November 07, 2017

વિચારધારા જ મહાન છે એની સામે ન કોઈ સંગઠન કે ન કોઈ વ્યક્તિ

By Jigar Shyamlan ||  5 Nov 2017 at 12:13 



જયારે કોઈ વ્યક્તિ કે સંગઠનની પસંદગી કરવાની વાત આવે છે ત્યારે વિચારધારાને જ મહત્વ આપવું જોઈયે. આ મારો અંગત અને એકદમ દ્રઢ મત છે.

એક વ્યક્તિની સંગઠન સામે કોઈ જ કિંમત નથી, તેવી જ રીતે એક વ્યક્તિ અને એક સંગઠન બેયની એક વિચારધારા સામે કોઈ કિંમત નથી.

વિચારધારા જ મહાન છે એની સામે ન કોઈ સંગઠન કે ન કોઈ વ્યક્તિ.

આપણી પાસે આપણા મહાપુરુષોની વિચારધારા છે.

જયોતિબા ફૂલે, શાહુજી મહારાજ, પેરીયાર, બાબા સાહેબ, કાશીરામ આ બધા આપણાં માટે ઘણુંબધુ લખીને પુસ્તકોના પુસ્તકો વારસામાં મુકી ગયા છે. મૂરખાઓ પણ ડાહ્યા બની જાય અને મડદાઓ પણ બેઠા થઈ જાય તેવા ભાષણો બોલીને ગયા છે.

આપણી વિચારધારા સમાનતાની છે.
આપણી વિચારધારા સ્વતંત્રતાની છે.

આપણી વિચારધારા અમાનવીય શોષણ સામેની છે.

આપણી વિચારધારા માનવઅધિકારોના પાલનની છે.

આપણી વિચારધારા સંવિધાનીક અધિકારોની છે.

આપણી પાસે વિચારધારાની સહેજેય અછત નથી.

આપણી હોંશિયારી કહો કે ડફોળાઈ આપણને આપણી જ વિચારધારા અનુસરવામાં, તેની પર ચાલવામાં અનુકૂળતા નથી જણાતી.

આજે આપણી લાચારી તો જુઓ આપણે એક વિચારધારાને હરાવવા માટે આપણી મૂળ પોતિકી વિચારધારાને સાવ ભૂલી જઈ ને એક એવી વિચારધારાનુ શરણ પકડી રહ્યા છીએ જે આપણને વરસો સુધી છેતરતી આવી છે.

માની લીધું કે આપણી પાસે હાલ વિકલ્પ નથી. એટલે વિકલ્પના અભાવે આપણે બે ખરાબમાંથી ઓછા ખરાબને ગમાડવો પડી રહ્યો છે. પણ આ પરિસ્થિતી પાછળ જવાબદાર આપણે જ છીએ. વિચારધારાની વાત કરનારને આપણે કદી ટેકો આપ્યો નથી તો વોટ ક્યાંથી આપવાનાં.

વિચારધારાને પ્રોત્સાહન આપવા આપણે કશું નથી કયુઁ. આપણે બસ એક જ કામ કયુઁ..!! ટીકાઓ કરી.., ખામીઓ કાઢી.., વાંધા-વચકાઓ કાઢ્યા.
કોઈને પણ તક આપ્યા વગર મોટી અપેક્ષાઓ રાખવી જાતને છેતરવાથી વિશેષ કંઈ નથી.

એકવાર તો શરૂઆત કરવી પડશે. વિકલ્પ નથી એ વાત સો ટકા સાચી નથી, આપણે વિકલ્પને વિકસવા નથી દેતા એ વાત હજાર ટકા સાચી છે.

આપણે આપણાં જ મહાપુરુષોએ કહેલી વાતો પર ધ્યાન આપ્યુ નથી. હજી સમય છે, જેટલા વહેલી તકે વિચારધારા તરફ પાછા ફરીશુ એટલુ જ આપણાં માટે તથા આવનારી પેઢી માટે સારૂ રહેશે.

બાકી સફરજન છરી ઉપર પડે કે છરી સફરજન ઉપર કપાવવાનું તો સફરજનને જ છે.
- જિગર શ્યામલન

No comments:

Post a Comment