December 15, 2017

ક્યા સે ક્યા હો ગયા?

By Raju Solanki  || 21 November 2017 at 17:26



મેં અગાઉ પણ કહેલું અને આજે પણ કહું છું, હાર્દિક પટેલને અનામત માટે નેતા બનાવવામાં આવેલો, ભાજપ હટાવવા માટે નહીં. હાર્દિક એના મેન્ડેટની બહાર ગયો. દેશમાં ક્યાંય ક્વોટા આંદોલન એની નક્કી કરેલી સ્ક્રિપ્ટની બહાર ગયું નથી. જાટ, મરાઠા, ગુર્જર, આ તમામ સમુદાયોના આંદોલનો ભગવા નેજા નીચે જ ચાલ્યા છે. કોઈએ ક્યાંય સંઘની ચડ્ડીઓ સામે એક અક્ષર ઉચ્ચાર્યો નથી. ખરેખર તો સંઘની થિન્ક ટેન્ક આ આંદોલનોને એક લાંબા ગાળાની રણનીતિના ભાગરૂપે જોઈ રહી છે, જે દેશમાં અનામતની સમીક્ષા માટેનું એક વ્યાપક વાતાવરણ તૈયાર કરે અને ભવિષ્યમાં અનામતને હટાવી શકાય.

વોટની રાજનીતિ આડે આવે છે, નહીંતર એક સેકન્ડમાં સંઘીઓ અનામતને એક ઝાટકે ઉડાડી દેવા તૈયાર છે. સૌથી મોટો ડર ઓબીસીનો છે, જે હવે યુપી જેવા સૌથી મોટા રાજ્યમાં ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે. ઓબીસીનું દલિત-આદિવાસી સાથે જોડાણ થાય તો સંઘનો ખેલ ખતમ થાય એમ છે અને એ અટકાવવા માટે ક્વોટા આંદોલન આવી રહ્યા છે.

ગુજરાતના ક્વોટા આંદોલને આજે દળી દળીને કુલડીમાં ભર્યું છે, પાસનું દળકટક ભાજપમાં જઈ રહ્યું છે અને હાર્દિક એકલવાયો ટ્વીટ્ટર પર શાયરીઓ કરી રહ્યો છે. આ તો થવાનું જ હતું. ચુંટણી પછી ઘીના ઠામમાં ઘી પડી જશે. પટેલો ભાજપમાં જ રહેશે. ભાજપ પટેલોનું પોતાનું ઘર છે. બહું મહામહેનતે આ ઘર બનાવ્યું છે. જય સરદારના નારાથી કોંગ્રેસીઓ પટેલોને બેવકૂફ બનાવી નહીં શકે.

ચૂંટણી કરોડોનો ખેલ છે. આજે સમાચાર છે એમ ભાજપને દસ કરોડ અને કોંગ્રેસને આઠ કરોડ બે નંબરના નાણા પાનકાર્ડ વિનાના મળ્યા છે. તમે આંદોલન કરવા તૈયાર હો તો બંને પક્ષો તમને ખરીદવા તૈયાર છે. તમારે તમારી કિંમત નક્કી કરવાની છે. આમાં સિદ્ધાંત બિદ્ધાંત કશું જ આવતું નથી. જો જીતા વહી સિકંદર. તમને લોકોના નામે બોલતા આવડવું જોઇએ. તમારી પાસે મગજ વગરના બે-પાંચ હજાર માણસોનું ટોળું હોય તો તમારી કિંમત અંકાય છે. હાર્દિક પાસે લાખોનું ટોળું હતું, પરંતુ એના પણ પગ નીચેથી ધરતી ખસી રહી છે.

મીડીયાએ કાલે તમને હીરો બનાવ્યા, આજે ઝીરો પણ બનાવી દેશે.

No comments:

Post a Comment