March 28, 2020

શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ

By Raju Solanki  || 26 March 2020

Coronavirus In India: 100 Students And Teachers Gone To Leave ...
સરકારે ગામડાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ.

જ્યારે આવા સંક્રમિત લોકોને એરપોર્ટ પર અટકાવવાના હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં શું ચાલી રહ્યું હતું એ હવે યાદ કરો.

એ વખતે ભાજપના વાડામાં કોંગ્રેસના ઘેટાઓ એટલે કે ધારાસભ્યોને લાવવાનું ઓપરેશન રાજસભા ચાલી રહ્યું હતું. કોંગ્રેસના ઘેટા ભારતમાતાની સેવા કરવા ભાજપમાં નહોતા જઈ રહ્યા. તેઓ પોતાની કિંમત જણાવી રહ્યા હતા. અને તેમની કિંમત પ્રમાણે નોટોની કોથળીઓ કમલમમાંથી ટ્રકો ભરીને કોંગ્રેસના ધારાસભ્યોના ઘરોએ પહોંચી રહી હતી. મોટા પાયે કાળા નાણાની હેરફેર ચાલી રહી હતી.

જે સમયે રાજ્ય પર કોરોનાની ભૂતાવળ ત્રાટકવાની તૈયારીમાં હતી ત્યારે ગાંધીનગરમાં સત્તાનો આ વરવો ખેલ ચાલી રહ્યો હતો.

અને કોંગ્રેસ પક્ષ એના ઘેટાઓને બચાવવા માટે સાગમટે સૌને જયપુર લઈ જઈ રહ્યો હતો. જયપુરમાં કોંગ્રેસીઓ જલસા કરી રહ્યા હતા.

આવા સમયે વિધાનસભાનું સત્ર મળ્યું. પરંતુ ત્યારે એક પણ ધારાસભ્ય કોરોનાનો ક ઉચ્ચારવા તૈયાર નહોતો. ત્યારે કોઈ ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ આપવા માટે જાહેરાતો કરતો નહોતો.

અને એ સમયે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ પરથી કોરોનાના સંક્રમિત દર્દીઓ વિના રોકટોક ટેક્ષીમાં બેસીને એમના ઘરે જઈ રહ્યા હતા. બીજા સેંકડો લોકોને કોરોનાનો ચેપ લગાડી રહ્યા હતા.

એક તરફ, સત્તાખોરો ખુરસીની આસપાસ ગરબા ગાતા હતા, ત્યારે કોરોનાનો જીવલેણ વાયરસ ગુજરાતમાં ઘૂસી રહ્યો હતો.

હવે સરકાર સફાળી જાગી છે. જાગીને લોકોને લોકડાઉન કરી દીધા છે. ગરીબોની રોજગારી છીનવાઈ ગઈ છે. એરપોર્ટ પરથી ઉતરતા કોરોના સંક્રમિત લોકોને દંડા મારવાના બદલે પોલિસ નિર્દોષ, નિરપરાધ લોકોને દંડી રહી છે. અને છ છ મહિનાનું કરીયાણું, સામાન બંગલાઓ અને ફ્લેટોમાં ભરીને બેઠેલા ધનવાન લોકો પોલિસના દંડાનો માર ખાતા અસભ્ય લોકોની મજાક કરી રહ્યા છે.

ગઈ કાલે અમદાવાદથી પલાયન કરી રહેલા હજારો લોકોના ફોટા કર્મશીલોએ સોશીયલ મીડીયા પર મૂક્યા. આદિવાસી પરીવારો ચાલતા નીકળી પડેલા ત્રણસો-ચારસો કિમી દૂર આવેલા રાજસ્થાનના એમના ગામડાઓ તરફ. એ એક નજારો હતો. ગુજરાતમાં સરકાર નામનીકોઈ ચીજ નથી એની ગવાહી પૂરતું એ દ્રશ્ય હતું. ગુજરાતના ધારાસભ્યોને કર્મશીલોએ ફોનો કર્યા. કોઈએ ઉપાડ્યા નહીં. બધાને જાન વહાલો છે. ધારાસભ્યોને તો જાન ઉપરાંત ખુરસીની પણ ચિંતા કરવાની છે.

182 ધારાસભ્યો ચૂપ છે. 182 ધારાસભ્યો એક વ્યવસ્થાનો ભાગ છે.

કોરોનાને કારણે ભૂખે મરતા લોકો વ્યવસ્થાની બહાર છે.

આ વ્યવસ્થામાં તમે કોની સાથે છો?

રાજુસોલંકી

No comments:

Post a Comment