July 03, 2018

વળતરના ઢોકળાં અને દલિતની જિંદગીનું મૂલ્ય

By Raju Solanki  || 25 May 2018




સલમાનખાને ફુટપાથ પર સૂતેલા ગરીબોને કચડી મારેલા. એ ગરીબોનો ન્યાય પણ ના મળ્યો, વળતર પણ ના મળ્યું. સલમાને મરનારાના કુટુંબીજનોને રૂપિયા પાંચસો કરોડ વળતર પેટે ચૂકવવા એવો આદેશ અદાલતે આપ્યો હોત તો સલ્લુની ચરબી ઉતરી ગઈ હોત.

ખરેખર તો ન્યાયિક પ્રક્રિયામાં વળતરને સાંકળવાની જરૂર છે. વિકસિત દેશોમાં વળતર એટલે કે કમ્પેન્શેસનની બહુ મોટી અહેમિયત છે. એટલે જ સ્તો અમેરિકા-યુરોપની મલ્ટી નેશનલ દવા કંપનીઓ એમની ખતરનાક નવી દવાઓના અખતરા કરવા માટે ભારતને પ્રયોગભૂમિ બનાવે છે. ભારતમાં એથિક્સ કમિટી શું બલા છે એની જ કોઇને ખબર નથી. ભારતની અદાલતોને આવા કેસોમાં શું વળતર આપવું એનું જ ભાન નથી. ભારતમાં મનુષ્યની જિંદગીની કોઈ જ કિંમત નથી. આ જ કારણ છે કે યુરોપ-અમેરિકાના સંતાનો આણંદની ગરીબ માતાઓની કૂખે સરોગસીથી પેદા થાય છે. ભારતમાં ગરીબ માતાની કૂખ બટાકા-રીંગણાના ભાવથીય સસ્તી છે. અને એટલા માટે જ જે કાર્બાઇડના ઉત્પાદન પર અમેરિકામાં પ્રતિબંધ હતો તેની ફેક્ટરી ભોપાલમાં ખોલી શકાય છે, જેના ઝેરી ગેસથી એક જ રાતમાં માત્ર પાંચ મિનિટમાં પાંચ હજાર લોકો ઉંઘમાં જ મોતને શરણ થઈ જાય છે. કાર્બાઇડને ખબર હતી કે ભારતમાં જ્યારે મૃતકોના વળતરની વાત આવશે ત્યારે ચણા-મમારાના ભાવે વળતર ચૂકવવાનું છે.

એક સામાન્ય ભારતીયની જિંદગીનું કોઈ જ મૂલ્ય નથી. અને એમાં પણ દલિતની જિંદગીની શું કિંમત? દલિત એટલે ભાજી-મૂળા, મગતરું, મચ્છર. દલિત મરી જાય કે એની બહેન-દીકરી પર બળાત્કાર થાય તો આપી દો બે-પાંચ લાખ રૂપિયા. વાર્તા પૂરી. દલિતને ભાજી-મૂળ બનાવવાની પ્રક્રિયા કોંગ્રેસના રાજમાં શરૂ થઈ હતી, ભાજપના રાજમાં ચાલુ જ છે.

કેમ કે, દલિતોએ પોતે પોતાની કિંમત ઓછી આંકી છે. દલિત હત્યા પછી શોકસભામાં જાવ. શું થશે? વિપક્ષી રાજકારણીઓ હાથ જોડતા જોડતા આવે છે. ગુંજામાં બે-પાંચ લાખ લઈને આવે છે. જાહેરમાં પીડિત પરીવારને સહાયની જાહેરાત કરે છે. ફોટા પડે છે. પીડિતો બે હાથ જોડીને ઉભા રહે છે. તમે સત્તા પર હતા ત્યારે જેમના લોહી ચૂસી ચૂસીને તમે કરોડો રૂપિયા બનાવેલા, એ જ નાણાંના 0.00001 ટકો તમે દાનમાં આપીને મોટા દાતા બની ગયા. વિપક્ષના બે-ચાર ઢોકળાં. શાસકના બે-ચાર ઢોકળાં. દલિત રાજીનો રેડ. દલિતની કહાની પૂરી.

હવે તમને બે-પાંચ લાખનું વળતર સરકાર આપે છે, એ તમે ના લેવાની ધમકી આપો તો શું ફેર પડે છે? કેટલાક દોઢ ડાહ્યા પાછા એવું કહે છે કે અમે ક્રાઉડ ફન્ડથી ઉઘરાવીશું? શું કરવા ઉઘરાણા કરવાના? કોંગ્રેસ-ભાજપમાં ઓછામાં ઓછા સો દલિત નેતાઓ માત્ર ગુજરાતમાં એવા છે, જેમની પાસે સો-સો કરોડની સંપત્તિ છે. લઈ લો એમની પાસેથી. સરકાર પાસે એક કરોડ માંગો. ભાજપ-કોંગ્રેસ મળીને પણ એક કરોડ રૂપિયા આપી શકે છે. પાંચ હજાર વર્ષથી ભયાનક અસ્પૃશ્તાથી પીડાતા સમાજની વ્યક્તિનું આજે પણ એ જ કારણસર ખૂન થાય છે તો એની વિધવાને એક કરોડનું વળતર બિલકુલ ઉચિત છે. સરકાર સાવ મામૂલી વળતર આપે છે, એને ફગાવી દેવાની તમારી ધમકીનો કોઈ મતલબ નથી. તમે દુશ્મનના જ નિયમો પ્રમાણે રમો છો.

બાબાસાહેબે કહેલું કે માણસ સામાજિક રીતે મુક્ત ના હોય તો એને આર્થિક રીતે મુક્ત કરો. પૈસા બહુ મહત્વની બાબત છે. એટલે મારા વહાલા દલિતો, ભિખારીની જેમ ભલે જીવ્યા, ભિખારીની જેમ ભલે મર્યા, તમારા મરનારનું વળતર તો કરોડપતિને છાજે તેવું માંગો. તમારા કહેવાતા નેતાઓ ભિખારીની માનસિકતા ધરાવે છે. તમને ભિખારી જ બનાવશે. યાદ રાખજો.

No comments:

Post a Comment