October 07, 2017

આ અત્યાચારનું શું?

By Raju Solanki  || 07 October 2017 


અમદાવાદના રાજપુર ગોમતીપુર વિસ્તારમાં મગન કુંભારની ચાલી, ખાડાવાળી ચાલી અને કુંડાવાળી ચાલી કે પછી નરોડા રોડ પર અશોક મિલની ચાલી અને કલેક્ટરની ચાલી કે પછી અસારવામાં અનાજ ગોડાઉનના છાપરા અને કડીયાની ચાલી કે પછી ઓઢવમાં સોનીની ચાલી અને જનતાનગર કે પછી વાડજમાં રામાપીરનો ટેકરો અને ગાંધીનગરનો ટેકરો, આવી હજારો ચાલીઓ અને સેંકડો ટેકરાઓમાં દર વર્ષે જન્મતા છ લાખ બાળકોના લલાટે લખાયેલું છે કે તમારે મોટા થઇને તમારા ઘરની બાજુની પેલી ગંધાતી સરકારી સ્કુલોમાં ભણવાનું છે,
જ્યાં તમારે તમારી જિંદગીના બહુમૂલ્ય વર્ષો રીતસર વેડફવાના છે,
જ્યાં કહેવાતા ભણતર પછી તમે ઢબૂ પૈસાના ઢ થઇને બહાર નીકળવાના છો અને માંડ માંડ આઠમુ-દસમુ ભણ્યા પછી તમે કમરતોડ ખાડા ખોદવામાં, સાયકલ લઇને કુરીયર સર્વિસમાં ઢસરડા કરવામાં, સીક્યુરિટીના કપડાં પહેરી મૉલમાં સીસોટીઓ મારવામા અને સલામો ઠોકવામાં તમારી બાકીની જિંદગી પૂરી કરવાના છો.
દર વર્ષે છ લાખ બાળકોના ભવિષ્યમાં ઓપરેશન બ્લેકબોર્ડના નામે અંધારુ કરનારાઓના કોઈ છાજિયા લેવાતા નથી. દર વર્ષે છ લાખ બાળકોને મૂછો વગરના નમાલા બનાવનારી શિક્ષણ વ્યવસ્થા સામે કોઈનું લોહી ઉકળતું નથી. શરમની વાત છે.
દર વર્ષે છ લાખ બાળકોના નાગરિક તરીકેના અધિકારો છીનવાઈ જાય એને તેને કોઈ અત્ચાચાર પણ ગણતું નથી. ક્યાંક કોકને ટપલી પડી કે કોકને કોઈ ગાળ બોલ્યું કે કોકને કોઈએ છરી મારી તો મીડીયામાં કાગારોળ થઈ જાય છે. અહીં છ લાખ બાળકોને જિંદગીભર ટપલીઓ ખાતા કરી દેનારા શિક્ષણ અંગે એક શબ્દ ઉચ્ચારાતો નથી.
કમાલ છે. તમારા બધાની સંવેદનશીલતા.
ધન્ય છે તમારી ચળવળો.
ધન્ય છે તમારા આંદોલનો.
ધન્ય છે તમારી કર્મશીલતા
ધન્ય છે તમારી નેતાગીરીઓ.

No comments:

Post a Comment