June 03, 2020

"I can't breathe"

By Vijay Makwana  || 01 June 2020


ગઈ તારીખ 25 મે ના રોજ અમેરિકાના મીનીઆપોલીસ શહેરના એક સ્ટોરમાં એક કાળો વ્યક્તિ સિગારેટ ના પેકેટ ખરીદવા આવે છે. તેના વોલેટમાંથી તે 20 ડોલરની નોટ કાઢી સ્ટોર ના કર્મચારીને આપે છે. સ્ટોર કર્મચારી 20 ડોલરની નોટને આમતેમ ફેરવી જુએ છે. તેને નોટ બનાવટી હોવાનું માલુમ થાય છે. તે કાળા માણસને બાકીના છૂટા પરત કરી તેની જાણ બહાર પોલીસને ખબર પહોંચાડે છે કે, એક કાળો માણસ મારા સ્ટોરમાં 20 ડોલરની બનાવટી નોટ પધરાવી ગયો છે. પોલીસ નજીકમાં જ હોય છે. હજુ કાળો માણસ સ્ટોરની બહાર નીકળી ઊભો ઊભો સિગારેટ ના કસ મારી રહ્યો હોય છે. અને પોલીસ પોતાની કાર સાથે આવી ચડે છે. સિગારેટ પીતા કાળા માણસ ને જેનું નામ છે જ્યોર્જ ફ્લોયડ તેની ધરપકડ કરે છે. તેના હાથ પાછળથી બાંધી દે છે. અને રસ્તાના સામા છેડે આવેલી કાર સુધી લઈ જાય છે. જ્યોર્જ ફ્લોયડ ને કારમાં ધકેલવા માટે પોલીસ અમલદાર ધક્કો મારે છે. જેનાથી જ્યોર્જ ગળથોલું ખાઈ જાય છે. જેને પેલો ગોરો અમલદાર વિરોધ ગણી લે છે. તે જ્યોર્જ પર તુટી પડે છે. અને જ્યોર્જને છાતી ભેર કાર પાસે જ નીચે પાડી દે છે. નીચે પડેલા જ્યોર્જ ની ગરદન પર તે પોતાનો પગ વાળીને મૂકી દે છે. લગાતાર 8 મિનિટ સુધી જ્યોર્જ તરફડે છે. તે ગોરા અમલદાર ને ચીસો પાડી ને વિનવણી કરતા કરતા કહે છે. પ્લીઝ મારા પર થી પગ હટાવી લો.. હું મરી જઈશ..મારો શ્વાસ રુંધાય છે.. અને અંતે જ્યોર્જ ફ્લોયડ ના શ્વાસ અટકી જાય છે. તે મૃત્યુ પામે છે. કોઈ વ્યક્તિએ આ આખી ઘટના પોતાના સ્માર્ટ ફોન પર વિડિયો સ્વરૂપે કેદ કરી લીધી જે વિડિયો જોતા જોતામાં વાયરલ થઈ ગયો. વીડિયોથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ એક રંગભેદી ઘટના હતી જ્યોર્જ નો ગુન્હો મામૂલી ગુન્હો હતો. હજારો લાખો બનાવટી નોટો અમેરિકામાં ફરી રહી છે. દરેક સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે તો અમેરિકાની ચોથા ભાગની વસ્તી નાબૂદ થઈ જાય. પણ આ મામલે ગોરા અમલદારે પોતાની વિકૃત માનસિકતા નું પ્રદર્શન કરી એક કાળા માણસની સરાજાહેર હત્યા કરી. આ ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાતો પડ્યા. અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ને લોકોએ રેસિસ્ટ કહ્યા. તેમને અમેરિકામાં વધી રહેલી વ્હાઇટ સુપ્રીમસી અને રંગભેદની નીતિ ને પોષણ કરતા શાસક કહેવાયા. તેઓ સામે હાલ પુષ્કળ વિરોધ થઈ રહ્યો છે ગઇકાલે જ્યોર્જ ની હત્યાના મામલે ચાલતા પ્રદર્શન થી ચિંતિત સુરક્ષા એજન્સીઓ એ સુરક્ષાના કારણોસર પ્રેસિડેન્ટ ટ્રમ્પ ને બંકર માં રોકવાની સૂચના આપી છે.

આ ઘટનામાં સહુથી ખૂબસૂરત વાત હોય તો એ છે કે અમેરિકામાં વસતા ન્યાયપ્રિય ગોરાલોકો અંદરથી ખળભળી ઉઠયા તેઓ પણ રસ્તા ઉપર આવી ગયા. હજારો ની સંખ્યા માં ગોરાલોકો બહાર નીકળ્યા અને આ આંદોલન ની ધુરા પોતાના હાથમાં લઈ લીધી. લેટેસ્ટ સમાચાર મુજબ અમેરિકન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી 4100 લોકોને લોકઅપ માં પૂરી દીધા છે. જેમાં 3000 લોકો તો ગોરા લોકો છે. જ્યોર્જ ની હત્યા કરનાર ગોરા પોલીસ અમલદારની પત્ની પણ આ આંદોલનમાં સામેલ છે. તેણી એ પોતાના પતિ ને જ્યોર્જ ની હત્યાના બીજા દિવસે મૌખિક છૂટાછેડા આપી દીધા છે અને શનિવારના દિવસે કોર્ટમાં છૂટાછેડાની અરજી ફાઈલ કરી છે. આ સન્નારી એ જાહેર મંચ પર કહ્યું '' હું આવા નીચ અને અધમ વિચારધારા ધરાવતા હેવાન સાથે જીવન વિતાવી રહી હતી તેનો મને બેહદ અફસોસ છે...''

અમેરિકાની ગોરી પ્રજાને મારી સલામ છે. જે આ વિકૃત માનસિકતા ને ખતમ કરવા તમામ પ્રયાસો કરવા કટિબદ્ધ છે. અને એમની આ કટિબદ્ધતા નું સન્માન મહાત્મા જ્યોતિબા ફૂલે એ આજથી દોઢ સદી પહેલાં પોતાની કિતાબ "ગુલામગીરી" ને કાળા લોકોના સામાજિક ન્યાયના આંદોલનમાં હિસ્સો લેતા ગોરાલોકો ને સમર્પિત કરી ને કર્યું છે. ભારતના આકાશમાં હજી જાતિવાદ નો અંધકાર છવાયેલો છે. હજી સૂર્યોદય થવાને ઘણી વાર છે. ભારતના જાતિવાદી સવર્ણો ના દિમાગમાં બંધુત્વની, સમાનતાની, ન્યાયની આ સમજ ક્યારેય નહિ આવે! ભારત નો જાતિવાદી સવર્ણ સમાજ જાતિગૌરવ ના ગંદા ખાબોચિયામાં ભૂંડ જેમ આળોટી રહ્યો છે. એ ક્યારેય પોતાની વ્હાલી એવી ગંદકી ને છોડવા તૈયાર નહિ થાય..

ખરી હકીકતે તો કોઈપણ રાષ્ટ્ર નો અસલી વિકાસ તો તેમાં રહેતા લોકો વચ્ચેના પરસ્પરના પ્રેમ , સ્નેહ, બંધુતા, ન્યાય અને સમાનતાની ભાવનાથી મૂર્ત થતો હોય છે.

જય આંબેડકર દોસ્તો!

#મામા_ભાણેજ