June 18, 2019

શિક્ષણ નુ સ્તર અને ખાનગી શાળાઓ

By Vijay Makwana  || 10 June 2019


એક વખત હતો સુરેન્દ્રનગરની જે.એન.વી સ્કુલ, આર.પી.પી ગર્લ્સ સ્કુલ, કે.પી બોયઝ & ગર્લ્સ સ્કુલ, અમદાવાદની દિવાન બલ્લુભાઇ અને સી.એન. શેઠ વિદ્યાલયનો તેમજ બીજા ઘણાં જીલ્લાની શાળાઓ પણ સામેલ કરીએ તો આ તમામ સરકારી/અર્ધ સરકારી શાળાઓનો ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં દબદબો હતો..રાજ્યના તમામ ટોપર્સ આ શાળાઓમાંથી નિકળતા.. ગુજરાતના પ્રશાસનમાં ચાવીરુપ વિભાગો પર આજે પણ તે શાળાઓના વિદ્યાર્થીઓ બેઠા છે.. વર્ષ 2000 પછી એવો પ્રોપેગન્ડા ચલાવવામાં આવ્યો કે સરકારી શાળાઓની હાલત કથળતી જાય છે. સરકાર પર શિક્ષણ ખર્ચનો બોજો છે..ફલાણું ઢીંકણું.. તમને એ હદે સરકારી શાળાની એલર્જી ઉભી કરી દીધી કે, એ જ શાળાઓ, એ જ શિક્ષકો, એ જ સુવિધાઓ મૌજૂદ હોવા છતાં નવી પરવાના આપેલી શાળાઓમાં તમે તમારા સંતાનો મુકવા લાગ્યાં.. આજે પરિસ્થિતી એ છે કે.. ઉપરોક્ત શાળાઓ બંધ થવાની અણી ઉપર છે.. ખાનગી શાળાઓ જાહેરાતની ચમક દમક જ એટલી હોય છે કે, તમોને ઉપરોક્ત શાળાઓ તુચ્છ લાગે!

અને બીજી એક ખાનગી વાત.. જે ખાનગી શાળાઓ આજે ટોપર્સ આપી રહી છે તે સિલેક્ટેડ સવાલો ગોખાવી રહી છે. સિલેક્ટેડ મટિરીયલ બાળકોને આપી રહી છે. બાળકોને પેપર લખવાની ખાસ સિક્રેટ ટીપ્સ આપી રહી છે. તે બાળકોના પેપર્સ બોર્ડ પરિક્ષકોની ખાસ ટીમ તપાસતી હોય છે જેમને તમામ સિક્રેટ કોડ અગાઉથી શિખવવામાં આવેલ હોય છે. તેઓ ખાસ પ્રકારની મેથડ ચકાસતા જાય અને પર્સેન્ટાઇલ/પર્સેન્ટેજ/માર્કસનો મબલક પાક ઉતરતો જાય.. શાળા ટોપ! તમારું બાળક ટોપ!

હું ખોટો લાગું છું ને?

તો આવો કસોટી કરીએ!

દસેક આડોઅવળા સવાલો પાઠ્ય પુસ્તકમાંથી તમે તમારા બાળકને પૂછી જુઓ..જો તેને પરસેવો વળે તો.. મારી વાત સાચી માનજો...

May 21, 2019

કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 2

By Raju Solanki  || Written on 16 May 2019







આ વાત કાંશીરામ ના સમયની છે, તમે વાંચો ત્યારે નજર સમક્ષ 1990નો સમય રાખજો. અહીં જે વર્ણન કર્યું છે એવી સક્રિયતા હાલ તમને જોવા ના પણ મળે. કેમ કે ત્યારે કાંશીરામ નો ચાબૂક વીંઝાતો હતો.


બહુજન વિચારધારાના પ્રચાર માટે કાંશીરામે પક્ષમાં વિવિધ મોરચા (હિન્દીમાં દસ્તા , અંગ્રેજીમાં ફ્રન્ટ) ઉભા કર્યા. જેમ કે,


  • સાઇકલ દસ્તા: બસપાનો આ સૌથી સશક્ત ફ્રન્ટ છે. પક્ષના કાર્યકરો સમૂહમાં સૂત્રો પોકારતા નીકળે છે. એમાં ‘બમન, બનીયા, ઠાકુર છોડ, બાકી સબ ડીએસફોર’નો નારો બહુ જ લોકપ્રિય છે. જોકે, કાંશીરામ  આ નારા પર ભાર મૂકતા નથી અને તેઓ કાર્યકરોને આ નારો બોલવાની ના પાડે છે.

    સાઇકલ દસ્તો સભાઓ કરવા કરતાં લોકોને વ્યક્તિગતરૂપે મળવા ઉપર વધારે ભાર મૂકે છે. બહુ મોટી સભાઓ કરતા નાની નાની સભાઓ કરે છે. એક દિવસમાં 50-60 કિમી.ની યાત્રા તેઓ સાયકલ પર કરે છે. રોજ દસ્તાના કાર્યક્રમો નક્કી થાય છે. રસ્તામાં તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ દસ્તામાં માત્ર પુરુષો જ હોય છે, સ્ત્રીઓ હોતી નથી. એમાં 10થી 15 વર્ષના તરુણો પણ ભાગ લેતા હોય છે. આ તરુણો નાની સભાઓમાં બહુજન વિચારધારા, કાંશીરામ ના મિશન પર ભાષણો આપે છે. સાઇકલ દસ્તો બસપાના તમામ દસ્તાઓમાં સૌથી મોટો છે.

  • ભિખારી દસ્તા: આ દસ્તો પક્ષના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ એકઠું કરે છે. એનો નારો છે, ‘એક વોટ, એક નોટ’. આ મોરચો બહુજન સમાજની વસતીમાં પદયાત્રા કરે છે. વચ્ચે વચ્ચે રોકાઈને સભાઓ કરે છે. ચૂંટણીમાં કાળા ધનના ઉપયોગ સામે આ દસ્તો લોકોને જાગૃત કરે છે અને લોકોને વિશ્વાસ આપે છે કે બસપા પોતાના નાના નાના સંસાધનોથી ચૂંટણી લડશે.

  • જાગૃતિ દસ્તા: ગીતો, નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ આ મોરચો કરે છે. બહુજન સમાજના મહાન નાયકો ફૂલે, શાહુ મહારાજ, પેરિયાર, બાબાસાહેબ, કાંશીરામ ના મિશન વિષે ગીતો દ્વારા જાણકારી આપે છે. મોરચો દલિતો પર થતા અત્યાચારો ઉપર પિક્ચર, વીડીયો કેસેટ બતાવે છે. પ્રકાશ ઝાની ‘દામુલ’ ફિલ્મ પણ ગામે ગામ બતાવવામાં આવે છે.

  • ભાષણ દસ્તા: પક્ષના બુદ્ધિજીવી લોકો આ મોરચામાં કામ કરે છે. તેઓ સ્નાતક થયેલા હોય છે. આ મોરચો વર્તમાન બામણવાદી વ્યવસ્થા, સવર્ણ ઉત્પીડન પર પ્રકાશ પાડે છે.

  • પેન્ટિંગ દસ્તા: આ મોરચો શહેરોથી માંડીને ગામડાઓમાં પક્ષના ચૂંટણી ચિહ્ન, નારા દિવાલ પર લખે છે.

  • ગુપ્તચર દસ્તા: બીજા પક્ષોની ગતિવિધિઓ, રણનીતિઓની જાણકારી રાખે છે અને પક્ષને તેની માહિતી પૂરી પાડે છે.

  • સુરક્ષા દસ્તા: પક્ષની કચેરીઓ તથા સભાઓમાં સુરક્ષાની કામગીરી પૂરી પાડે છે.

  • જીપ દસ્તા: તે સમગ્ર ક્ષેત્રનો પ્રવાસ કરીને અભ્યાસ કરે છે. ઉમેદવારોની સ્થિતિ, ક્ષમતાની માહિતી પૂરી પાડે છે. ચૂંટણીની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તેમાં પક્ષના મુખ્ય કાર્યકરો હોય છે.

  • રણનીતિ દસ્તા: ચૂંટણી વખતે પક્ષની રણનીતિ તૈયાર કરે છે અને કાર્યકરોને માર્ગદર્શન આપે છે. બીજા દસ્તાના લોકો આ દસ્તાને તેમની માહિતી પૂરી પાડે છે. એટલે આ દસ્તો મુખ્ય દસ્તો છે. તેમાં પક્ષના હોદ્દેદારો હોય છે.

  • ચૂંટણી દસ્તો: તેમાં બામસેફના સભ્યો હોય છે, તેઓ ચૂંટણી કાર્યાલયોની વ્યવસ્થા સંભાળે છે.


આર. કે. સિંહના પુસ્તકમાં આવા વિવિધ મોરચાઓની વિગતે જાણકારી તમને મળશે. એ વાંચીને તમને આશ્ચર્ય થશે કે આવું કશું આપણે હાલ બસપામાં જોતા નથી. માન્યવરના નિધન પછી પક્ષે બહુધા માયાવતીના કરિશ્મા પર બધું છોડી દીધું છે. હવે પક્ષમાં નવું લોહી ફરતું થવું જોઇએ.

- રાજુ સોલંકી

May 20, 2019

‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 1

By Raju Solanki  || Written on 16 May 2019




‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ પુસ્તક માન્યવરના બહુજન આંદોલનની જાણકારી આપતું સર્વપ્રથમ પ્રમાણભૂત પુસ્તક છે. એના લેખક આર. કે. સિંહ અલ્હાબાદના ગોવિંદ વલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાનમાં સંશોધનનું કાર્ય કરતા હતા. માન્યવર અલ્હાબાદની સંસદીય પેટાચૂંટણીમાં ઉભા રહ્યા તે સમયે આર. કે. સિંહે બસપા પર થીસિસ લખવાનો નિર્ણય કર્યો હતો. તેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.

આ પુસ્તક લેખકની પાંચ વર્ષની કઠોર તપસ્યાના અંતે લખાયું અને લેખક કહે છે તેમ એમને આ પુસ્તક લખવામાં પારાવાર અડચણો પડેલી. સૌથી પહેલી અડચણ તો બહુ જ વિશિષ્ટ હતી. લેખકના પોતાના શબ્દોમાં, “આમ પણ મારા જેવા સામાન્ય વિદ્યાર્થી માટે પુસ્તક લેખન પોતે એક મુશ્કેલ કાર્ય હતું. અને અહીં મુશ્કેલીનું મુખ્ય કારણ એ હતું કે બસપાનું સમગ્ર કાર્ય ગોપનીય ઢંગથી ચાલતું હતું. ગુપ્તતા બસપાનું મુખ્ય લક્ષણ હતું. લાખ પ્રયાસ કરવા છતાં એની ગુપ્તતા ભેદવી એ લગભગ અશક્ય કામ હતુ. હું સવર્ણ હોવાથી વળી આ કામ વધારે મુશ્કેલ થઈ ગયું હતું. એના નેતા અને કાર્યકર્તા મને શંકાની નજરે જોતા હતા. કેટલાક મને સરકારી ઇન્ફોર્મર, સીઆઈડી, સીબીઆઈનો એજન્ટ કહેતા હતા. તો કોક સવર્ણોનો એજન્ટ કહેતા હતા. ક્યારેક ક્યારેક તો અશ્લીલ શબ્દોનો પણ સામનો કરવો પડતો હતો. મારી ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.”

લેખક આગળ જણાવે છે કે, તેઓ પછી બેત્રણ વાર કાંશીરામને મળ્યા, તેમનો ઇન્ટરવ્યૂ લીધો. એમને તથા કેન્દ્રીય કચેરીને વિશ્વાસમાં લીધી કે પોતે એક સંશોધક છે. લેખક પોતે માર્ક્સવાદી હતા અને તેને કારણે પણ તેમના પર બસપાના કાર્યકરો વિશ્વાસ મુકતા નહોતા. 1987થી માંડીને 1993માં પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધી લેખકે અપાર પરિશ્રમ કરીને બસપા અને કાંશીરામ  વિચારધારા વિષે સંશોધન કર્યું.

આ પુસ્તક બસપાના સ્થાપકની વિચારધારા સમજવા માટે અત્યંત મૂલ્યવાન છે. તમે જુઓ કે માન્યવરે એક સંસદીય પક્ષને સામ્યવાદીઓના અન્ડરગ્રાઉન્ડ સંગઠન જેવી લોખંડી શિસ્તથી ચલાવ્યો અને એક પોલાદી સંગઠન ઉભું કર્યું, જે આજે પણ ભયાનક ઝંઝાવાતો વચ્ચે ઉત્તર પ્રદેશમાં મનુવાદીઓને પડકારી રહ્યું છે અને એ પણ અખબારી નિવેદનોથી કે પત્રકાર પરિષદો ભરીને પોકળ અલ્ટિમેટમો આપીને નહીં, બલ્કે જમીન પર ચુનૌતી આપી રહ્યું છે.

માન્યવર દલિતો પર અત્યાચારો થાય એટલે મીડીયામાં ફોટા છપાવવા કે ટીવીની ચેનલો પર બાઇટ્સ આપવા થનગનતા નહોતા. તેઓ પોતાની વ્યક્તિગત મહત્તા ઉભી કરવા, નામ મોટું કરવા જીવતા નહોતા, તેઓ બહુજનોને સત્તા પર બેસાડવા માટે ટીવી-મીડીયાની ઝાકઝમાળથી દૂર રહીને ગ્રાઉન્ડ લેવલે કાર્યરત હતા.

આ કિતાબ મને બહુ જ મહત્વની લાગી છે અને હજુ આવી દસ પોસ્ટ આ પુસ્તક પર હું કરવા માગુ છું, જેથી આજની યુવા પેઢીને બસપાના જનકની કાર્યશૈલીનો અંદાજ આવશે.

April 20, 2019

સૌથી કપરું કામ : સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું

By Vijay Makwana  || 10 April 2019



સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું એ સૌથી કપરું કામ છે. તેની સ્થાપના કરવા માટે સતત સંઘર્ષ કરતાં રહેવું પડે છે. તમે જરા પણ ગાફેલ રહો તો સામ્રાજ્યવાદી, મુડીવાદી, જાતિવાદી, રંગભેદી, સાંપ્રદાયિક કુત્સિત વિચારધારાઓ ફરી નવા ચહેરાઓ ધારણ કરી બેઠી થઇ જશે. તમે એમ સમજો કે સુસવાટા મારતી તેજ હવાઓ, અને સતત વરસતાં રહેતાં વાદળો વચ્ચે હલકીફુલકી આડશો ઉભી કરી તમે રેતીનો મહેલ ચણી રહ્યાં છો. એકાદ આડશ ખસી ગઇ તો તમારી સદીઓની મહેનત પર પાણી ફરી વળે. અને એટલે સામાજિક ન્યાય માટે લડતાં લોકોએ એક ક્ષણ પણ અટક્યાં વિના જાગૃત રહી સતત લડતું રહેવાનું છે. અહીં ઘણાં લોકોના મનમાં એવી ગ્રંથિ ઘર કરી ગઇ છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તા પરથી નિચે ઉતરી જાય એટલે સોનાનો સૂરજ ઉગી નિકળશે. પણ ખરેખર એવું નથી. સાંપ્રદાયિકતા, જાતિવાદ અને મુડીવાદ એ બલા છે કે જે તમારી સાથે જ તમારી ભિતર સફર કરી રહી હોય છે. મોકો મળતાં જ એ બહાર આવી જશે. આજે તમારી સાથે જે લોકો લડી રહ્યાં છે તે બેશક ખૂબ મહાન લોકો છે પણ ભવિષ્યમાં તેમનામાંથી અથવા તમારામાંથી જ કેટલાંક લોકો અથવા તેમના સંતાનો અથવા તમારા સંતાનો તમારી પર કુઠરાઘાત કરશે, દગો કરશે, માનવતા નેવે મુકશે... કારણ કો, મનુષ્ય સ્વભાવે અહંકારી,લોભી, લાલચુ, સ્વાર્થી પહેલાં છે ..

અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ વિગેરે મહાન લોકો જ્યારે કાળા લોકો માટે સામાજિક ન્યાયની આદર્શ લડાઈ લડી રહેલાં ત્યારે કેટલાંક સારા અને સજ્જન ગોરા લોકો તેમની સાથે ખભે ખભો મિલાવી લડી રહ્યાં હતાં..આજે પરિસ્થિતિ જુદી છે. આજે એજ ગોરાઓના સંતાનો જુદી જુદી રીતે કાળાઓનું શોષણ કરી રહ્યાં છે. રંગભેદ કે જાતિવાદ દૂર કરવા માટે એફર્મેટીવ એક્શન લાગુ કરવાથી કે યોગ્ય પ્રતિનિધિત્વ આપી દેવાથી કે ગુલામો ખરીદવા વેચવા પર પ્રતિબંધ મુકી દેવાથી કે એટ્રોસીટી એક્ટ બનાવી દેવાથી શોષણની વ્યવસ્થા ખતમ નથી થતી. ગુલામીનો અધ્યાય કોઇ કાયદા, કાનુન, ઓર્ડીનન્સથી ખતમ નથી થતો.. માત્ર તમારી જાગરુકતા અને સતત પ્રતિકાર કરવાની ક્ષમતા જ તમને ગુલામ બનતા અટકાવી શકે આ નિર્વિવાદ સત્ય છે.


હમણાં જ આફ્રિકાથી ખૂબ ખરાબ સમાચાર આવ્યાં છે..CNN જેવી ન્યુઝ સંસ્થાએ તે માટે અમેરિકા અને યુરોપની મુડીવાદી વ્યવસ્થાને જવાબદાર ગણાવી છે. લિબિયાના કાળા નાગરિકો માત્ર 400$ જેવી નજીવી રકમમાં અમેરિકા સહિતના યુરોપિય દેશોના ગોરા લોકો ખરીદી રહ્યાં છે. તમને આ સમસ્યા તમારી પોતાની નથી લાગતીને? તો બીજા ખરાબ સમાચાર એ છે કે, અરુણાચલ પ્રદેશ થી ઓરીસ્સા સુધીની પટ્ટીના આદિવાસી વિસ્તારની મહિલાઓ આરબ કન્ટ્રિઝમાં 250$ જેવી મામુલી રકમમાં વેચાઇ રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી વાલ્મિકીઓના ચરણ ધોઈ ચરણામૃત પી રહ્યાં હતાં તે જ દિવસે આસામના ચાર જિલ્લા ઓમાંથી 125 જેટલાં વેઠીયા મજુરોને સરકારી પ્રશાસને મહામહેનતે છોડાવેલાં..તમામ ઘટનાઓ રાષ્ટ્રવાદના શંખનાદ અને વિકાસના ઢોલનગારાંના શોરબકોરમાં ગુમ થઇ જાય છે. તમારા સુધી શોષિતો પિડીતોનો અવાજ ન પહોંચે તે માટે જાતિવાદ અને મુડીવાદ લાગણીભીના દેશભક્તિથી તરબોળ રાષ્ટ્રવાદના દોરડે છદ્મવેશે લટકી ગયાં છે. માત્ર સરકારો બદલવાથી, કાયદાઓ સુદ્રઢ કરવાથી આ સમસ્યા હલ નહી થાય. આ સમસ્યાનો એકજ ઇલાજ છે લોકોના દિમાગને જડ થતાં અટકાવો..સતત જાગૃત કરતાં રહો.. માનવીય સંવેદના બધિર સમાજ કે સમુદાય જલ્દી ગુલામ થઇ જાય છે. તમારે નરેન્દ્ર મોદી કે ભાજપ, કોંગ્રેસ કે રાહુલ ગાંધીઓને હરાવવા કે જીતાડવાનું આંદોલન હરગીજ નથી કરવાનું...વ્યવસ્થા પરિવર્તનનું આંદોલન કરતાં રહેવાનું છે. આંદોલન એ સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે..કેમ કે, માણસ એકમાત્ર પ્રાણી એવું છે જે સ્વાર્થી છે.

January 01, 2019

મહાર રેજિમેન્ટ : શૌર્ય ગાથા નો અમર ઇતિહાસ

By Kiritkumar Manjulaben Vitthalbhai



મહાર રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે શરુઆતમાં મહાર સમુદાયના જ સૈનિકોને ભરતી કરવા માટે ઉભી કરાઈ હતી. પરંતુ, કાળક્રમે વિસ્તાર થતાં તેમાં સૈનિકો સમગ્ર ભારતમાંથી લેવામાં આવે છે.

શિવાજી અને મરાઠા સામ્રાજ્ય હેઠળ

મહાર સૈનિકોને મરાઠી રાજા શિવાજી દ્વારા સ્કાઉટ્ અને દુર્ગપાળ તરીકે ભરતી કરતા હતા. આ જ પરંપરા અનુસરી અને અંગ્રેજોએ પણ તેમને મોટી સંખ્યામાં તેમની સેનામાં લીધા. એક સમયે તેઓ બોમ્બે સેનાના ૧૬% સંખ્યાબળ ધરાવતા હતા. અંગ્રેજો મહાર સૈનિકોને તેમની વીરતા અને વફાદારી માટે ભરતી કરતા હતા અને તેનો મરાઠા સામેના યુદ્ધમાં વિશ્વાસપાત્ર સાબિત થયા હતા. કોરેગાંવની લડાઈમાં સંખ્યાબળની દ્રષ્ટિએ ચડિયાતા પેશ્વા બાજી રાવ બીજાના સૈન્યને મુખ્યત્વે મહાર સૈનિકો ધરાવતી અંગ્રેજ સેનાએ હરાવી દીધા હતા. આ લડાઈના સ્મારક તરીકે કોરેગાંવ સ્તંભ ઉભો કરાયો હતો જે સ્વતંત્રતા સુધી રેજિમેન્ટના ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન બે પલટણોએ બળવો કર્યો હતો.



માર્શલ સમુદાયનો સિદ્ધાંત અને વિસર્જન

બળવા બાદ ભારતીય સેનાના અંગ્રેજ અફસરો અને ખાસ કરીને અફઘાન યુદ્ધમાં ભાગ લઈ ચુકેલા અફસરોએ માર્શલ સમુદાયના સિદ્ધાંતને પ્રચલિત કર્યો. સિદ્ધાંત અનુસાર ભારતીયોમાંના કેટલાક સમુદાય કુદરતી રીતે જ લડાયક વૃત્તિ ધરાવતા હતા અને અન્ય કરતાં તેઓ યુદ્ધ માટે વધુ આદર્શ હતા. આ સિદ્ધાંતને આધારે ભારતીય સેનાનું કાળક્રમે પંજાબીકરણ કરવામાં આવ્યું અને અન્ય સમુદાયોને દૂર કરવામાં આવ્યા. ૧૮૯૨માં ભારતીય સેનાની ગોઠવણી સમુદાયને આધારે કરવામાં આવી અને આમાંથી મહાર સમુદાયને બાકાત રાખવામાં આવ્યો. મહાર સહિત અન્ય કેટલાક સમુદાયમાંથી સૈનિકોની ભરતી બંધ કરવાની જાહેરસૂચના બહાર પાડવામાં આવી. આ સમયે સેનામાં આશરે ૧૦૪ અફસરો અને અનેક સૈનિકો મહાર સમુદાયના હતા તેમને છૂટા કરવામાં આવ્યા. આ ઘટનાને મહાર સમુદાય દ્વારા અંગ્રેજ સરકારનો વિશ્વાસઘાત તરીકે ગણવામાં આવ્યો.



૧૮૯૨-૧૯૪૧

મહાર સૈનિકોના વિસર્જન બાદ સમુદાયના અનેક નેતાઓ દ્વારા સેનામાં ભરતીમાં છૂટ આપવા સરકારને અરજીઓ કરાઈ. જેમાં ૧૮૯૪માં ગોપાલ બાબા વાલાંગકર અને ૧૯૦૪માં શિવરામ જાનબા કામ્બલે નામના ભૂતપૂર્વ સૈનિક હતા. આ અરજીઓને રાજકારણી અને સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલે એ સૈદ્ધાંતિક ટેકો આપ્યો કારણ કે તેઓ પણ માર્શલ સમુદાય સિદ્ધાંતના વિરોધિ હતા. તે અરજીઓને કોંગ્રેસનો પણ ટેકો મળ્યો કારણ કે તે પણ ભારતીય સૈન્યની ભરતીના નિયમોની વિરુદ્ધ હતી.

સૈન્યની ભરતી નીતિઓ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ૧૯૧૪ સુધી ન બદલાઈ. યુદ્ધના કારણે સરકારને આમાં ફેરફાર કરવા ફરજ પડી અને મહાર સમુદાયને અંતે સેનામાં ભરતી થવા છૂટ મળી. જૂન ૧૯૧૭માં એક પલટણ ઉભી કરવામાં આવી. જોકે યુદ્ધમાં તેને કાર્યવાહીમાં ભાગ લેવાનો અવસર ન મળ્યો. ૧૯૨૦માં તેને પંજાબ રેજિમેન્ટની પલટણમાં વિલિન કરવામાં આવી અને પલટણને વિખેરી નાખવામાં આવી.

યુદ્ધો વચ્ચેના ગાળામાં સરકારને ભરતી માટે મનાવવાના પ્રયત્નો અનેકગણા વધારવામાં આવ્યા અને તેના એક આધાર તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર પણ આગળ આવ્યા. જેમના પિતા સુબેદાર મેજર રામજી માલોજી સકપાલ અંગ્રેજ ભારતીય સેનામાં સૈનિક હતા. જોકે સેનામાં ફેરફાર કરવાનો મૂળ પ્રસ્તાવ ૧૯૩૦નો હતો પરંતુ વૈશ્વિક આર્થિક મંદીને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે સરકારને ફરી એક વખત ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાની ફરજ પડી.



મહાર રેજિમેન્ટ ઉભી કરાઈ

જુલાઈ ૧૯૪૧માં ડૉ. આંબેડકરને રક્ષા સલાહકાર સમિતિમાં નિમવામાં આવ્યા. આ નિયુક્તિનો લાભ લઈ અને તેમણે સૈન્ય ઉપર મહાર રેજિમેન્ટ ઉભી કરવા દબાણ કર્યું. આ દબાણને કારણે ઓક્ટોબર ૧૯૪૧માં બેલગામ ખાતે ૧લી પલટણ ઉભી કરવામાં આવી. જૂન ૧૯૪૨માં કામ્ટી ખાતે ૨જી પલટણ ઉભી કરાઈ. તે જ વર્ષે ૩જી અને ૨૫મી પલટણ પણ ઉભી કરાઈ. યુદ્ધ દરમિયાન ૧લી અને ૩જી પલટણ સરહદી પ્રાંતમાં તૈનાત હતી. તેને આંતરિક સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨જી અને ૨૫મી પલટણ પણ આંતરિક સુરક્ષામાં તૈનાત હતી. ૨જી પલટણને બર્મા ખાતે લડવાનો મોકો મળ્યો હતો અને તેણે પાંચ સૈનિકો ગુમાવ્યા અને એક અફસરને સન્માનનીય ઉલ્લેખ અપાયો હતો. યુદ્ધ બાદ તેણે ઈરાક ખાતે પણ ફરજ બજાવી હતી. ૧૯૪૬માં ૨૫મી પલટણનું વિસર્જન કરાયું અને તેના સૈનિકો અને અફસરોને અન્ય ત્રણ પલટણોમાં વિલિન કરી દેવાયા. ઓક્ટોબર ૧૯૪૬માં તેનું રેજિમેન્ટનું મુખ્યાલય કામ્ટી ખાતે સ્થાપવામાં આવ્યું.



બોર્ડર સ્કાઉટ્

બોર્ડર સ્કાઉટ્સએ પૂર્વ પંજાબના સરહદી ગામોના લોકોએ ઉભી કરેલા હંગામી સેના દળ હતા. તેમાં હાલના પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી લોકો ભરતી કરાયા હતા. તેમાં વિવિધ સમુદાયના લોકોનો સમાગમ હતો અને ભારતીય સેના પ્રમાણેના કોઈ ધારા ધોરણો નહોતાં. ભાગલા દરમિયાન તેમણે સરહદના ગામોને હુમલાઓથી બચાવવા મહત્ત્વપૂર્ણ રક્ષણ આપ્યું હતું. ૧૯૪૮માં તેમને પૂર્વ પંજાબ સરહદી સ્કાઉટ્સ એવા નામ હેઠળ કાયમી કરાયા અને પંજાબ હથિયારી પોલીસ સાથે ફરજ સોંપાઈ. ૧૯૫૧માં તેમને બોર્ડર સ્કાઉટ્સ નામ આપી અને ૧લી, ૨જી અને ૩જી પલટણમાં સુવ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા. તેમાં ઉત્તર ભારતના વિવિધ સમુદાયોમાંથી સૈનિકોની ભરતી કરવામાં આવી. ૧૯૫૬માં આ ત્રણ પલટણો મહાર રેજિમેન્ટ સાથે ૪થી, ૫મી અને ૬ઠી પલટણ તરીકે વિલિન કરવામાં આવી. આ પરથી રેજિમેન્ટને તેનો વિવિધ સમુદાયમાંથી ભરતી કરવાનો વારસો મળ્યો. આજે પણ આ ત્રણ પલટણો પોતાને મહાર રેજિમેન્ટ (બોર્ડર) એવા નામથી ઓળખાવે છે.