By Raju Solanki || Written on 28 July 2018
દારૂ પીવા ગયેલા પોલિસે અડ્ડા પર બાળકને સ્તનપાન કરાવતી મહિલા માટે ”આ માલને બહાર મોકલો”, એવા બિભત્સ શબ્દો ઉચ્ચારતાં બબાલ થઈ. દારૂડિયા પોલિસે ફોન કરીને પોલિસ સ્ટેશનથી કૂમક બોલાવીને મધરાતે સમગ્ર વસ્તીમાં ઘરે ઘરે ઘૂસીને નિર્દોષ લોકોને માર્યા, લૉકઅપમાં પૂરી દીધાં ને ઘટનાનું રીપોર્ટિંગ કરતા પત્રકારને પણ ઝૂડ્યો. માત્ર બે દિવસ પહેલાનો આ કિસ્સો ગુજરાતમાં પહેલવહેલો નથી. દારૂબંધી પોલિસ અને પોલીટીશીયનોની જુગલબંધીથી ચાલતું એક એવું નાટક છે, જેમાં પડદા પાછળ લાખો રૂપિયાના હપ્તા લેવાય છે અને નાટકના અંતે હજારો ગરીબો ઝેરી લઠ્ઠો પીને મરી જાય છે.
તમિલનાડુમાં ‘ઇન્ડીયા મેઇડ ફોરીન લીકર’ (આપણી ભાષામાં વિદેશી દારૂ)ના ઉત્પાદનની મોનોપોલી સરકાર પાસે છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન પાસે દારૂ બનાવવાના સર્વ હક્ક સ્વાધીન છે. આ સરકારી કંપનીએ ગયા વર્ષે સરકારને રૂ. 21,800 કરોડની કમાણી કરી આપી. તમિળનાડુથી થોડા નાના રાજ્ય કેરળમાં આવા વિદેશી દારૂ અને તાડી બંન્નેના વેચાણમાંથી સરકારને થઈ રૂ. 8,000 કરોડની આવક. તમિળનાડુ અને કેરળમાં કુપોષણથી મરતા બાળકોનું પ્રમાણ ગુજરાત કરતા ઘણું ઘણું ઓછુ છે. બીજી તરફ, રામેશ્વરમની એકમાત્ર સરકારી દારૂની દુકાનને બંધ કરાવવા તાજેતરમાં ત્યાંની મહિલાઓએ મોટાપાયે દેખાવો કરેલા. તેમના પતિઓ દારૂડીયા થઈ ગયા છે અને દુકાન આગળથી સ્ત્રીઓ નીકળી શકતી નથી એવી તેમની ફરિયાદ હતી.
અરૂણ શૌરીના સમયથી સરકારો ખાનગીકરણના રવાડે ચડી છે. પરંતુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકની સરકારોએ દારૂનો હોલસેલ બિઝનેસ પોતાના કન્ટ્રોલમાં રાખ્યો છે. ખાનગી ખેલાડીઓ માત્ર દારૂના છૂટક વેચાણમાં છે. મોટાભાગના રાજ્યોમાં સરકારોની કમાણીનો વીસ ટકા જેટલો માતબર હિસ્સો દારૂના વેચાણમાંથી થાય છે. કેરળમાં તો આ હિસ્સો હવે 22-23 ટકા સુધી પહોંચી ગયો છે. કલ્યાણ રાજ્યનો દાવો કરતી આ તમામ સરકારો સાવ સસ્તા દારૂ પર જંગી એક્સાઇઝ નાંખીને મોંઘો દારૂ વેચે છે. એટલે કેટલાક નિષ્ણાતો હવે બીપીએલ કાર્ડ પર ગરીબોને રાશનની દુકાનેથી ઘઉં અને ચોખાની સાથે સસ્તો અને સારો દારૂ આપવાની હિમાયત કરી રહ્યા છે. તમારું શું કહેવું છે?
No comments:
Post a Comment