June 01, 2017

માર્કસના અર્ધદગ્ધ દલિત ચેલકાઓ માટે આંબેડકરી પાઠમાળા : નિરવ પટેલ

અંગ્રેજીમાં એક કહેવત છે કે ઉછીઉધારે કે માગીભીખીને લીધેલાં લુગડાં કદી બરાબર ફીટ બેસતાં નથી. ખુદના શરીરની વિશિષ્ટતાઓ કે વિચિત્રતાઓને ધ્યાને લઈને જ એને ફરીથી વેતરીને, સરખાં કરીને ખપમાં લઈએ તો જ એ પહેરવા જોગ બને.
સવિશેષ યુરોપના આર્થિક-સામાજિક-ઐતિહાસિક સંજોગોને ધ્યાને લઇ અસ્તિત્વમાં આવેલી માર્કસની વિચારધારાનું પણ તેવું જ છે.
ભારતમાં જ્યારે વર્ગો જ નથી, પછી વર્ગસંઘર્ષની વાત શી કરવાની? તો પછી વર્ગબિરાદરીની વાત શી કરવાની ? અને તો પછી શોષિતો અને શોષકોની વર્ગનાબૂદી માટે ક્રાંતિની વાત શી કરવાની ?
અહી તો કાસ્ટસ એટલે કે વાણીયા, બામણ, દરબાર, પટેલ, ઠાકરડા, વણકર, ચમાર જેવી જ્ઞાતિઓ અને કોમ્યુનીટીઝ એટલે કે ખ્રિસ્તી, મુસલમાન, જૈન, સ્વમીનારાયણી, તેરાપંથી, આદિવાસી, સિંધી, કચ્છી , મારવાડી, મદ્રાસી જેવા જનસમૂહો છે.
ક્લાસિકલ માર્ક્સીઝમ કહે છે કે સમાજવાદી-સામ્યવાદી ક્રાંતિ માટે જે તે સમાજનો વિકાસ ફ્યુડાલીઝમ એટલે કે સામંતવાદને પાર કરીને કેપીટાલીઝમ એટલે કે મૂડીવાદ લગીની સફર કરી ચૂક્યો હોય તે અનિવાર્ય રીતે જરૂરી છે.
અગાઉ કહ્યું તેમ, ભારતને હજી વર્ગીય રીતે વિભાજીત થવાનું બાકી છે, એ ક્લાસ એટલે કે 'વર્ગ' નહિ બલકે કાસ્ટસ એટલેકે જ્ઞાતિઓ અને કોમ્યુનિટીિઝના એટલે કે જનસમૂહોના ફ્યુડલ તબક્કામાં હજી જીવી રહ્યું છે, એમાંથી બહાર નીકળીને એણે શોષિતોના એક સોલીડ, નક્કર વર્ગમાં તબદીલ થવાનું હજી બાકી છે.
અને આ બહુ લાંબી મજલ છે. કારણ કે એ દિશામાં કશું કામ જ થયું નથી. ભોય તૈયાર કર્યા વિના વાવણી કરવા નીકળી પડેલાઓ ફસલના સ્વપ્ના સેવી રહ્યા છે.
ક્રાંતિ માટે થનગની રહેલા માર્કસના અર્ધદગ્ધ ચેલકાઓ પેલી અંગ્રેજી કહેવત પ્રમાણે કરી રહ્યા છે : સફરે નીકળવા માટે તૈયાર કરેલા ગાડાના બળદને ગાડાની આગળ જોડવાને બદલે તેઓ એને ગાડાની પાછળ જોતરે છે ! પહેલાં બળદ કે પહેલાં ગાડું ?
ક્રાંતિ માટે અનિવાર્ય રીતે જરૂરી એવા શોષિતોના 'પ્રોલેતરીયેત' વર્ગના નિર્માણ માટે પહેલા ફ્યુડાલીઝમની ઓળખ સમાં આ 'કાસ્ટ' અને 'કોમ્યુ નિટી'ના પ્રીમીટીવિઝમ-મીડીવાલીઝમને તો નેસ્તનાબૂદ કરો !
આઝાદી આંદોલન ટાણે ભારતના દલિતો અને શોષિતોને પણ આ જ રીતે છેતરવામાં આવ્યા હતા પોતાને સમાજવાદી કહેવડાવતા કોંગ્રેસી રાજકારણીઓએ : સામાજિક સુધારા પછી, પહેલાં રાજકીય આઝાદી માટે લડો ! અલબત્ત, એ સામે સામાજિક સુધારાઓને અગ્રતાક્રમ આપવા માટે આંબેડકર જેવા જૂજ વિરલ વિચારકો જ અડીખમ અને અનેરા રહી શક્યા હતા તે ટાણે.
અને આજે આપણે ૨૦૧૭માં જોઈ રહ્યા છીએ દેશમાં આર્થિક-સામાજિક ન્યાયના, માનવ અધિકારના, માનવ ગરિમાના શા હાલહવાલ થયા છે. ઉજળીયાતોને તો માત્ર સત્તા જ હડપવી હતી બ્રીટીશરો પાસેથી, જેથી કરીને તેઓ સત્તાધીશો બની દલિતો-શોષિતો પર રાજ કરી શકે, પોતે મજેથી જીવી શકે.
ક્રાંતિ પછી બધા ભેદભાવો દૂર થઇ જશે, ગરીબાઈ નાબૂદ થઇ જશે, સૌને માનવ અધિકાર અને માનવ ગરીમાવાળું જીવન મળશે એવાં સપનામાં રશિયન કોમ્યુનીસ્ટોએ દેશને ૭૦ વર્ષ લગી સરમુખત્યારી સહેવા મજબૂર કરી રાખ્યો. અંતે રાન રાન અને પાન પાન બનીને રશિયન પ્રજા વિખેરાઈ ગયી પોતાની પુરાણી રાષ્ટ્રીયતાઓમાં !
દલિતો, વિચારો.
- નિરવ પટેલ



Facebook Post :-

No comments:

Post a Comment