August 17, 2017

મોટર સાયકલ પર ‘જય ભીમ’ લખવા બદલ દલિતના હાથ પગ તોડી નાંખ્યા

By Raju Solanki  || 17 Aug 2017

તા. 12 ઓગસ્ટ, 2017એ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામના રમેશ મોહનભાઈ ચૌહાણના બાઇક પર ‘જય ભીમ’ લખેલું હોવાથી તેમના ગામના વિક્રમ નાજા જાંબુડા, માલુબેન નાજા જાંબુડા અને યુનુસ સંધીએ રમેશભાઈને એક પુલ પર રોક્યા હતા. તેમને કહ્યું કે ઢેડા, આ જય ભીમ લખેલું હોય તો શું થઈ જાય. રમેશભાઈએ કહ્યું કે આંબેડકર બાપા અમારા છે. તો મેં લખેલું છે.
આથી, વિક્રમ અને તેની સાથેના માણસોએ લાકડીઓ અને પાઇપોથી રમેશભાઈ પર હૂમલો કર્યો અને તેમના હાથ પગ તોડી નાંખ્યા હતા. રમેશભાઈની સાથે તેમના પિતા મોહનભાઈ પર પણ હૂમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી રમેશભાઈના માતા સમજુબેન અમરેલી આવવા નીકળ્યા ત્યારે રહીમ દલ નામના અન્ય માણસે કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી.
અગાઉ 19 ફેબ્રુઆરી 2017એ આ જ લોકોએ દલિતો પર હૂમલો કરીને છરીઓ મારી હતી. તેમની સામે એફઆઈઆર પણ થઈ હતી, જેને ક્વોશ કરાવવા તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને પોલિસની બેદરકારીને લીધે છૂટા ફરતા હોવાથી બીજી વાર હૂમલો કર્યો હતો.
દલિત આગેવાનો રમેશ બાબરીયા અને કિશોર ધાખડાએ આ અંગે સ્થાનિક સ્તરે સત્તાવાળાઓ સમક્ષ રજુઆતો કરી છે. ગઈ કાલે રાત્રે મોહનભાઈએ મારી સાથે ફોન પર વાત કરી હતી. મેં તેમને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે જરૂર પડ્યે આપણે હાઇકોર્ટમાં પણ જઇશું. હાલ ડીવાયએસપી રાજેશ પરમાર સાથે મેં વાત કરી. તેમણે જણાવ્યું કે આરોપીઓ પકડાઈ ગયા છે.

No comments:

Post a Comment