By Kevalsinh Rathod | 14 December 2017 at 01:18

મૃતકો ના ધરે આજે ખુબ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા, અમારી હાજરી ની જાણ થતાં થાનગઢ નાં પોલીસ ઈન્સપેકટર એમ.જી.ડામોર પણ તુરંત પિડીતો ના ધરે દોડી આવેલ હતા અને તેમણે મૃતક ના પરીવાર ને તમામ કાયદાકિય મદદ કરવાની ખાત્રી આપેલી હતી.
ગુજરાત નાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ના આદેશ થી જ્યાં દલિત સમાજ ના ત્રણ-ત્રણ દુધમલ દિકરાઓને એકે47 જેવા ધાતક હથિયારો થી નકલી પોલીસ ગોળીબાર માં બેરહેમી થી મોત ને ઘાટ ઉતારવામાં આવેલા તે ગોઝારા થાનગઢ માં ગત્ તારીખ 11/12/2017 ના દિવસે બે યુવા સફાઈ કામદારો ને પણ સરકારી મોતે મારી નાખવામાં આવ્યા.
બનાવ ની હકિકત એવી છે કે, ગત્ તારીખ 11 ડિસેમ્બરે રાજીવ નગર બાયપાસ ઉપર નગર પાલિકા સમ્પ પાસે ભુગર્ભ ગટર બંધ થઈ ગયેલ જે સાફ કરવા માટે ચીફ ઓફીસરે સફાઈ કામદારો ના મુકાદમ ગેલાભાઈ સોઢા ને હુકમ કરતાં તેઓએ તેમની નીચે કામ કરતા મોહિત નાથાભાઈ સોલંકી તથા દિપક દિનેશભાઈ સોઢા સાથે ભુગર્ભ ગટર કરવા ગયેલ.
સફાઈ કામદારો ના મુકાદમ ગેલાભાઈ સોઢા એ નગરપાલિકા ના ચીફ ઓફીસર ચૌહાણ ભાઈ પાસે સફાઈ કામ વખતે નાં સલામતી ના સાધનો માગેલા પણ નગરપાલિકા પાસે સાધનો ન હોવાથી ચીફ ઓફીસરે સાધનો ઉપલબ્ધ નથી તેવું કહી આ માટે ના પાડેલી.
તે પછી, ભુગર્ભ ગટર અંદર જેટીંગ થી નોઝલ નાખી મોહિત નાથાભાઈ સોલંકી ગટર સાફ કરતા હતા તે દરમિયાન અચાનક ભુગર્ભ ગટર નો ગેસ છુંટતા તેને લાગી જતા તેણે શરીર નું સમતોલન ગુમાવેલ જેને પકડવા તેની પાછળ ઉભેલા દિપક દિનેશભાઈ સોઢા પણ ગટર માં પડી ગયેલ.
બંને જણ ને ગટર નો ઝેરી ગેસ લાગી ગયેલ, તરત જ તેમના મુકાદમ ગેલાભાઈ અને ડ્રાઈવર પંકજભાઈ એ બંને ને બહાર કાઢેલા અને 108 એમ્બ્યુલન્સ ના માધ્યમ થી થાનગઢ ની સરકારી હોસ્પીટલ પંહોચાડેલા, જ્યાં બંને ને મૃત જાહેર કરવામાં આવેલા.
આ બંને યુવાનો ની ઉંમર 26-26 વર્ષ હતી અને દુઃખ ની વાત તો એ હતી કે આ બેઉ ફક્ત રુપિયા 250/- ની મજુરી થી રોજમદાર તરીકે સફાઈ કામદાર નું કામ કરતા હતા.
આ બાબતે થાનગઢ ના તમામ સામાજીક કાર્યકર્તાઓ અને સફાઈ કામદારોએ ભેગા મળી બંને યુવકો ના મૃત્યુ પાછળ જવાબદારો સામે પગલાં લેવા ની માંગણી કરી અને લાશ સ્વીકારવાની ના પાડી.
અંતે પોલીસ ઈન્સપેકટર એમ.જી.ડામોરે થાનગઢ નગર પાલિકા ના ચીફ ઓફીસર અને આરોપી બી.સી.ચૌહાણ વિરુધ્ધ IPC 304, 336, 337, 114 તથા મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2013 (માનવ મળ વાળી ગટર સાફ કરવાનો કાયદો 2013) ની કલમ 5, 6, 7, 8, 9 તથા એટ્રોસીટી એમેન્ડમેન્ટ એક્ટ 2015 ની કલમ 3(1)(j), 3(2)(7) મુજબ ગુનો દાખલ કર્યો છે.
પણ હકિકતે જોઈએ તો, આ નિર્દોષ સફાઈ કામદારો ના મોત પાછળ જવાબદાર આ ચીફ ઓફીસર નહીં પણ રાજ્ય નાં મુખ્યમંત્રી છે.
રાજ્ય માં છેલ્લા પાંચ વર્ષ માં કુલ 200 થી વધુ સફાઈ કામદારો નાં આ જ રીતે ભુગર્ભ ગટર માં ગુંગળાવાથી અથવા ઝેરી ગેસ ના કારણે મોત થયા છે.
સુપ્રિમ કોર્ટ ની સફાઈ કામદારો વિશે ની ગાઈડલાઈન તથા માનવ મળ વાળી ગટર સાફ કરવાના કાયદા નું રાજ્ય સરકાર એક ટકા પણ પાલન નથી કરતી, અને આના માટે રાજ્ય નાં મુખ્યમંત્રી સીધા જ જવાબદાર છે. આરોપી મુખ્યમંત્રી પર કાયદાકીય પગલાં લેવાવા જ જોઈએ તો અને તો જ આ સરકારી હત્યાઓ બંધ થશે.
આજે અમે તથા અમારી ટીમ સામાજીક એકતા અને જાગૃતિ મિશન ના સાથીઓ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર સંધ નાં સંયોજક રાજેશ સોલંકી અને બીજા મિત્રો એ થાનગઢ ની મુલાકાત લઈ અને પિડીત પરીવારો ને સાંત્વના આપી.
અમારી સાથે થાનગઢ હત્યાકાંડ નાં શહિદ મેહુલ, પંકજ તથા પ્રકાશ નાં પરીવારજનો સહિત ઘણાં બધા સામાજીક કાર્યકર્તાઓ તથા બહેનો જોડાઈ હતી.
ધટના સ્થળે થી તમામ લોકો ની વચ્ચે જ ગુજરાત રાજ્ય નાં મુખ્ય સચિવ ડૉ. સિંઘ ને લાઉડસ્પીકર થી આ આખી ધટના થી માહિતગાર કર્યા તેમજ જેમ બને તેમ ઝડપ થી આ પરીવાર ને ન્યાય મળે તે માટે રજુઆત કરેલી જેથી મુખ્યસચિવે સુરેન્દ્રનગર ના જિલ્લા કલેકટર આ પિડીતો ની મુલાકાત લઈ એમને આર્થિક અને કાનુની મદદ કરે તે બાબતે અમોને આશ્વાસન આપેલું.
અનુસુચિત જાતિ નિયામક કે.ડી.કાપડીયા ને પણ ત્યાંથી જ ટેલિફોનિક વાત કરી અનસુચિત જાતિ અત્યાચાર નિવારણ ધારા અંતર્ગત પિડીતો ને આર્થિક સહાય ની તાત્કાલિક ચુકવણી તથા ભંગી જાતિ નાં તમામ 120 સફાઈ કામદાર પરીવાર ને સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય ચુકવવા બાબતે પણ રજુઆત કરેલ હતી.


હાજર તમામ લોકો એક સાથે એક સુર માં કહેતા હતા કે આ કેસ ના આરોપી ગુજરાત ના મુખ્યમંત્રી છે અને એફઆરઆઈ માં તેમનું નામ આરોપી તરીકે આવવું જોઈએ.
ઉપસ્થિત તમામ લોકો એ પિડીતો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી સફાઈ કામ બંધ કરી આંદોલન માં જોડાવાનો પણ સંકલ્પ કર્યો છે.
ગુજરાત નાં તમામ માનવતાવાદી મિડીયાકર્મીઓને વિનંતી છે કે, સફાઈ કામદારો ના હક્ક ની લડાઈ ને વાચા આપવા માટે મદદ કરો.
આ લડાઈ સત્તા કે સંપત્તિ માટે ની નહીં પણ આત્મસમ્માન અને સ્વાભિમાન માટે ની લડાઈ છે..!!
આપનો મિશનસાથી
- કેવલસિંહ રાઠોડ
No comments:
Post a Comment