August 17, 2017

દલિતો પોતાના પીડિતોને સાંભળે તો પણ .....

By Raju Solanki  || 17 Aug at 18:52
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે પાટીદાર ક્વોટા આંદોલનમાં માર્યા ગયેલા પટેલોને ‘શહીદ’ કહ્યા, મને ગળા સુધી ખાત્રી છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન આત્મારામ પરમાર કે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા આવા શબ્દો ઉના-દમન પછી ઝેર પીને આત્મવિલોપન કરનારા કે જેલમાં જનારા દલિતો માટે ક્યારેય નહીં ઉચ્ચારે. અને શા માટે ઉચ્ચારે? દલિતો પોતે સમાજ માટે ભોગ આપનારા લોકોને આસાનીથી વિસરી જાય છે, તો રાજકીય પક્ષોના પગલૂછણીયા જેવા દલિત રાજકારણીઓ તેમને ક્યાંથી યાદ રાખે કે બિરદાવે?
કોઈપણ આંદોલનની સાચી વરસી તો ત્યારે ઉજવાય જ્યારે આંદોલનમાં બલિદાન આપનારા લોકોને અને તેમના સ્વજનોને પોંખવામાં આવે અને તેમના સમર્પણને તાલીઓના ગડગડાટથી બિરદાવવામાં આવે. 2012માં ‘ચલો થાન’ના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભા કે જેમાં 50,000થી વધારે દલિતો સ્વયંભૂ એકઠા થયા હતા અને જેણે ગુજરાતના દલિત આંદોલનના ત્રીસ વર્ષના ઠહરાવને તોડ્યો હતો, તેમાં તમામ પીડિતોના સ્વજનોએ પોતાની વેદના રજુ કરી હતી અને જેના દીકરાને પોલિસે ભર બજારમાંથી ઉઠાવીને લોકઅપમાં ગોંધી દીધો હતો તેની માતાએ જ્યારે સ્ટેજ પરથી તેની દર્દનાક દાસ્તાન વર્ણવી ત્યારે સભામાં ઉપસ્થિત તમામ દલિત બહેનો ચોધાર આંસુએ રડી પડી હતી. આવા આંદોલનો સમાજને તાકાત આપે છે. આવા આંદોલનો સમાજને એક કરે છે. દલિતો પોતાના પીડિતોને કાન દઈને સાંભળે તો પણ એમને રૂંવાડા ખડા કરવા કોઈ કનૈયાકુમારની જરૂર ના પડે.
થાનગઢમાં દલિત તરુણો પર એકે-47માંથી ફાયરિંગ કરી રહેલા ડીવાયએસપીના અંગરક્ષક પાસેથી એકે-47 છીનવી લેવાનો સંગીન આરોપ જેના પર મુકાયો હતો તે સુરેશ ગોગીયાને છોડાવવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મુકાવડાવ્યા પછી તેને બેઇલ પર છોડવા માટેનું બીડું લઇને હું કનુ સુમરા તથા મહેશ ચૌહાણ સાથે સુરેન્દ્રનગરની સબ-જેલમાં ગયો હતો. એ વખતે સમયસર કાનૂની મદદ ના મળી હોત તો સુરેશ ગોગીયા આજે પણ જેલમાં સબડતો હોત. આજે સુરેશ ગોગીયા રસ્તામાં મને મળે તો કદાચ ઓળખશે પણ નહીં. પણ આંદોલનમાં જોડાયા હતા એટલે ફરજ નીભાવી એનો સંતોષ છે.
અમરેલીમાં ઉના-દમનના વિરોધમાં નીકળેલી રેલીના આયોજકો ક્રાન્તિકારી યુવાનો કાન્તી વાળા અને નવચેતન પરમારને દલિતો વિસરી ચૂક્યા છે. ઉના-દમન પછી અમદાવાદ, રાજકોટ કે ઉનામાં થયેલી એક પણ સભામાં એક પણ વક્તાએ ક્યારેય ભૂલથી પણ કાન્તી વાળા કે નવચેતન પરમારનું નામ લીધું નથી, કાન્તી વાળાના પિતા મૂળજીભાઈને કે નવચેતનના પિતા દિપકભાઈને સ્ટેજ પર બોલાવ્યા નથી. અમરેલીમાં નવચેતન પરમારે કલેક્ટર ઓફિસના પટાંગણમાં ભર બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ત્યારે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. નવચેતનને પોલિસ પકડીને લઈ ગઈ હતી. જિલ્લાના પોલિસ વડા જગદીશ પટેલ દોડતા દોડતા કલેક્ટર કચેરીમાં આવ્યા હતા. એ જ સમયે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને વડલી બળાત્કાર કેસના આરોપીને પકડવાની અને જેલમાં ઠુંસી દેવાયેલા દલિતોને છોડવા માટે માંગણી કરી હતી. કલેક્ટર રાણાને મેં ખખડાવીને કહ્યું હતું કે તમારો એટ્રોસિટી સેલનો ડીવાયએસપી ગધેડો છે. દુષ્કર્મનો ભોગ બનેલી દલિત દીકરીને ચોવીસ કલાક પછી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જાય છે. ત્યારે રાણા ચીડાઈ ગયા હતા. એ મીટીંગમાં ઉપસ્થિત એસપી જગદીશ પટેલે બધાના મોબાઈલ ફોન સ્વિચ કરાવ્યા પછી કહેલું, “તમને ઓફ ધી રેકોર્ડ કહું છું. આ કેસમાં અમે ઢીલું મુકીશું. બધા છૂટી જવાના છે. બસ, તમે લોકો આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ રદ કરી નાંખો.” એ દિવસે અમરેલીમાં આંદોલનનો વીટો વળી ગયો હતો.
ત્યાર બાદ એક મહિના સુધી કાન્તી વાળાના પિતા મુળજીભાઈ ગાંધીનગરમાં પ્રતિરોધ છાવણી પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, બે બે વાર મૃત્યુના મુખમાં ધકેલાયેલા મૂળજીભાઈને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક યૌદ્ધાની જેમ મૂળજીભાઈ લડ્યા હતા. દીકરા કાન્તીની યાદમાં એમની આંખ ભીની થતી જોઈ છે. “મારો કાન્તી ક્યારે છૂટશે?,” એ એક જ પ્રશ્ન એમને મળું ત્યારે એમના મુખમાંથી નીકળતો હતો.
દલિત આંદોલનની તાસીર એવી છે કે ગામડાઓમાં અત્યાચારો થાય ત્યારે શહેરી નેતાગીરી ક્યાં તો રોસ્ટર-અનામત એક્ટનો અમલ કરવાની માંગ કરે છે કે પછી રાજકીય મનસૂબા સાકાર કરવા તૂટી પડે છે. જેની પર ખરેખર અત્યાચારો થાય છે એ તો બિચારો ખૂણામાં ઉભો ઉભો બધા ખેલ જ જોયા કરે છે. કોંગ્રેસ-ભાજપ જ્યારે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ત્યારે દલિત અત્યાચારના મુદ્દે મેદાનમાં આવે છે. તેમને દલિતોને ન્યાય અપાવવામાં એક પૈસાનો રસ નથી.
હજુ પણ કાન્તી વાળા અને નવચેતન પરમાર સહિતના તમામ કહેવાતા આરોપીઓ રેલીના કેસમાં છૂટી શકે એમ છે. સવાલ એ છે કે આપણા આંદોલનના એજન્ડામાં આ મુદ્દો છે ખરો?

(તસવીર - ચલો થાનના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભામાં પીડિતોને સાંભળતી દલિત માતાની હ્રદયદ્રાવક ક્ષણો કર્મશીલ, કવિ, ફોટોગ્રાફર, લેખક ઉમેશ સોલંકીએ ઝીલી છે.)

અન્ય તસવિરો ઃ-

 એડવોકેટ નવચેતન પરમાર


પ્રતિરોધ છાવણી



No comments:

Post a Comment