કરવાની જરૂર છે. ડો. આંબેડકરને ટાંકીને અગાઉ કહ્યું છે તેમ અન્યાય-અત્યાચાર-શોષણ સામે ક્રાંતિકારી લડત લડવા માટે કેવળ પ્રાસંગિક આવેશ-આક્રોશના ઉભરા કદી પૂરતા નથી હોતા.
ત્યારે દલિત સમાજનું બૌદ્ધિક દારિદ્રય તો જુઓ, હોશીયાર દલિત કોમરેડો પણ educate શબ્દનો અર્થ laymanની જેમ કેવળ ફોર્મલ એજ્યુકેશન દ્વારા મળતી MBA, MCA, PhD જેવી ડિગ્રીઓને માને છે ! ભાઈ દલિત માર્કસપ્રિય, વેબસ્ટર ડીક્ષનરી education શબ્દનો અર્થ આ મુજબ આપે છે : the development and training of one’s mind , character, skills, etc as by instruction, study or example. પોતાને ‘કોમરેડ’ તરીકે શિક્ષિત કરવા માટે કે સમાજને ‘ક્રાંતિ’ માટે શિક્ષિત કરવા માટે કોલેજ-યુનિવર્સીટીમાંથી દસ્તાવેજી કાગળિયું અનિવાર્ય જરૂરિયાત કે અનિવાર્ય લાયકાત હરગીઝ નથી. ડો. આંબેડકરે પણ જ્યારે કહ્યું કે શિક્ષિત બનો, ત્યારે તેમને મન માત્ર ‘ફોર્મલ એજ્યુકેશન’ નહોતું. બુદ્ધની જેમ તેઓ પણ તેઓ પણ ‘પ્રબુદ્ધતા’ને જ સાચું એજ્યુકેશન માનતા હતા. અલબત્ત, ફોર્મલ એજયુકેશનથી દલિતો અસ્વચ્છ અને કલંકિત એવા પરંપરાગત વ્યવસાયોમાંથી મુક્તિ મેળવીને સ્વચ્છ અને સમ્માનનીય નાગરિકની ઓળખ પ્રાપ્ત કરી શકે તેવા વ્યવસાયોમાં ડાયવર્સીફાય થાય એ પણ એક આશય હતો ડો. આમ્બેડકરનો.
અને હા, ગરીબી કેવળ દલિતોનો જ પ્રશ્ન નથી, એ તો ભારતના બહુમતી લોકોનો, વિશ્વના બહુમતી લોકોનો પ્રશ્ન છે. પણ અશ્વેતો અને દલિતોનો ગરીબાઈ ઉપરાંત પણ એક વિશિષ્ટ પ્રશ્ન છે અને તે છે કાસ્ટીઝમ અને રેસિઝમ. અને એ પ્રશ્ન કંગાળ કે તવંગર, તુચ્છ કે મોભાદાર કોઈ પણ દલિતને છોડતો નથી. દેશ સાક્ષી છે, દેશના સર્વોચ રાજકીય પદો પર બિરાજમાન થયેલા દલિત રાષ્ટ્રપતિ કે. નારાયણન કે ઉપ -પ્રધાન મંત્રી પદે પહોંચેલા સૌથી ધનિક જગજીવન રામ પણ પોતાના દલિત હોવાને કારણે અપમાનિત થયા છે, અન્યાયનો ભોગ બન્યા છે !
ગરીબી અને જ્ઞાતિવાદ બે જુદી સમસ્યાઓ છે એ છતાકરતા બે-ત્રણ દાખલાઓ આપું આ માર્કસના અર્ધ-દગ્ધ ચેલાકાઓને :
૧. એક ગરીબ ગરાસણી કે વાણીયણ કે બામણીના બળાત્કારનો કિસ્સો તમે જવલ્લેજ સાંભળશો, દલિત સ્ત્રીઓ પરના બળાત્કારો તો રોજીંદી ઘટનાઓ છે ! આવું કેમ ? જવાબ આપો : દલિત સ્ત્રીઓ જ શા માટે આવા અત્યાચાર માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ ગણાય છે ?
૨. પૃથ્વીને ૨૧ વાર નક્ષત્રિય કરનાર બ્રાહ્મણ પરશુરામની શોભાયાત્રા રંગે ચંગે કાઢે છે બ્રાહ્મણો. વર્ણવ્યસ્વસ્થા અને જ્ઞાતિવર્ચસ્વમાં સર્વોચ્ચ ગણાતા બ્રાહ્મણોથી એક ક્રમ નીચે ગણાતા દરબારોએ-બાપુઓએ -ક્ષત્રિયોએ શા માટે નીચી મૂંછ કરી વેઠી લેવું પડે છે આ નઘરોળ અને અન્યાયી શક્તિપ્રદર્શન ?
૩. રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ પામેલ મોહનલાલ નામના વાણીયાનું ખૂન કરનાર બ્રાહ્મણ ગોડસેના મંદિરો બનાવવા માંડ્યા છે બ્રાહ્મણો, ફરી એ જ વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવર્ચસ્વને કારણે ગાંધીના જ્ઞાતિભાઈઓ ( અમિત શાહ અને વિજય રૂપાણી સમેત ) કે અન્ય રાષ્ટ્રપિતાપ્રેમીઓ કે ગાંધીવાદીઓઓ શા માટે નતમસ્તક થઇ જુએ છે બ્રાહ્મણોના આ નફફટ શક્તિપ્રદર્શનને ?.
૪. બ્રાહ્મણો મનુના-નૃસિંહના-દધીચિ-કૌટિલ્યના પૂતળાઓ મૂકે છે, જયંતીઓ મનાવે છે, એ જ બ્રાહ્મણી વર્ચસ્વ આધારિત વર્ણવ્યવસ્થાની મહત્તાના પુનાર્સ્થાપન માટે. લાચાર દલિતો-મૂળ નિવાસીઓ-આદિવાસીઓ-અનાર્યો નીચી મૂંડીએ વેઠી રહ્યા છે આ બધું આ આધુનિક સમયમાં !
માર્કસના આંધળા ચેલાકાઓને તો આ બધું કેમ દેખાય, એમને તો ‘ઇન્કિલાબ ઝીન્દાબાદ’ અને ‘કામદાર એકતા ઝીન્દાબાદ’ જેવા પોકળ નારા ફૂંકાવા માત્રથી કામ છે.
હું છેક ૧૯૬૭થી ગુજરાતની ને દેશની કોમ્યુનીસ્ટ મૂવમેન્ટને ઓબ્ઝર્વ કરું છું, કોમરેડ અબ્દુલ રઝાક શેખથી લઈને કોમ વસંતલાલ અને કોમરેડ આનંદ પરમાર જેવા સંનિષ્ઠ અને એટલે જ સમ્માનનીય કોમરેડ્સને હું વ્યક્તિગત રીતે ઓળખું છું. એ સૌની જિંદગીઓ ટ્રેડ યુનીયનીઝમ માટે ખર્ચાઈ ગઈ, ક્રાંતિ કે કોમ્યુંનીઝમ તો જેટલાં જોજનો દૂર હતાં તેટલાં જ દૂર રહ્યાં !
ક્લાસ-રેસ-જેન્ડર -સેકસ્યુઆલીટીના ચોરાહેથી લખાતી ગ્લોરિયા નાઈલર નામની એક અશ્વેત આફ્રિકન-અમેરીકન લેખિકાને એક પત્રકારે સવાલ કર્યો : તમે તો કોમ્યુંનીસ્ટ છો, તમે તો ફેમીનીસ્ટ છો, તમે એન્ટી-રેસીસ્ટ છો. તમે આ બધામાં સૌથી વિશેષ કોને પ્રાધાન્ય આપો છો ? ત્યારે તેણે જવાબ આપ્યો : હું ક્લાસ, જેન્ડર અને રેસ એવી ત્રિવિધ આપદોનો શિકાર છું. પણ મને જેટલી મારી રેસ અને અને મારી ચામડીના રંગને કારણે જે આપદાઓ વેઠવી પડે છે એ સૌથી મોટી છે. હું મારા બ્લેક બ્રધર્સના રંગભેદ આધારિત અન્યાયો વિરુદ્ધના આંદોલનોને જ અગ્રતા આપું છું.
ડો. આંબેડકરે પણ આ જ મતલબનું કહ્યું હતું : વિશ્વમાં અનેક આપદાઓ છે, પણ હું એ બધાને પહોંચી વળવા જેટલો શક્તિમાન નથી, મારે માટે તો વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવ્યવસ્થાથી પીડાતા મારા દલિતોની મુક્તિ જ સૌથી અગ્ર સ્થાને છે.
આ ક્ષણે, પોતાને શિક્ષિત કર્યા પહેલાં, સમાજને શિક્ષિત કર્યા પહેલાં ક્રાંતિ માટે થનગન થનગન થયેલા અર્ધદગ્ધ દલિત કોમરેડોનો કેવો હાસ્યાસ્પદ છતાં કરુણ રકાસ થાય છે તે પદાર્થપાઠ તરીકે પણ ખાસ સંભારવો રહ્યો. આજના ‘જુનિયર ડફલીવાલા કોમરેડ’થીય પહેલાં ‘કોમરેડ ગદ્દરની ડફલી’ની બહુ મોટી હાક ને ધાક હતી. હમણા જ સમાચાર મળ્યા કે આ અલ્ટ્રા-રેડ કોમરેડ એમની ઢળતી ઉમરે જમણેરીઓની જમાતને શરણે ગયા ! આવા જ હાલ ‘દલિત પેન્થર’ના મેનીફેસ્ટોમાં ‘વર્ગ’ને સ્થાન આપવાની જીદ જીતી જનાર ભારે રેડીકલ દલિત કવિ-કમ-કોમરેડ મનાતા નામદેવ ઢસાળના અલ્ટ્રા-રાઈટને શરણ થવામાં થયા ! ‘ઓક્સફામ’ કે ‘ક્રિશ્ચિયન એઇડ ‘ જેવી વિદેશી NGOનો પ્રોજેક્ટ મળશે તો તમારો લાડકો ડફલીવાળો તમારા લાલ ડગલાને ઉતારીને પેલાઓની જેમ હાલી નીકળશે દલિતોને રેઢા મૂકીને ! કારખાના કે ખેતરોની મજૂરીથી પરહેજ કરનારાઓ, અર્ધશિક્ષિત રહી જવાને કારણે પટાવાળાની લાયકાત પણ ન મેળવી શકનારા પરોપજીવીઓ માટે અંતે પોલીટીક્સ જ એક વ્યવસાય રૂપે બચે છે. અંગ્રેજીમાં એક કહેતી બહુ પ્રચલિત છે : politics is the last refuge of the scoundrel !
માર્ક્સીઝમને નામે, સામ્યવાદને નામે ક્રાંતિની આ એક માત્ર અકસીર રેસિપી અમલમાં મૂકવા માંગતા આ અર્ધદગ્ધ ચેલાકાઓને શું ? એ તો ક્રાંતિ પહેલાં કે ક્રાંતિ પછી થાકેલા કે ફૂંગરાયેલા બળદની જેમ ગમે ત્યારે ધૂંસરૂ ફગાવી પણ દે, ગમે તેવી તડજોડ પણ કરી લે, પણ એમની પૂંઠે પૂંઠે દોરવાયેલા પેલા લાખો-કરોડોના ભોળા massનાં આટલા વર્ષોના બલિદાન-હાલાકીઓની એમને શી લેવાદેવા ?
એ તો કશું જ વિચાર્યા વિના પોતાના તરંગો પ્રમાણે મહાક્રાંતિકારી કોલ આપે કે ‘રેલ રોકો’, ‘ચક્કાજામ કરો’, ‘ચલો ઉના’, ‘ચલો દિલ્લી’ અને એ સંઘમાં જોડાવા કશું જ વિચાર્યા વિના ભાવુક અને ભોળા દલિતો ઉમટી પડે છે પોતાના જાનની પરવા કર્યા વિના. કોઈ પૂછે કે શું લાભ્યા? તો કહે ૧૦૦-૨૦૦ની ધરપકડ થઇ, સેંકડો લાઠીચાર્જથી ઘાયલ થયા, બીજાને સવર્ણોએ રસ્તામાં આંતરી માર્યા, આજુબાજુના ગામોમાં દલિતો પર ઓર જુલમ થયો, દલિતોના બહિષ્કારો થયા ! એક દલિતના ખૂન માટે નીકળેલી વિરોધયાત્રા પર પોલીસ ફાયરીંગથી બીજા ૪ દલિતો માર્યા ગયા ! નુકસાન પર ઓર નુકસાન, હાલાકી પર ઓર હાલાકી !
આંદોલનકારીની તો જાણે કોઈ જવાબદારી જ નહિ ! એ તો બીજા દિવસે મીડિયામાં યુવા દલિત નેતા તરીકે છાઈ જાય એ જ માત્ર ફલશ્રુતિ આવા વગર વિચારેલ આંદોલનોની. પટેલ આંદોલન હોય કે નવનિર્માણ આંદોલન હોય કે દલિત આંદોલન હોય, કશા જ પરિણામ વગર ૧૦-૧૫ કે ૧૦૦ નવલોહીયાઓ વધેરાઈ જાય છે આવા આંદોલનોમાં. આંદોલનકારીઓ તો બધા જીવતા રહે છે, નેતા તરીકે એમની કારકિર્દીઓ ઉજમાળી થાય છે ! ફોટોગ્રાફ્સ જોજો, ‘રેલ રોકો’નો નારો આપ્યા પછી પાટા પર નેતાઓ સૂતા નથી, એ તો એન્જીન પર ચઢી જાય છે મીડિયા માટે. રાખે ને મારા જેવો કોઈ ગાંડિયો ડ્રાઈવર ગાડી ચલાવી મૂકે તો મરે પેલા આવેશમાં આવી ગયેલા દલિત લબરમૂછીયાઓ !
ભાઈ સામ્યવાદી દલિત માર્કસપ્રિય, એટલે જ કહું છું સવિશેષ દલિત સમાજને બહુ મોટું નુકસાન કરી બેસે તેવી આ અર્ધદગ્ધ માર્ક્સીસ્ટ ચેલકાઓની બેજવાબદાર યુવા નેતાગીરીને educate કરવાની તાતી જરૂરિયાત છે, સામાજિક ન્યાય માટેના સંઘર્ષ માટે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. પુન: કહેવું પડે છે : ઉછીઉધારનાં કે માગીભીખીને પહેરેલાં લૂગડાં કદીય પરફેક્ટ ફીટ થતા નથી હોતાં. એને આપણી ખુદની વિશિષ્ટતાઓ કે વિચિત્રતાને ધ્યાને લઇ પુન: વેતરવાનો પરિશ્રમ કરવો પડતો હોય છે.
અહી વિરામ લઈએ, કારણ કે આ જવાબ ઓલરેડી લાંબો થઇ ગયો છે, અને ઓર લાંબુ થશે તો કોઈ વાંચશે પણ નહિ. તો મળીએ છીએ બીજા અંકે ...

- નિરવ પટેલ



(Some Words Edited from Actual Post by Editor of the post to prevent unnecessary Accusation, sorry to the writer)
Edited By Vishal Sonara

Actual Facebook Post :-

No comments:

Post a Comment