December 25, 2017

ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા

By Jigar Shyamlan ||  25 December 2017 at 01:35 



મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
આજે 25 ડિસેમ્બર..!!
નાતાલ..! મોટાભાગના લોકોના મોંઢે આ શબ્દો સાંભળવા મળશે. 25 ડિસેમ્બર થી લઈ 31 ડિસેમ્બર સુધી મોટાભાગના સેલિબ્રેશન મોડમાં જ રહેવાના.
સેલિબ્રેશન અથાઁત ઉજવણી....!!
મસ્તી, મઝા અને આઝાદી. જેમ કરવું હોય અને જે કરવું હોય તે કરી શકવાની છૂટ. ઉજવણી એ તમે મુક્ત છો એ અહેસાસ કરાવતી એક અવસ્થા છે. 
પણ આજના આ ઉજવણીભયાઁ માહોલમાં તમને એ વાતની ખબર નહી હોય કે.., 25 ડિસેમ્બર એટલે પછાતો આઝાદ બની, મુક્ત બની, કોઈનીય રોકટોક કે કોઈ પાબંદી વગર આઝાદીથી ઉજવણી કરી શકે તે દિશામાં પછાતોને માનસીક અને સામાજિક ક્રાન્તિ કરી સક્ષમ બનાવવાની શરૂઆત કરવાનો પ્રથમ તબક્કો.
મિત્રો, આજે તમે હાલના જેવી આઝાદી ભોગવી શકો...,
શરાબ, બિયરના ગ્લાસને ચિયસઁ કરતા ટકરાવી મસ્તીમાં ઝૂમી ઝૂમીને ક્રિસમસ અને 31 ની ઉજવણી કરી શકો..
તમને ગમે તે રીતે સમાજમાં દરેકને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી શકો... 
તમે આ તમામ બધુ કરી શકો અને આ બધી બાબતો તમારા માટે હકીકત બને તે હેતુ ધ્યાનમાં રાખી એક માણસે એક પ્રબળ ઈચ્છા રાખી હતી.
પછાતોની મુક્તિ અને સ્વતંત્રતાના ધ્યેયની આવી ઈચ્છા રાખનાર માણસ એટલે "બાબા સાહેબ આંબેડકર" અને તે ધ્યેય સાકાર કરવા માટે તેમણે ઉઠાવેલ પહેલુ ચરણ એટલે મનુસ્મૃતિ દહન. આજના દિવસે 25 ડિસેમ્બરે બાબા સાહેબે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વો દ્વારા સ્થાપિત સામાજીક વ્યવસ્થા સામે પછાતોને આઝાદ કરાવવા સામાજિક આંદોલન ઉઠાવેલું.
જો માનવામાં ન આવતુ હોય તો તમારો ભૂતકાળ ફંફોસી લો.., ગુલામી અને દાસતાની બેડીઓમાં જકડાયેલા તમારા પુવઁજોના હાડપીંજરના ઢગલાઓ મળી આવશે. 
આ ગુલામીની જનક મનુસ્મૃતિએ સદીઓ સુધી શુદ્રોનું સામાજિક, આથિઁક અને માનસિક શોષણ કયુઁ છે. મનુસ્મૃતિ એક એવો ગ્રંથ જેણે સદીઓ સુધી સમાજના ચોક્કસ વગઁના બહુમતી સમાજના લોકોને શુદ્ર ગણાવી ધમઁની આડમાં શોષીત કરવા માટે વ્યવસ્થિત પીઠબળ પુરુ પાડ્યું.
મનુસ્મૃતિ એટલે બ્રાહ્મણોને બ્રહ્માના મુખથી, ક્ષત્રિયોને બ્રહ્માના બાહુથી, વૈશ્યને સાથળ અને શુદ્રોને પગમાંથી ઉત્પન્ન થયાનો દાવો કરી સમગ્ર શુદ્ર સમાજને માથે પરાણે ઠોકી બેસાડેલી અન્યાયી અને શોષણકારી ચાતુવણઁ સમાજ રચનામાં ની જનક.
મનુસ્મૃતિએ જ લોકોના ચાર વણઁ બનાવી તેમની વચ્ચે કામની પણ વહેંચણી કરી તે મુજબ બ્રહ્માના મુખેથી પેદા થયેલ બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગણાવાઈ તેમને ભણવાનું અને ભણાવાનું, યજ્ઞો-હવનો અને પૂજા પાઠ કરવાનું કામ સોપી રીતસર લહાણી કરવામાં આવી.... ક્ષત્રિયોનું કામ રાજ્યનુ રક્ષણ કરવાનું.... વૈશ્યોને વ્યાપાર પર એક હથ્થુ શાસન કરવાનું અને શુદ્રોને માત્ર અને માત્ર ઉપરના ત્રણેય વગઁના લોકોની સેવા કરવાનું કામ પરાણે લાદવામાં આવ્યું.... બસ અહીંથી જ ઘોર અન્યાયની શરુઆત થઈ જે સદીઓ સુધી ચાલતી રહી.
મનુસ્મૃતિ થકી પછાતોના આજિવન શોષણ માટે એક એવી સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી વળી એને ધમઁનું રક્ષણ આપી આ વ્યવસ્થા કાયમી રહે તે માટે શક્ય તમામ પગલા લેવાયા. મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનું બંધારણ ગણાતી હતી. તેમાં બતાવેલ કાયદાઓ અમલી હતા. આમાં પછાતોને કોઈ પણ પ્રકારનો હક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. મનુસ્મૃતિના પાને પાને શુદ્રોનું અપમાન કરવામાં આવ્યું છે.
આવા અન્યાયી ગ્રંથથી સમાજ સદીઓ સુધી પિડાતો રહ્યો એટલે બાબા સાહેબે આજના દિવસે 25 ડિસેમ્બરે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વોના પાયાઓ હચમચાવવાની શરૂઆત કરેલી...
મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
બાબા સાહેબે શરૂ કરેલ ક્રાન્તિ રાખના ઢગલામાં દબાઈ ગયેલ માત્ર એક ચિનગારી બનીને ન રહી જાય એ માટે સમયાંતરે એની પર ફુંકો મારતા રહીને ચિનગારીને ભભકતી જ્વાળા બનાવી રાખવાની છે. જ્યાં સુધી વ્યવસ્થા પરિવતઁન અને બાબા સાહેબનું મિશન પુરૂ ન થાય ત્યાં સુધી.
ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા...

No comments:

Post a Comment