November 07, 2017

કવિતા : હા.. અમે દલિત.

By Jigar Shyamlan ||  07 Nov 2017 


હમણાં કોઈકએ કહ્યું કે પોતાની ઈચ્છા કે મરજી વિરૂધ્ધ કોઈને પિડીત કે શોષિત ન રાખી શકાય... વાત બરાબર છે.

પણ સદીઓથી ધમઁ અને શાસ્ત્રોની આડ લઈ અપમાન અને ભરપુર શોષણ કરવા માટે વ્યવસ્થિત પ્લેટફોમઁ બનવામાં આવ્યું હોય ત્યારે શું....????

હા..અમે દલિત..

જો અનુભવ લેવો છે, કેવો હોય શાપ. અછૂતના ઘેર જન્મી જોઇ લેજો આપ.
સૌ એ નજરથી જુએ જાણે હોય પલિત.
હા.. અમે દલિત..

ખુદને માનો માણસ તો આપો જવાબ.
માણસ અડે માણસને લાગે શેનું પાપ.
માથું પછાડી લોહીથી રંગાઇ ગઇ ભીત.
હા.. અમે દલિત..

ગામમાં રહેવા ન મળ્યું તો વસ્યા બા'ર.
જીવીયે કે મરી ગ્યા કોણે રાખી દરકાર?
વારંવાર વલોવાઇને નિતરેલું નવનિત.
હા.. અમે દલિત..

કંઇ કિંમત ન હતી ન હતી અમારી વગ.
જોડા માથે મૂકી ચાલ્યા ભલે બળ્યા પગ.
કોઇની ફરમાઇશ વિના સર્જાયેલુ ગીત.
હા.. અમે દલિત..

કદી ન ગમી રોજ સૂણી તોછડી વાણી.
સહિયારા કૂવામાંથી ન મળ્યું બૂંદ પાણી.
હરખાય નહિ કોઇ જ્યારે અમને મળી જીત.
હા.. અમે દલિત..

કોઇએ કદી કરી નથી અમને પ્રીત લગાર.
માથે ઉપાડી મેલું અમેં વેંઢાર્યો છે ભાર.
ભભકતો લાવા મ્હાંય પણ બહારથી શીત.
હા.. અમે દલિત..

આગળ ક્યાંથી વધીયે શિક્ષા પર પ્રતિબંધ.
મંદીરોના દરવાજા પણ અમારા માટે બંધ.
સૌએ ઠોકી બેસાડી પરાણે વિકૃત રીત.
હા.. અમે દલિત..

કચડાતા રહ્યા રોજ તોય કરતા રહ્યા કર્મ.
નબળો ન બને દેશ એવો અપનાવ્યો ધર્મ.
સર્વજનના સુખ માટે પ્રગટ થયેલુ હિત.
હા.. અમે દલિત.
- જીગર શ્યામલન 

No comments:

Post a Comment