August 27, 2019

રાયચંદ મેઘરાજની ચાલી બચાવવાનો સંઘર્ષ

By Raju Solanki  || 24 Aug 2019






છેલ્લા ચોંત્રીસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકહથ્થુ સત્તા ભોગવતા, ફાટીને ધૂમાડો થઈ ગયેલા ભાજપના ભ્રષ્ટ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક એવો વીડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગેરકાયદે બાંધકામ કરનારને કહે છે કે ચોમાસાના ત્રણ મહિના કંઈ તોડવાનું નથી અને એમ કહીને વ્યાસ રૂ. 10,000 લઈ રહ્યો છે, એ જ સમયે બીજી તરફ આ જ ભાજપની કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના અધિકારીઓ અમદુપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ મેઘરાજની ચાલી ભરચોમાસામાં માત્ર પંદર જ દિવસમાં તોડવાની નોટિસ ચાલીના દરવાજે ચોંટાડીને રવાના થઈ ગયા છે. ભાજપ હરામખોરીની તમામ હદો વટાવી ચૂક્યું છે અને જે દલિતો પાસેથી હિન્દુત્વના નામે વોટ લીધા છે એમને ઘરવિહોણા કરીને ફુટપાથ પર ફેંકી દેવાની જડબેસલાખ યોજના આ ભાજપની કોર્પોરેશને ઘડી કાઢી છે.



આ રાયચંદ મેઘરાજની ચાલીનું નામ તમે ના સાંભળ્યું હોય તો જાણી લો કે આ ચાલી માત્ર અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાતના છેલ્લા સો વર્ષના ઓજસ્વી દલિત આંદોલનના કેન્દ્રબિંદુ સમા અમદુપુરા વિસ્તારમાં આવેલી છે અને આ ચાલી મહાન આંબેડકરવાદી નેતા, દલિત પેંથરના સ્થાપક એવા નારણ વોરાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. એટલું જ નહીં, આ ચાલી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર બનાવનારા સ્વાશ્રયી, પરિશ્રમી, ખંતીલા, સ્વાભિમાની દલિત મજુરોની ધરોહર છે. રાયચંદ મેઘરાજની આ ચાલી જેવી સો ચાલીઓ નરોડા રોડ પર આવેલી છે અને આ જ ચાલીઓના મહાન આંબેડકરવાદીઓએ વીસમી સદીના છઢ્ઢા દાયકામાં ગામડાઓના ભૂમિહીન દલિત માટે ઝુઝારુ સઘર્ષ ચલાવ્યો હતો અને હજારોની સંખ્યામાં છ-છ મહિનાનો કારાવાસ વેઠ્યો હતો. આ ચાલીઓની ધરતીમાં ગુજરાતના દલિત આંદોલનનો જ્વલંત ઇતિહાસ ધરબાયેલો છે. ગયા વર્ષે આ જ સ્થળેથી આંબેડકરવાદીઓએ ‘આંબેડકર હેરિટેજ ટુર’ કરીને ભૂલાયેલા, વિસરાયેલા મહાન ઇતિહાસને ફરીથી તરોતાજા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

છેલ્લા એક સપ્તાહથી ચાલીના રહીશોએ સંગઠિત થઇને આવનારી આફતનો પ્રતિકાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક સપ્તાહ પહેલાં ચાલીમાં યોજાએલી પ્રથમ બેઠકમાં ચાલીના તમામ રહીશો ખાસ કરીને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એ બેઠકમાં મેં વિસ્તારપૂર્વક રહીશોને જણાવ્યું હતું કે, આ નોટિસ ફાડીને ફેંકી દેવા જેવી છે. આ ચાલી 1932થી અસ્તિત્વમાં આવી છે. 1976માં ટીપી સ્કીમ બની તે પહેલાંથી આ ચાલી અહીં વસી છે. ટીપી સ્કીમમાં જેને રસ્તો કહેવામાં આવે છે, એ તો હકીકતમાં આપણા મિલમજુર બાપદાદાઓએ મિલોમાં જવા માટે બનાવેલી કેડી હતી, જેને તેઓ નેળિયું કહેતા હતા અને આજે પણ અમદાવાદમાં આવા ઘણા નેળિયા હયાત છે. આ ચાલીની એક તરફ ગુજરાત સિન્થેટિક મિલ (બોરડી મિલ) છે અને બીજી તરફ આર્યોદય મિલ છે. આ બોરડી મિલની દિવાલને અડીને આવેલી વસાહતમાં રહેતા દેવી પૂજક ભાઈઓ પણ બેઠકમાં હાજર હતા. આ દેવીપૂજકો પણ અગાઉ મિલ સામે એક કેસ છેક હાઇકોર્ટ સુધી લડી ચૂક્યા છે. તેમની લડાઈની પણ એક રસપ્રદ કહાણી છે, જેના માટે મારે એક બીજી પોસ્ટ લખવી પડે એમ છે.

કેટલાક લોકો પાસે તો છેક 1952ની ભાડા પહોંચો છે. કોર્પોરેશનના એસ્ટેટ ખાતાએ ચાલીના માલિક રાયચંદ મેઘરાજ તથા અન્ય ચાર જણાને નોટિસ પાઠવી છે અને તે બધા મરી ચૂક્યા છે. ખરેખર તો ચાલીના ભાડુઆતોને પક્ષકાર તરીકે નોટિસ આપવી જોઇએ. સિત્તેર વર્ષથી ચાલીમાં રહેતા દલિત ભાડુઆતોના તમામ કાનૂની અધિકારો એસ્ટેટ ખાતાએ નેવે મૂક્યા છે. અધિકારીઓ મૌખિક રીતે જણાવે છે કે આ તો માત્ર અહીંથી ગટર કાઢવાની છે, એટલા પૂરતુ દબાણ હટાવવાનું છે, પણ લેખિત નોટિસમાં એવો કોઈ જ ઉલ્લેખ નથી. આ જ રાયચંદની ચાલીથી સો ફુટ દૂર એક રસ્તો આ જ કોર્પોરેશને વોરાઓના ટ્રસ્ટને વેચી માર્યો છે અને એ રોડ પરની ગટર લાઇનો પણ બ્લોક કરી દીધી છે અને બીજી તરફ અહીં ચાલીની છાતી ચીરીને ગટર કાઢવાની યોજના બનાવી છે.

ગઈ કાલે રાત્રે ચાલીમા થયેલી બેઠકમાં સ્થાનિક કોર્પોરેટરો શ્રી. યોગીભાઈ (કોંગ્રેસ) તથા શ્રી. જીતેન્દ્રભાઈ પરમાર (ભાજપ) હાજર રહ્યા હતા. યોગીભાઈ મારા પરમ મિત્ર અને પ્રખર આંબેડકરવાદી આર. પી. પરમારના પુત્ર છે. તેમણે કહ્યું કે કશું જ તોડવાનું નથી. બધાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની છે. મેં બંને કોર્પોરેટર મિત્રોને કહ્યું કે તમે આ નોટિસ રદ કરાવો અને વૈકલ્પિક વ્યવસ્થા (જો આપવાના હોય તો) તેની લેખિત બાંહેધરી આપો. તમે એક વાર પાકા મકાનો ધરાશયી કરો, લોકો રસ્તા પર આવી જાય પછી, વૈકલ્પિક વ્યવસ્થાની ખાત્રી એસ્ટેટની ફાઈલોના જંગલમાં ખોવાઈ જાશે. એ નહીં ચાલે. બંને કોર્પોરેટર મિત્રો અમારી વાત સાથે સંમત થયા છે. સોમવારે હકારાત્મક જવાબ નહીં મળે તો ગુજરાત હાઇકોર્ટમાં કોર્પોરેશનના અમાનવીય કૃત્યને પડકારવામાં આવશે.

અમદાવાદમાં પાંચસો વર્ષ જૂની ટંકશાળની ગલી આજે પણ પહોળી નથી થતી. રતનપોળ, માણેકચોકમાં એક કાંકરી ખરતી નથી. પોળો હેરિટેજ છે. ચાલીઓ હેરિટેજ નથી. પોળોમાં દેવતાઓ રહે છે. ચાલીઓમાં જાનવરો રહે છે. ટીપી સ્કીમના અમલમાં ભાજપના બેવડા ધોરણો છે. હવે, દલિતોએ પુરવાર કરવાનું છે કે ભલે એમના લોહીમાંસ ચૂસાઈ ગયા છે, પણ એમના આત્મામાં હજુ જય ભીમના નાદ સાથે બેઠા થવાનો રણકાર જીવતો છે.

- રાજુ સોલંકી (24 ઓગસ્ટ, 2019)


No comments:

Post a Comment