By Raju Solanki || 6 September 2017
611 દિવસ પછી પોલિસ રક્ષણ હેઠળ પોતાના ઘરે જઇને બચ્યો ખૂચ્યો ઘરવખરીનો સામાન પેક કરતા દલિત પરીવારની આ તસવીર આવતી કાલે કોઇપણ અખબાર કે ન્યૂઝ ચેનલમાં જોવા નહીં મળે.
2015ની નાતાલની એ રાત્રે દલિત પિતા પર જીવલેણ હૂમલો કરીને દીકરીને ઘરેથી બાવડુ ઝાલીને ભગાડી જઇને લાંછિત કરવામાં આવી અને બનાવના ત્રીજા દિવસે આરોપીના મામાએ પીડિતાના ઘરે આવીને ધમકી આપી કે “તું જે સાંથણીની જમીન ખેડે છે તે મારા બાપાની છે. ફરીયાદ પાછી ખેંચી લે, નહીંતર તારું ઘર જમીનદોસ્ત કરી નાંખીશ,” ત્યારે અસહાય દલિત પરીવારે ફળફળતા નિસાસા નાંખીને માદરે વતન છોડીને હિજરત કરી હતી.
બાર બાર મહિના સુધી અમરેલીની કલેક્ટર કચેરીમાં ઉપર આભ, નીચે ધરતીની સ્થિતિમાં લાંઘણો કરતા બાવીસ જણાના પરીવારને જ્યારે સરકારે હિજરતી જાહેર કરવાનો નનૈયો ભણ્યો ત્યારે પરીવારના મોભીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ‘પ્રતિરોધ’ના નેજા નીચે અગિયાર ગામોના દલિત પીડિતો સાથે આમરણાંત ઉપવાસ આદર્યા હતા.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં પડાવ નાંખ્યાના બીજા જ દિવસે પાટનગરના ‘ન્યૂઝ ઇગલ’ (કે ઇગલ ન્યૂઝ?) નામના મીડીયા ગૃહની કચેરીમાંથી મારા પર ફોન આવ્યો અને સામેથી કોકે પૂછ્યું કે, “પેલા રાજુલા તાલુકાના ફલાણાં ગામના હિજરતી તમારી સાથે છે? મારે તેમની સાથે વાત કરવી છે.” મેં પીડિતાના કાકાને ફોન આપ્યો તો સામેથી પેલા ભાઈએ કહ્યું કે, “તમે ભલે ગાંધીનગર આવ્યા છો. પણ તમારાથી કશું તુટવાનું નથી. રાણીંગા (આરોપીના મામા)ના હાથ બહુ લાંબા છે.” એક દલિત પરીવાર ન્યાય માંગવા 300 કિમી દૂર રાજ્યના પાટનગરમાં આવે તો ત્યાં પણ એને વગદાર આરોપીઓના સગલાંઓના જાસા મળે છે. જો પાટનગરમાં આવી સ્થિતિ હોય તો છેક છેવાડાના ગામોમાં દલિતો કેવી અસહાયતા મહેસૂસ કરતા હશે તેની કલ્પના કરવી પણ દોહ્યલી છે.
અમારી લડતને કારણે પીડિત પરીવારનું બાબરામાં પુનસ્થાપન થયું છે. પણ તેમના જખમો હજુ રૂઝાયા નથી. આજે તેઓ પોલિસ રક્ષણ હેઠળ તેમના ગામ ગયા હતા. તેમની સાથે રાજુલાના કર્મનિષ્ઠ સાથીઓ રમેશ બાબરીયા અને કિશોર ધાખડા હતા.
પોતાના જ દેશમાં હિજરતી થનારી પ્રજાનો ઇતિહાસ લખાય તો પણ આવનારી પેઢીને પોતાના ઉત્તરદાયિત્વનું ભાન થશે. ક્યાં છે દલિત લેખકો, કવિઓ?
No comments:
Post a Comment