By Vishal Sonara || 21 January 2021
Astronomy vs Astrology
સામાન્ય રીતે આ બંને શબ્દો એક જેવા જ લાગે છે પણ બંને ના અર્થમાં "જમીન-આસમાન" નો ફરક છે. એસ્ટ્રોનોમી એટલે ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિક રીતે સમજીને ત્યાર બાદ તારણો કાઢવામાં આવે છે તેમજ નવા શોધ સંશોધનો કરીને જુના તારણો જો ખોટા હોય તો તે પણ સ્વિકારીને નવી થિયરી બનાવાય છે જ્યારે એસ્ટ્રોલોજી એટલે જન્મ સમયે સુર્ય કે ચંદ્ર ની શું પરિસ્થિતિ હતી તેના અનુમાન ઉપરથી જે તે વ્યક્તિ નું જીવન કેવું રહેશે તેના પર ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ ભવિષ્યવાણી મોટે ભાગે તરંગ તુક્કા જ હોય છે, કોઈ પણ માન્યતા કે ભવિષ્યવાણી ખોટી સાબિત પણ થાય તો ભૂલ સ્વિકારવાને બદલે જે તે વ્યક્તિના કર્મો નો હવાલો આપીને છટકી જવાની પૂરેપૂરી વ્યવસ્થા છે.
સામાન્ય રીતે એસ્ટ્રોલોજી ને ધર્મ અને ધાર્મિકતા સાથે જોડી શકાય છે. પ્રવર્તમાન કોઈ પણ ધર્મ મા અલગ અલગ પ્રમાણમાં અને પ્રકારમાં એસ્ટ્રોલોજીની હાજરી જોઈ શકાય છે. સદીઓથી લોકો આકાશમાં દેખાતા ચાંદ, તારા, સૂર્ય વગેરે વગેરે જેવા તત્વો નુ નિરીક્ષણ કરતા આવ્યા છે. જુના જમાનામાં આજના જેવા વૈજ્ઞાનિક સંસાધનો નહોતા તેથી લોકો નરી આંખે જોઈ શકાય તેટલું જ ઓબ્ઝર્વેશન કરી શકતા. તેઓ એ સુર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો વગેરે ને દિવસે અને રાત્રે નિરીક્ષણ કરતા એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ દરેક કોઈ ચોક્કસ ગતી નિયમો પ્રમાણે સ્થાન બદલતા રહે છે અને તે કોઈ ચોક્કસ સમયે આકાશમાં કયા સ્થાન પર હોઈ શકે છે તેનુ પણ અનુમાન લગાવી શકાય છે. દુનિયામાં આ રીતે અનેક સંશોધનો થઈ રહ્યાં હતા તે વખતે સૌ પ્રથમ તો ધાર્મિક પાખંડીઓએ આવા સંશોધનો નો ભરપૂર વિરોધ કર્યો,કારણ કે આ પ્રકારના જ્ઞાનથી અમુક ખગોળીય ઘટનાઓ નો ધાર્મિક પાખંડીઓ દ્વારા ફેલાવાતો ડર અને ડરના નામ પર લોકોનુ થતું આર્થિક શોષણ ખતમ થઈ જાય તેમ હતું. પણ સમય જતા તેઓને લાગ્યુ કે આને અટકાવું અશકય છે એટલે તેઓએ તેનો વિરોધ કરવાનું બંધ કરીને આ દરેક શોધ સંશોધનોનો ઉપયોગ કરીને પોતાની પાખંડવૃત્તીને આગળ ધપાવવાનું શરૂ કર્યું. આપણે એક વાક્ય હંમેશા સાંભળતા આવ્યા છીએ "લાગ્યુ તો તીર, નહિ તો તુક્કો", આ વાક્ય એસ્ટ્રોલોજી ને પરફેક્ટલી ફીટ બેસે છે.
એસ્ટ્રોનોમી નો એક ભાગ છે કોસ્મોલોજી જેમાં બ્રહ્માંડ ની ઉત્પત્તિ કઈ રીતે થઈ હોઈ શકે છે અને તેનું ભવિષ્ય શું હોઈ શકે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ કોસ્મોલોજી વિશે એમ કહે છે કે,"કોસ્મોલોજી એ બુદ્ધિશાળી નાસ્તિકોનો ધર્મ છે." સ્ટીફન હોકિંગે આવું એટલા માટે કહ્યું કારણ કે મોટા ભાગના ધર્મ લોકોને સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને મૃત્યુ બાદ શું થશે તેની પરીકથાઓ કરતા આવ્યા છે. સૃષ્ટિની આ ધાર્મિક વ્યાખ્યાઓમાં જાણકારી કરતાં વધુ સર્જનહાર નો ડર અને એ ડરને દૂર કરવા માટે ના અવનવા ટોટકા સિવાય કશું હોતું નથી. બુદ્ધિમાન લોકોને પણ સૃષ્ટિને લઈને આ જ બધા પ્રશ્નો થતા જ હોય છે પણ તેઓ ધર્મ ની કથા વાર્તાઓ નો સહારો લેવાને બદલે વિજ્ઞાન પર ભરોસો રાખે છે. માટે સ્ટીફન હોકિંગ તેને બુદ્ધિશાળી નાસ્તિકોનો ધર્મ કહે છે.
એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી વચ્ચે કોના પર ભરોસો કરવો તે ફક્ત અને ફક્ત સામાન્ય બુદ્ધિ અને ઈચ્છાશક્તિ પર આધારિત છે, આ બન્ને માથી એક પણ નો અભાવ અંધકારમય બની શકે છે.
- વિશાલ સોનારા