August 30, 2019

દલિત આંદોલનના ઇતિહાસનું એક પાનુ : વર્ષ 1992

By Raju Solanki  || 29 Aug 2019





રાત્રે ડબલામાં ગળી પલાળીને હાથમાં કૂચડો લઇને અમે નીકળતા. કૂચડો એટલે બાવળના દાતણને એક છેડેથી કૂટીને બનાવેલી પીંછી કે પછી ઘરના માળીયે પડી રહેલા વર્ષો જૂના બ્રશ. અમદુપુરાના ચોકથી શરૂ કરીને સી કોલોની અને ત્યાંથી રેલ્વે ક્રોસિંગ વટાવીને ઓમનગર. રસ્તામાં જ્યાં કોઈપણ દિવાલ કોરી દેખાય ત્યાં લખતા, બુદ્ધનગરની દિવાલ પર મેં ભીત લખાણ કરેલું એ હજુય યાદ છે. એ સૂત્રો હતા,

“કુમ્હેર હત્યાકાંડનો વિરોધ કરો”
ભૈરોંસિંહ શેખાવતની ઠાઠડી બાળવાના કાર્યક્રમમાં જોડાવ”


કુમ્હેર હત્યાકાંડ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ભૈરોંસિંહ શેખાવત.

કુમ્હેર હત્યાકાંડ આઝાદી પછી રાજસ્થાનમાં થયેલો સૌથી મોટો ઘાતકી નરસંહાર હતો, જેમાં જાટોએ 18 જાટવ (દલિતો)ની કત્લેઆમ કરી હતી. એમના ઝુંપડા સળગાવીને રાખ કરી દીધા હતા.

આ ઘટના 1992માં બની હતી.

અમે અમદુપુરા, સી કોલોની અને ઓમનગર ત્રણ ઠેકાણે ધરણા કરીને શેખાવતની ઠાઠડી બાળી હતી અને સામૂહિક ધરપકડો વહોરી હતી. ત્રણેય વખતે હજારો યુવાનોએ ધરણાંમાં ભાગ લીધો હતો. ચારે તરફ પોલિસનો કાફલો ખડકી દેવાતો હતો. પાંચ-છ ડબ્બા ભરી ભરીને આંદોલનકારીઓને પોલિસ પકડતી હતી અને શહેર કોટડા પોલિસ સ્ટેશને લઈ જતી હતી.

શેખાવતની સાથે તત્કાલીન ભાજપ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પણ ઠાઠડી અમે બાળી હતી. કારણ કે શંકરસિંહે રાજન પ્રિયદર્શીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની માગણી કરી હતી. પ્રિયદર્શી ત્યારે પાલનપુરમાં જિલ્લા પોલિસ વડા હતા અને એક કોમી છમકલામાં એમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરી હતી.




ત્યારે અમદુપુરાના જયંતી ફકીર, રજનીકાંત ડોડીયા, સી કોલોનીના મુકેશ વોરા, ઓમનગરના મંગળદાસ કાપડીયા, ઇશ્વર પરમાર, પ્રવીણ તપોધન, રમેશ નાગર, જયંતી દવે, શ્રીકાંત ડોડીયા, કિસ્મત સોસાયટીના હસુ વોરા, મજુરગામના નરેશ રેવર, જયંતી ચૌહાણ, રાયખડના કનુ સુમરા, ખાનપુરના ભરત વાઘેલા, અરવિંદ પરમાર, કૌશિક પરમાર જેવા યુવા આંદોલનકારીઓ જોડાયા હતા. એક પત્રીકા છાપી હતી, એમાં સૌના નામે અપીલ કરવામાં આવી હતી. સૌનો ઉત્સાહ ગજબનો હતો.

દેખાવોમાં સામેલ થયેલા સંગઠનોમાં નરોડા રોડના યુવાનો, દલિત અધિકાર મંચ, જાતિ નિર્મૂલન સમિતિ, માસ મુવમેન્ટ સહિતના સંગઠનોના નામ પણ પત્રીકામાં લખેલા. (જુઓ પત્રીકાની તસવીર)

અત્યારે ફેસબુક પર લાઇવ થાવ, સો-બસો ગ્રુપ્સમાં મેસેજ ફેંકો, કાર્યક્રમમાં જોડાવા માટે લોકોના મોબાઇલ નંબરો પર ઓડિયો મેસેજ મોકલો, તો પણ પાંચસો માણસો ભેગા થતા ફાંફા પડી જાય છે. એ વખતે એક પત્રીકા અને ભીંત લખાણથી બહુ જ અસરકારક રીતે સંદેશો જતો હતો.

મૂળે 1981-85ના અનામતવિરોધી આંદોલનો વખતે મેં ભીંત લખાણોની શરૂઆત કરી હતી. એની વાત પછી ક્યારેક કરીશ.

- રાજુ સોલંકી (29 ઓગસ્ટ, 2019)

August 27, 2019

રાયચંદ મેઘરાજની ચાલી બચાવવાનો સંઘર્ષ

By Raju Solanki  || 24 Aug 2019






છેલ્લા ચોંત્રીસ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકહથ્થુ સત્તા ભોગવતા, ફાટીને ધૂમાડો થઈ ગયેલા ભાજપના ભ્રષ્ટ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક એવો વીડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગેરકાયદે બાંધકામ કરનારને કહે છે કે ચોમાસાના ત્રણ મહિના કંઈ તોડવાનું નથી અને એમ કહીને વ્યાસ રૂ. 10,000 લઈ રહ્યો છે, એ જ સમયે બીજી તરફ આ જ ભાજપની કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના અધિકારીઓ અમદુપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ મેઘરાજની ચાલી ભરચોમાસામાં માત્ર પંદર જ દિવસમાં તોડવાની નોટિસ ચાલીના દરવાજે ચોંટાડીને રવાના થઈ ગયા છે. ભાજપ હરામખોરીની તમામ હદો વટાવી ચૂક્યું છે અને જે દલિતો પાસેથી હિન્દુત્વના નામે વોટ લીધા છે એમને ઘરવિહોણા કરીને ફુટપાથ પર ફેંકી દેવાની જડબેસલાખ યોજના આ ભાજપની કોર્પોરેશને ઘડી કાઢી છે.



આ રાયચંદ મેઘરાજની ચાલીનું નામ તમે ના સાંભળ્યું હોય તો જાણી લો કે આ ચાલી માત્ર અમદાવાદ જ નહીં, સમગ્ર ગુજરાતના છેલ્લા સો વર્ષના ઓજસ્વી દલિત આંદોલનના કેન્દ્રબિંદુ સમા અમદુપુરા વિસ્તારમાં આવેલી છે અને આ ચાલી મહાન આંબેડકરવાદી નેતા, દલિત પેંથરના સ્થાપક એવા નારણ વોરાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. એટલું જ નહીં, આ ચાલી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર બનાવનારા સ્વાશ્રયી, પરિશ્રમી, ખંતીલા, સ્વાભિમાની દલિત મજુરોની ધરોહર છે. રાયચંદ મેઘરાજની આ ચાલી જેવી સો ચાલીઓ નરોડા રોડ પર આવેલી છે અને આ જ ચાલીઓના મહાન આંબેડકરવાદીઓએ વીસમી સદીના છઢ્ઢા દાયકામાં ગામડાઓના ભૂમિહીન દલિત માટે ઝુઝારુ સઘર્ષ ચલાવ્યો હતો અને હજારોની સંખ્યામાં છ-છ મહિનાનો કારાવાસ વેઠ્યો હતો. આ ચાલીઓની ધરતીમાં ગુજરાતના દલિત આંદોલનનો જ્વલંત ઇતિહાસ ધરબાયેલો છે. ગયા વર્ષે આ જ સ્થળેથી આંબેડકરવાદીઓએ ‘આંબેડકર હેરિટેજ ટુર’ કરીને ભૂલાયેલા, વિસરાયેલા મહાન ઇતિહાસને ફરીથી તરોતાજા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

છેલ્લા એક સપ્તાહથી ચાલીના રહીશોએ સંગઠિત થઇને આવનારી આફતનો પ્રતિકાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક સપ્તાહ પહેલાં ચાલીમાં યોજાએલી પ્રથમ બેઠકમાં ચાલીના તમામ રહીશો ખાસ કરીને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એ બેઠકમાં મેં વિસ્તારપૂર્વક રહીશોને જણાવ્યું હતું કે, આ નોટિસ ફાડીને ફેંકી દેવા જેવી છે. આ ચાલી 1932થી અસ્તિત્વમાં આવી છે. 1976માં ટીપી સ્કીમ બની તે પહેલાંથી આ ચાલી અહીં વસી છે. ટીપી સ્કીમમાં જેને રસ્તો કહેવામાં આવે છે, એ તો હકીકતમાં આપણા મિલમજુર બાપદાદાઓએ મિલોમાં જવા માટે બનાવેલી કેડી હતી, જેને તેઓ નેળિયું કહેતા હતા અને આજે પણ અમદાવાદમાં આવા ઘણા નેળિયા હયાત છે. આ ચાલીની એક તરફ ગુજરાત સિન્થેટિક મિલ (બોરડી મિલ) છે અને બીજી તરફ આર્યોદય મિલ છે. આ બોરડી મિલની દિવાલને અડીને આવેલી વસાહતમાં રહેતા દેવી પૂજક ભાઈઓ પણ બેઠકમાં હાજર હતા. આ દેવીપૂજકો પણ અગાઉ મિલ સામે એક કેસ છેક હાઇકોર્ટ સુધી લડી ચૂક્યા છે. તેમની લડાઈની પણ એક રસપ્રદ કહાણી છે, જેના માટે મારે એક બીજી પોસ્ટ લખવી પડે એમ છે.

કેટલાક લોકો પાસે તો છેક 1952ની ભાડા પહોંચો છે. કોર્પોરેશનના એસ્ટેટ ખાતાએ ચાલીના માલિક રાયચંદ મેઘરાજ તથા અન્ય ચાર જણાને નોટિસ પાઠવી છે અને તે બધા મરી ચૂક્યા છે. ખરેખર તો ચાલીના ભાડુઆતોને પક્ષકાર તરીકે નોટિસ આપવી જોઇએ. સિત્તેર વર્ષથી ચાલીમાં રહેતા દલિત ભાડુઆતોના તમામ કાનૂની અધિકારો એસ્ટેટ ખાતાએ નેવે મૂક્યા છે. અધિકારીઓ મૌખિક રીતે જણાવે છે કે આ તો માત્ર અહીંથી ગટર કાઢવાની છે, એટલા પૂરતુ દબાણ હટાવવાનું છે, પણ લેખિત નોટિસમાં એવો કોઈ જ ઉલ્લેખ નથી. આ જ રાયચંદની ચાલીથી સો ફુટ દૂર એક રસ્તો આ જ કોર્પોરેશને વોરાઓના ટ્રસ્ટને વેચી માર્યો છે અને એ રોડ પરની ગટર લાઇનો પણ બ્લોક કરી દીધી છે અને બીજી તરફ અહીં ચાલીની છાતી ચીરીને ગટર કાઢવાની યોજના બનાવી છે.

ગઈ કાલે રાત્રે ચાલીમા થયેલી બેઠકમાં સ્થાનિક કોર્પોરેટરો શ્રી. યોગીભાઈ (કોંગ્રેસ) તથા શ્રી. જીતેન્દ્રભાઈ પરમાર (ભાજપ) હાજર રહ્યા હતા. યોગીભાઈ મારા પરમ મિત્ર અને પ્રખર આંબેડકરવાદી આર. પી. પરમારના પુત્ર છે. તેમણે કહ્યું કે કશું જ તોડવાનું નથી. બધાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની છે. મેં બંને કોર્પોરેટર મિત્રોને કહ્યું કે તમે આ નોટિસ રદ કરાવો અને વૈકલ્પિક વ્યવસ્થા (જો આપવાના હોય તો) તેની લેખિત બાંહેધરી આપો. તમે એક વાર પાકા મકાનો ધરાશયી કરો, લોકો રસ્તા પર આવી જાય પછી, વૈકલ્પિક વ્યવસ્થાની ખાત્રી એસ્ટેટની ફાઈલોના જંગલમાં ખોવાઈ જાશે. એ નહીં ચાલે. બંને કોર્પોરેટર મિત્રો અમારી વાત સાથે સંમત થયા છે. સોમવારે હકારાત્મક જવાબ નહીં મળે તો ગુજરાત હાઇકોર્ટમાં કોર્પોરેશનના અમાનવીય કૃત્યને પડકારવામાં આવશે.

અમદાવાદમાં પાંચસો વર્ષ જૂની ટંકશાળની ગલી આજે પણ પહોળી નથી થતી. રતનપોળ, માણેકચોકમાં એક કાંકરી ખરતી નથી. પોળો હેરિટેજ છે. ચાલીઓ હેરિટેજ નથી. પોળોમાં દેવતાઓ રહે છે. ચાલીઓમાં જાનવરો રહે છે. ટીપી સ્કીમના અમલમાં ભાજપના બેવડા ધોરણો છે. હવે, દલિતોએ પુરવાર કરવાનું છે કે ભલે એમના લોહીમાંસ ચૂસાઈ ગયા છે, પણ એમના આત્મામાં હજુ જય ભીમના નાદ સાથે બેઠા થવાનો રણકાર જીવતો છે.

- રાજુ સોલંકી (24 ઓગસ્ટ, 2019)


August 26, 2019

ના સોનુ સાચવ્યું, ના ચાંદી

By Raju Solanki  || 26 Aug 2019


આ મારો ભઇલો રાયચંદ મેઘરાજની ચાલીમાં રહે છે. નામ એનું મહેશ. આજે મારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નરોડા રોડ પર આવેલી ઉત્તર ઝોનની કચેરીએ મહેશ આવેલો. મહેશ પાસે રાયચંદ મેઘરાજની ચાલીની જૂનામાં જૂની છેક 1956ની ભાડાચિઠ્ઠીઓ છે. ચાલીની મીટિંગમાં મેં જ્યારે કહ્યું કે કોની પાસે જૂની ભાડાચિઠ્ઠીઓ છે, ત્યારે મહેશ એક પ્લાસ્ટિકની ફાટેલી કોથળીમાં પીળી પડી ગયેલી સિત્તેર વર્ષ જૂની ભાડાચિઠ્ઠીઓ લઇને આવેલો. હું એની અસ્તવ્યસ્ત દાઢી ને વિખરાયેલા માથાના વાળ સામે જોઇ જ રહેલો. મેં હેમંતને કહ્યું, “ના સોનુ સાચવ્યું. ના ચાંદી. મારા દલિતોએ દાયકાઓ જૂની ભાડાની પહોંચો સાચવી.”

આજે ડેપ્યુટી કમિશનર ઠક્કરને મેં કહ્યું કે તમારી ટીપી સ્કિમ સિત્તેરની સાલમાં બની અને આ ચાલી છેક 1932ની છે. તમે ચાલીના રહીશોને વળતર આપ્યા વિના નોટિસનો અમલ કરાવી ના શકો. તમે લોકો કસ્તુરભાઈ લાલભાઈને વળતર આપો છો, તો દલિતોને કેમ નહીં? કાલે મહેશની એફિડેવિટ કરાવીને બીજું મેમોરેન્ડમ ઉત્તર ઝોનમાં આપીશું. અમે લડીશું. ભાજપ અને વહીવટીતંત્રને પ્રતીતિ કરાવીશું કે દલિતો પસ્તીના કાગળ નથી કે તમે કોથળામાં ભરીને ગમે ત્યાં નાંખી દો.

- રાજુ સોલંકી (26 ઓગસ્ટ, 2019)

FB