November 21, 2018

મિ.ક્લીન રાજીવ ગાંધી અને બિનસવર્ણ સમાજ

By Kiritkumar Pravasi ||  Written on 18 Nov 2018


પંજાબમાં અકાલીદળના વર્ચસ્વને ખતમ કરવા માટે ઇન્દિરા ગાંધીએ ભીંડરાનવાલેને પ્રોત્સાહન આપેલું ભીંડરાનવાલે અલગાવવાદી નેતા હતા.પંજાબમાં ઇન્દિરાએ પોતે જ આતંકવાદના છોડને પાણી પાયેલું એ છોડ વૃક્ષ બનીને છેવટે ઇન્દિરાને ખતમ કરતો ગયો. 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીના બે શીખ બોડીગાર્ડ્સએ ગોળીઓ ચલાવીને ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાખી.
એ સમયે રાજીવ ગાંધી પાયલટની નોકરી કરતા હતા. એ સમયે પ્રણવ મુખર્જી અને અન્ય અમુક નેતાઓને વડાપ્રધાન થવું હતું પણ રાજીવ ગાંધીએ વગર અનુભવે વડાપ્રધાન થવા માટે હા પાડી અને છેવટે રાજીવ ગાંધી પાયલટમાંથી સીધા પ્રાઈમ મિનિસ્ટર બની ગયા ! 31 ઓક્ટોબર 1984ના રોજ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. ઈન્દીરાની હત્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસીઓએ લઘુમતી ધર્મ ગણાતા શીખ ધર્મના અનુયાયીઓ પર કાળો કેર વર્તાવી મૂક્યો લગભગ 5000 જેટલા શીખ સ્ત્રી-પુરુષો-માસૂમ ભૂલકાંઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અનેક શીખોને જાહેર રસ્તા પર જ જીવતા સળગાવવાની ઘટનાઓને પણ અંજામ આપવામાં આવ્યો, શીખ હત્યાકાંડમાં કોંગ્રેસી નેતા અને રાજીવ ગાંધીના પ્રીતિપાત્ર એચ.કે.એલ.ભગત અને જગદીશ ટાઇટલરના નામ ઉછળ્યા તેમના પર કેસ પણ થયા પણ સજા ક્યારેય ભોગવી નહિ ! એ સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીએ એવું નિવેદન આપેલું કે "મોટું ઝાડ પડે ત્યારે આસપાસના છોડવાઓ નાશ પામતા હોય છે." આવું કહીને તેઓ શીખ હત્યાકાંડને વાજબી ઠેરવી રહ્યા હતા ! યુટ્યુબ પર સર્ચ કરો, આ વિડીયો મળશે. મીડિયા આવા વડાપ્રધાનને મિ.ક્લીન કહીને લોકોને ઉલ્લુ બનાવી રહ્યું હતું. 
રાજીવ ગાંધીના કાર્યકાળમાં ભોપાલ ગેસ કાંડ થયો.એ સમયે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ પક્ષની જ સરકાર હતી.2-3 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ નામની વિદેશી કંપનીના કારખાનામાંથી ઝેરી ગેસનું ગળતર થયું અને વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાયો. લગભગ 16000 જેટલા લોકો જેમાં સ્ત્રીઓ અને માસૂમ બાળકો પણ સામેલ હતા તે મૃત્યુ પામ્યા. 6 લાખ જેટલા લોકોને આની અસર થઇ.કેટલાય આંધળા બની ગયા તો કેટલાય શારીરિક અપંગ બન્યા ! આ કંપનીના ચેરમેન વોરેન એન્ડરસનની 7 ડિસેમ્બર 1984ના રોજ ધરપકડ થઇ અને માત્ર 6 કલાકમાં જ 2100 ડોલરનો દંડ કરીને તેને આઝાદ કરી દીધો એટલે તે દેશ છોડી જતો રહ્યો. એમ કહી શકાય કે કોંગ્રેસી મુખ્યમંત્રી અર્જુનસિંહ અને વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેને ભગાડી દીધો !
અયોધ્યામાં રામ મંદિરનું વર્ષોથી બંધ તાળું ખોલીને પૂજા કરવાની છૂટ પણ રાજીવ ગાંધીના સમયમાં જ મળી હતી.આગળ જતા અત્યારે આ પ્રશ્ને વિકરાળ રૂપ લીધું છે જેનો ફાયદો ભાજપને મળી રહ્યો છે.
રાજીવ ગાંધી પણ પોતાની માતા ઇન્દિરા અને નાના જવાહરલાલની જેમ જ બહુમતી બિનસવર્ણ પ્રજાના બંધારણીય હકોની વિરુદ્ધમાં હતા. રાજીવે પણ કેન્દ્ર સરકારની નોકરીઓમાં 54% ઓબીસી વસ્તીને લાભ આપતું કાલેલકર આયોગ કે મોરારજી દેસાઈના કાર્યકાળમાં રચાયેલું મંડલ પંચ લાગુ કર્યું નહિ.દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીઓને અનામતની જોગવાઈ તેઓએ કરાવી નહિ.
રાજીવ ગાંધીની અણઘડ વિદેશનીતિને કારણે જ તેમનું મોત થયું. શ્રીલંકામાં તમિલ આતંકવાદ એ સમયે ચરમસીમાએ પહોંચ્યો હતો.તામિલનાડુની જનતાની તેમના પ્રત્યે સહાનુભૂતિ હતી. રાજીવ ગાંધીએ શાંતિ સેનાના નામે ભારતીય લશ્કર શ્રીલંકામાં મોકલીને મૂળ ભારતીય પણ શ્રીલંકામાં વસેલા તમિલોનો સફાયો કર્યો એટલે તમિલ પ્રજાનો રોષ રાજીવ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ ફાટી નીકળ્યો. તામિલનાડુમાં રાજીવ અને કોંગ્રેસ અપ્રિય થઇ ગયા તો શ્રીલંકાના તામિલોમાં પણ તેમની છાપ વિલન તરિકેની ઉભી થઇ.
તેમના સમયગાળા દરમિયાન બોફોર્સ તોપો ખરીદાઈ તેમાં વચેટીયો સોનિયા ગાંધીનો મિત્ર ઇટાલિયન ક્વોટ્રોચી હતો.તેમાં ભારે કમિશન ખાવામાં આવ્યું છે તેવો આરોપ રાજીવ,ક્વોટ્રોચી અને અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ પર મીડિયા અને વિપક્ષે મૂક્યો હતો.ક્વોટ્રોચીને ભગાડવામાં પણ રાજીવ ગાંધીએ મદદ કરી એવો આરોપ પણ ચર્ચાયો હતો.રાજીવ ગાંધીની મિ.ક્લીનની છબી ખરડાઈ હતી.પ્રજામાંથી નારો ઉઠ્યો હતો કે," ગલી ગલી મેં શોર હૈ,રાજીવ ગાંધી ચોર હૈ"
1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીના પક્ષ કોંગ્રસની હાર થઇ અને મીડિયાએ જેમને "સુપર ક્લીન" કહ્યા એવા વી.પી.સિંહ વડાપ્રધાન થયા પણ તેમની સરકાર ટકી શકી નહિ અને 1991માં ફરીથી ચૂંટણી આવી.રાજીવ ગાંધી પ્રચાર કરવા માટે તામિલનાડુ ગયા ત્યાં શ્રી પેરંબદૂરમાં 21 મે 1991ના રોજ ચૂંટણી પ્રચાર સભાના સ્ટેજ ઉપર જ માનવ બૉમ્બ બનીને આવેલી આતંકી તમિલ મહિલાએ બૉમ્બ વિસ્ફોટ કરતા રાજીવ ગાંધી મૃત્યુ પામ્યા.
આમ, રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ બિનસવર્ણ સમાજને માટે નિરાશાજનક રહ્યો તેઓ પણ તેમની માતા અને નાનાને પગલે ચાલીને બિનસવર્ણ સમાજ વિરોધી વલણ અખત્યાર કર્યું.

Also Read : 
બહુજનોના હક અને અધીકાર પ્રત્યે નહેરુનું વલણ


Facebook Post :

No comments:

Post a Comment