July 30, 2019

ખૈરલાંજી હત્યાકાંડ, 2006 (24/05/19 સુપ્રીમ કોર્ટનો ચુકાદો)

By Vishal Sonara || 29 July 2019




29 સપ્ટેમ્બર 2006 ના રોજ મહારાષ્ટ્ર ના ખૈરલાંજી મા બનેલ જઘન્ય હત્યાકાંડ પર સુપ્રીમ કોર્ટે ના જજ અરૂણ મિશ્રા, ભૂષણ આર ગવઈ અને સુર્ય કાંત ની બેચનુ એવુ તારણ છે કે તે હત્યાકાંડ જાતિવાદ ના લીધે નહી પરંતુ આપસી અણબનાવ ના કારણે બન્યો હતો તેથી તેના ગુનેગારોને ફાંસીની સજાને બદલે આજીવન કેદની સજા મળવા પાત્ર છે.
આજકાલ મોબ લિંચીંગની ઘટનાઓ પર લોકો ખૂબ વાત કરી રહ્યા છે ત્યારે તે લોકોઅે જાણી લેવુ જોઈએ કે જેને તમે આજે દેશ માટે નુકસાનકારક ગણી રહ્યા છો તે મોબ લિંચીંગ આ દેશમાં જાતિવાદ ને કેંદ્રમા રાખીને જોઈઅે તો અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો સાથે હજારો વર્ષોથી થઈ રહ્યુ છે. એવો જ એક કિસ્સો છે આ ખૈરલાંજી હત્યાકાંડ.



હત્યાકાંડ ની વિગતો :-
મહારાષ્ટ્રના ભંડારા જીલ્લા ના ખૈરલાંજી ગામે તારીખ 29 સપ્ટેમ્બર 2006 ના રોજ સાંજના સમયે જાતિગત ધ્રુણા થી અેક ખૂની ખેલ ખેલાયો હતો જેમા અેક અનુસૂચિત જાતિના ભોતમાંગે પરિવારના ચાર વ્યક્તિઓની સાથે કલાકોના કલાકો સુધી અત્યાચારો થયા અને અંતે તેઓ ચારેય મૃત્યુ પામ્યા.
સુરેખા ભોતમાંગે (ઉમર 45), તેમની દિકરી પ્રિયંકા (17), બે દિકરા રોશન (21) અને સુધીર (23) આ મોબ લિંચીંગ નો ભોગ બન્યા હતાં. પોતાની માલિકીની જમીન પર ગામના અન્ય લોકો અવૈધ કબ્જો કરવા માંગતા હતા તેનો ઝઘડો ચાલતો હતો. ખૈરલાંજી ગામમાં 800 ની વસ્તી હતી, કણબી અને કલાર અેમ બે મુખ્ય ઓબીસી જાતિઓ અને થોડા આદિવાસીઓની વસ્તી હતી જ્યારે અનુસૂચિત જાતિના ફક્ત ત્રણ જ પરિવાર ત્યા વસતા હતા.
29 સપ્ટેમ્બર 2006 ની સાંજે ભોતમાંગે પરિવાર ના ચારેય સભ્યોને ગામના કહેવાતા ઉચ્ચ હિંદુઓએ ટોળામાં ભેગા થઈને ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યા તથા નિર્વસ્ત્ર કરીને ગામ આખામાં પરેડ કરાવી. બંને દિકરાઓને માર મારીને માતા તથા પુત્રી સાથે સંભોગ કરવા માટેની ફરજ પાડવાની કોશિશ કરવામાં આવી જ્યારે તેઓએ સામો પ્રતિકાર કરતા સ્ત્રીઓ પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યા તથા ચારેય વ્યક્તિઓને ખૂબ પ્રતાડીત કરવામાં આવ્યા અને અંતે હત્યા કરીને ગામની નજીકમાં આવેલી એક કેનાલમા ફગાવી દેવામાં આવ્યાં.

કુટુંબના મુખ્ય સભ્ય ભૈયાલાલ ભોતમાંગે હાજર ન હોવાથી બચી ગયા હતા. તેઓ ન્યાય ની લડત આપતા આપતા જાન્યુઆરી 2017 મા મૃત્યુ પામ્યા હતા.

કોર્ટ મેટર :-આ બનાવમા પોલીસ દ્વારા 47 લોકોને પકડવામાં આવ્યા હતાં તેમાંથી 11 લોકો ને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં અને બાકીના ને છોડી મુકાયા હતા. કોર્ટ - હાઈકોર્ટ ના અવનવા ચુકાદાઓના અંતે તે 11 માંથી 4 નરાધમોને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે તે સજાને ફાંસી ને બદલે ઉમરકેદ મા બદલી નાખી. તેની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી જેને હવે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દઈને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.

હવે, સુપ્રીમ કોર્ટના મીલોર્ડ માનવા તૈયાર નથી કે આ હત્યાકાંડ જાતિવાદી માનસિકતા ના પરિણામે બન્યો હતો. જ્યારે તેઓએ તો બનાવની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને કડકમાં કડક સજા આપવી જોઈતી હતી.



ફેસબુક પોસ્ટ :-


July 20, 2019

ગુજરાતી પાઠ્યપુસ્તકમાં બાબાસાહેબના સૂત્રને જ બદલી નાંખ્યું..!!!

By Raju Solanki  || 20 July 2019






ધોરણ પાંચના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં 76મા પાને 13મો પાઠ ‘ભારતરત્ન: ડો. આંબેડકર’ છે. તેના લેખિકા હાસ્યદા પંડ્યા છે. આ પાઠમાં, જાણતા કે અજાણતાં, એક મોટી ભૂલ કરવામાં આવી છે કે પછી થઈ ગઈ છે. 

લેખિકા લખે છે, “બાબાસાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે.’ ....”

બાબાસાહેબે આવું કોઈ સૂત્ર ક્યારેય આપ્યું હોવાનું મારી જાણમાં નથી.

6 મે, 1945ના રોજ મુંબઈમાં ઓલ ઇન્ડીયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને સંબોધતી વખતે બાબાસાહેબે આ સૂત્ર આપેલું અને ‘કોમી મડાગાંઠ અને અને તેનો ઉકેલવાનો માર્ગ’ ગ્રંથમાં આ ભાષણનો સમાવેશ થયો છે. એની સો ટકા અધિકૃત ટેક્સ્ટ નીચે મુજબ છે,

“There is a lamentable lack of resources at our command. We have no money. We have no press. The crudest of tyrannies and oppressions, to which our people are subjected, day in and day out all over India, are never reported by the Press. Even our views on social and political questions are systematically suppressed by an organized conspiracy on the part of the Press. We have no funds to maintain a machinery, to render help to our people and to educate, agitate and organize them.”

ભારતીય ખ્રિસ્તી સમુદાયના સંદર્ભમાં પણ બાબાસાહેબે આ સૂત્રનો ઉપયોગ કરેલો છે, જે નીચે મુજબ છે,

“The Indian Christians are living in sheltered waters. They are, at any rate, a large majority of them are living in the laps of the missionaries. For their education, for their medical care, for religious ministration and for most of their petty needs they do not look to Government. They look to the Missions. if they were dependent upon Government they would be required to mobilize, to agitate, educate, and organize their masses for effective political action.”

આમાં, ક્યાંય સ્વાવલંબન જ સાચી સહાય છે, એવું બાબાસાહેબે કહ્યું નથી. બાબાસાહેબે સંઘર્ષ કરવાની, લડવાની, આંદોલન કરવાની વાત કરી છે. હાસ્યદા પંડ્યા આવું હાસ્યાસ્પદ સૂત્ર ક્યાંથી લઈ આવ્યા હશે? બાબાસાહેબના એક અત્યંત જાણીતા સ્લોગનને તોડી મરોડીને આવી રીતે રજુ કરવાનું એમને કોણે કહ્યું હશે? એમણે પોતાની વિવેકબુદ્ધિથી આવો ફેરફાર કર્યો હોય તો આવું કરવાનો એમનો કોઈ અધિકાર જ નથી.

સુભાષચંદ્ર બોઝે “તુમ મુઝે પૈસા દે દો, મૈં તુમ્હે આઝાદી દુંગા,” આવું કહેલું? કોઈ પાઠ્યપુસ્તકમાં આવું છપાય તો કેટલો ઉહાપોહ થાય? ગુજરાત સરકાર ઇચ્છતી નથી કે પ્રજા આંદોલન કરે, સંઘર્ષ કરે અને એટલે આવું ક્યાંય બાબાસાહેબે કહેલું હોય તો એને પણ તોડી મરોડીને રજુ કરો એવો વણલખ્યો આદેશ બહાર પાડ્યો હોય એવું બની શકે.

ગુજરાતના આંબેડકરવાદીઓએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે તેઓ એક મૃતપ્રાય થઈ રહેલી પ્રજાતિ છે. આટલી મોટી ગરબડ થઈ છે અને આંબેડકરવાદીઓ ઠંડે કલેજે બેઠા છે.

- રાજુ સોલંકી (20 જુલાઈ, 2019)




FB

June 18, 2019

શિક્ષણ નુ સ્તર અને ખાનગી શાળાઓ

By Vijay Makwana  || 10 June 2019


એક વખત હતો સુરેન્દ્રનગરની જે.એન.વી સ્કુલ, આર.પી.પી ગર્લ્સ સ્કુલ, કે.પી બોયઝ & ગર્લ્સ સ્કુલ, અમદાવાદની દિવાન બલ્લુભાઇ અને સી.એન. શેઠ વિદ્યાલયનો તેમજ બીજા ઘણાં જીલ્લાની શાળાઓ પણ સામેલ કરીએ તો આ તમામ સરકારી/અર્ધ સરકારી શાળાઓનો ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં દબદબો હતો..રાજ્યના તમામ ટોપર્સ આ શાળાઓમાંથી નિકળતા.. ગુજરાતના પ્રશાસનમાં ચાવીરુપ વિભાગો પર આજે પણ તે શાળાઓના વિદ્યાર્થીઓ બેઠા છે.. વર્ષ 2000 પછી એવો પ્રોપેગન્ડા ચલાવવામાં આવ્યો કે સરકારી શાળાઓની હાલત કથળતી જાય છે. સરકાર પર શિક્ષણ ખર્ચનો બોજો છે..ફલાણું ઢીંકણું.. તમને એ હદે સરકારી શાળાની એલર્જી ઉભી કરી દીધી કે, એ જ શાળાઓ, એ જ શિક્ષકો, એ જ સુવિધાઓ મૌજૂદ હોવા છતાં નવી પરવાના આપેલી શાળાઓમાં તમે તમારા સંતાનો મુકવા લાગ્યાં.. આજે પરિસ્થિતી એ છે કે.. ઉપરોક્ત શાળાઓ બંધ થવાની અણી ઉપર છે.. ખાનગી શાળાઓ જાહેરાતની ચમક દમક જ એટલી હોય છે કે, તમોને ઉપરોક્ત શાળાઓ તુચ્છ લાગે!

અને બીજી એક ખાનગી વાત.. જે ખાનગી શાળાઓ આજે ટોપર્સ આપી રહી છે તે સિલેક્ટેડ સવાલો ગોખાવી રહી છે. સિલેક્ટેડ મટિરીયલ બાળકોને આપી રહી છે. બાળકોને પેપર લખવાની ખાસ સિક્રેટ ટીપ્સ આપી રહી છે. તે બાળકોના પેપર્સ બોર્ડ પરિક્ષકોની ખાસ ટીમ તપાસતી હોય છે જેમને તમામ સિક્રેટ કોડ અગાઉથી શિખવવામાં આવેલ હોય છે. તેઓ ખાસ પ્રકારની મેથડ ચકાસતા જાય અને પર્સેન્ટાઇલ/પર્સેન્ટેજ/માર્કસનો મબલક પાક ઉતરતો જાય.. શાળા ટોપ! તમારું બાળક ટોપ!

હું ખોટો લાગું છું ને?

તો આવો કસોટી કરીએ!

દસેક આડોઅવળા સવાલો પાઠ્ય પુસ્તકમાંથી તમે તમારા બાળકને પૂછી જુઓ..જો તેને પરસેવો વળે તો.. મારી વાત સાચી માનજો...

May 21, 2019

કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 2

By Raju Solanki  || Written on 16 May 2019







આ વાત કાંશીરામ ના સમયની છે, તમે વાંચો ત્યારે નજર સમક્ષ 1990નો સમય રાખજો. અહીં જે વર્ણન કર્યું છે એવી સક્રિયતા હાલ તમને જોવા ના પણ મળે. કેમ કે ત્યારે કાંશીરામ નો ચાબૂક વીંઝાતો હતો.


બહુજન વિચારધારાના પ્રચાર માટે કાંશીરામે પક્ષમાં વિવિધ મોરચા (હિન્દીમાં દસ્તા , અંગ્રેજીમાં ફ્રન્ટ) ઉભા કર્યા. જેમ કે,


  • સાઇકલ દસ્તા: બસપાનો આ સૌથી સશક્ત ફ્રન્ટ છે. પક્ષના કાર્યકરો સમૂહમાં સૂત્રો પોકારતા નીકળે છે. એમાં ‘બમન, બનીયા, ઠાકુર છોડ, બાકી સબ ડીએસફોર’નો નારો બહુ જ લોકપ્રિય છે. જોકે, કાંશીરામ  આ નારા પર ભાર મૂકતા નથી અને તેઓ કાર્યકરોને આ નારો બોલવાની ના પાડે છે.

    સાઇકલ દસ્તો સભાઓ કરવા કરતાં લોકોને વ્યક્તિગતરૂપે મળવા ઉપર વધારે ભાર મૂકે છે. બહુ મોટી સભાઓ કરતા નાની નાની સભાઓ કરે છે. એક દિવસમાં 50-60 કિમી.ની યાત્રા તેઓ સાયકલ પર કરે છે. રોજ દસ્તાના કાર્યક્રમો નક્કી થાય છે. રસ્તામાં તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ દસ્તામાં માત્ર પુરુષો જ હોય છે, સ્ત્રીઓ હોતી નથી. એમાં 10થી 15 વર્ષના તરુણો પણ ભાગ લેતા હોય છે. આ તરુણો નાની સભાઓમાં બહુજન વિચારધારા, કાંશીરામ ના મિશન પર ભાષણો આપે છે. સાઇકલ દસ્તો બસપાના તમામ દસ્તાઓમાં સૌથી મોટો છે.

  • ભિખારી દસ્તા: આ દસ્તો પક્ષના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ એકઠું કરે છે. એનો નારો છે, ‘એક વોટ, એક નોટ’. આ મોરચો બહુજન સમાજની વસતીમાં પદયાત્રા કરે છે. વચ્ચે વચ્ચે રોકાઈને સભાઓ કરે છે. ચૂંટણીમાં કાળા ધનના ઉપયોગ સામે આ દસ્તો લોકોને જાગૃત કરે છે અને લોકોને વિશ્વાસ આપે છે કે બસપા પોતાના નાના નાના સંસાધનોથી ચૂંટણી લડશે.

  • જાગૃતિ દસ્તા: ગીતો, નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ આ મોરચો કરે છે. બહુજન સમાજના મહાન નાયકો ફૂલે, શાહુ મહારાજ, પેરિયાર, બાબાસાહેબ, કાંશીરામ ના મિશન વિષે ગીતો દ્વારા જાણકારી આપે છે. મોરચો દલિતો પર થતા અત્યાચારો ઉપર પિક્ચર, વીડીયો કેસેટ બતાવે છે. પ્રકાશ ઝાની ‘દામુલ’ ફિલ્મ પણ ગામે ગામ બતાવવામાં આવે છે.

  • ભાષણ દસ્તા: પક્ષના બુદ્ધિજીવી લોકો આ મોરચામાં કામ કરે છે. તેઓ સ્નાતક થયેલા હોય છે. આ મોરચો વર્તમાન બામણવાદી વ્યવસ્થા, સવર્ણ ઉત્પીડન પર પ્રકાશ પાડે છે.

  • પેન્ટિંગ દસ્તા: આ મોરચો શહેરોથી માંડીને ગામડાઓમાં પક્ષના ચૂંટણી ચિહ્ન, નારા દિવાલ પર લખે છે.

  • ગુપ્તચર દસ્તા: બીજા પક્ષોની ગતિવિધિઓ, રણનીતિઓની જાણકારી રાખે છે અને પક્ષને તેની માહિતી પૂરી પાડે છે.

  • સુરક્ષા દસ્તા: પક્ષની કચેરીઓ તથા સભાઓમાં સુરક્ષાની કામગીરી પૂરી પાડે છે.

  • જીપ દસ્તા: તે સમગ્ર ક્ષેત્રનો પ્રવાસ કરીને અભ્યાસ કરે છે. ઉમેદવારોની સ્થિતિ, ક્ષમતાની માહિતી પૂરી પાડે છે. ચૂંટણીની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તેમાં પક્ષના મુખ્ય કાર્યકરો હોય છે.

  • રણનીતિ દસ્તા: ચૂંટણી વખતે પક્ષની રણનીતિ તૈયાર કરે છે અને કાર્યકરોને માર્ગદર્શન આપે છે. બીજા દસ્તાના લોકો આ દસ્તાને તેમની માહિતી પૂરી પાડે છે. એટલે આ દસ્તો મુખ્ય દસ્તો છે. તેમાં પક્ષના હોદ્દેદારો હોય છે.

  • ચૂંટણી દસ્તો: તેમાં બામસેફના સભ્યો હોય છે, તેઓ ચૂંટણી કાર્યાલયોની વ્યવસ્થા સંભાળે છે.


આર. કે. સિંહના પુસ્તકમાં આવા વિવિધ મોરચાઓની વિગતે જાણકારી તમને મળશે. એ વાંચીને તમને આશ્ચર્ય થશે કે આવું કશું આપણે હાલ બસપામાં જોતા નથી. માન્યવરના નિધન પછી પક્ષે બહુધા માયાવતીના કરિશ્મા પર બધું છોડી દીધું છે. હવે પક્ષમાં નવું લોહી ફરતું થવું જોઇએ.

- રાજુ સોલંકી

May 20, 2019

‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 1

By Raju Solanki  || Written on 16 May 2019




‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ પુસ્તક માન્યવરના બહુજન આંદોલનની જાણકારી આપતું સર્વપ્રથમ પ્રમાણભૂત પુસ્તક છે. એના લેખક આર. કે. સિંહ અલ્હાબાદના ગોવિંદ વલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાનમાં સંશોધનનું કાર્ય કરતા હતા. માન્યવર અલ્હાબાદની સંસદીય પેટાચૂંટણીમાં ઉભા રહ્યા તે સમયે આર. કે. સિંહે બસપા પર થીસિસ લખવાનો નિર્ણય કર્યો હતો. તેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.

આ પુસ્તક લેખકની પાંચ વર્ષની કઠોર તપસ્યાના અંતે લખાયું અને લેખક કહે છે તેમ એમને આ પુસ્તક લખવામાં પારાવાર અડચણો પડેલી. સૌથી પહેલી અડચણ તો બહુ જ વિશિષ્ટ હતી. લેખકના પોતાના શબ્દોમાં, “આમ પણ મારા જેવા સામાન્ય વિદ્યાર્થી માટે પુસ્તક લેખન પોતે એક મુશ્કેલ કાર્ય હતું. અને અહીં મુશ્કેલીનું મુખ્ય કારણ એ હતું કે બસપાનું સમગ્ર કાર્ય ગોપનીય ઢંગથી ચાલતું હતું. ગુપ્તતા બસપાનું મુખ્ય લક્ષણ હતું. લાખ પ્રયાસ કરવા છતાં એની ગુપ્તતા ભેદવી એ લગભગ અશક્ય કામ હતુ. હું સવર્ણ હોવાથી વળી આ કામ વધારે મુશ્કેલ થઈ ગયું હતું. એના નેતા અને કાર્યકર્તા મને શંકાની નજરે જોતા હતા. કેટલાક મને સરકારી ઇન્ફોર્મર, સીઆઈડી, સીબીઆઈનો એજન્ટ કહેતા હતા. તો કોક સવર્ણોનો એજન્ટ કહેતા હતા. ક્યારેક ક્યારેક તો અશ્લીલ શબ્દોનો પણ સામનો કરવો પડતો હતો. મારી ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.”

લેખક આગળ જણાવે છે કે, તેઓ પછી બેત્રણ વાર કાંશીરામને મળ્યા, તેમનો ઇન્ટરવ્યૂ લીધો. એમને તથા કેન્દ્રીય કચેરીને વિશ્વાસમાં લીધી કે પોતે એક સંશોધક છે. લેખક પોતે માર્ક્સવાદી હતા અને તેને કારણે પણ તેમના પર બસપાના કાર્યકરો વિશ્વાસ મુકતા નહોતા. 1987થી માંડીને 1993માં પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધી લેખકે અપાર પરિશ્રમ કરીને બસપા અને કાંશીરામ  વિચારધારા વિષે સંશોધન કર્યું.

આ પુસ્તક બસપાના સ્થાપકની વિચારધારા સમજવા માટે અત્યંત મૂલ્યવાન છે. તમે જુઓ કે માન્યવરે એક સંસદીય પક્ષને સામ્યવાદીઓના અન્ડરગ્રાઉન્ડ સંગઠન જેવી લોખંડી શિસ્તથી ચલાવ્યો અને એક પોલાદી સંગઠન ઉભું કર્યું, જે આજે પણ ભયાનક ઝંઝાવાતો વચ્ચે ઉત્તર પ્રદેશમાં મનુવાદીઓને પડકારી રહ્યું છે અને એ પણ અખબારી નિવેદનોથી કે પત્રકાર પરિષદો ભરીને પોકળ અલ્ટિમેટમો આપીને નહીં, બલ્કે જમીન પર ચુનૌતી આપી રહ્યું છે.

માન્યવર દલિતો પર અત્યાચારો થાય એટલે મીડીયામાં ફોટા છપાવવા કે ટીવીની ચેનલો પર બાઇટ્સ આપવા થનગનતા નહોતા. તેઓ પોતાની વ્યક્તિગત મહત્તા ઉભી કરવા, નામ મોટું કરવા જીવતા નહોતા, તેઓ બહુજનોને સત્તા પર બેસાડવા માટે ટીવી-મીડીયાની ઝાકઝમાળથી દૂર રહીને ગ્રાઉન્ડ લેવલે કાર્યરત હતા.

આ કિતાબ મને બહુ જ મહત્વની લાગી છે અને હજુ આવી દસ પોસ્ટ આ પુસ્તક પર હું કરવા માગુ છું, જેથી આજની યુવા પેઢીને બસપાના જનકની કાર્યશૈલીનો અંદાજ આવશે.